+

AMBAJI : ચંદ્રગ્રહણને પગલે દર્શન અને આરતીના સમયમાં થયો ફેરફાર, અંબાજી મંદિર બપોરે 3:30 થી રહેશે બંદ

અહેવાલ – શક્તિસિંહ રાજપુત, અંબાજી શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિરમાં ઋતુ પ્રમાણે વર્ષમાં અનેકવાર માતાજીની આરતી અને…
અહેવાલ – શક્તિસિંહ રાજપુત, અંબાજી
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિરમાં ઋતુ પ્રમાણે વર્ષમાં અનેકવાર માતાજીની આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવતો હોય છે. ચંદ્રગ્રહણ હોય કે સૂર્યગ્રહણ હોય, અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવતો હોય છે.
આજ રોજ પૂનમના દિવસે તારીખ 28/10/2023 ના રોજ ચંદ્રગ્રહણ હોવાના લીધે અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, તો સાથે-સાથે બપોર 3:30 પછી અંબાજી મંદિર સંપૂર્ણ રીતે દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. આજે વહેલી સવારે 6 વાગ્યે મંગળા આરતી કરવામાં આવી હતી. અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે. આજે વહેલી સવારે અંબાજી મંદિરમાં ભારે ભીડ જોવા મળી હતી અને લાઈનોમાં પણ ભક્તોની ભીડ જોવા મળી હતી.
શુક્રવારે રાત્રે શરદ પૂનમ નિમિત્તે અંબાજી મંદિરમાં દૂધ પૌવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો . માતાજીને રાત્રે 12:00 વાગે દૂધ પૌવા ધરાવવામાં આવ્યા હતા અને કપૂર આરતી કરવામાં આવી હતી, ત્યારબાદ ભક્તોને દૂધ પૌવાનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. આજે ચંદ્રગ્રહણનો વેદ લાગતો હોવાથી, મંદિર બપોરે 3:30 કલાકથી સંપૂર્ણ બંધ રહેશે. આજે સવારે પૂનમ નિમિત્તે અંબાજી મંદિરમાં સિદ્ધિવિનાયક મંદિરમાં ગણપતિ દાદાની આરતી કરવામાં આવી અને ત્યારબાદ અંબાજી મંદિરમાં માતાજીની આરતી થઈ માતાજીની આરતી થયા બાદ અંબિકેશ્વર મહાદેવમાં ભગવાન શિવની આરતી થઈ.
અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ તન્મય ઠાકરે જણાવ્યું હતું કે ચંદ્રગ્રહણ નિમિત્તે વેદ લાગતો હોવાથી અંબાજી મંદિરમાં દર્શન સમય અને આરતીના સમયમાં પણ ફેરફાર થયો છે, ત્યારે સાંજની આરતી બપોરે 2:00 વાગે કરવામાં આવશે અને મંદિર બપોરે 3:30 કલાક પછી બંધ કરવામાં આવશે. 29 તારીખના રોજ રવિવારે સવારે મંગળા આરતી 8:30 વાગે કરવામાં આવશે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter