Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Always & Forever-મોહમ્મદ રફી અને કિશોર કુમાર

03:11 PM Apr 24, 2024 | Kanu Jani

Always & Forever એવા લીજેન્ડ મોહમ્મદ રફી એટલે ફિલ્મસંગીતના ગંધર્વ અને કિશોરકુમાર એટલે મસ્તીખોર ઝરણું

મોહમ્મદ રફીને હૃદયાંજલિ અપર્ણ કરવી હોય તો  ફકત  એટલું જ કહી શકાય કે તેઓ સ્વર્ગના ગંધર્વના સ્વરૃપમાં પૃથ્વી પર અવતર્યા હતા. બીજી બાજુ કિશોર કુમારે તેમની  નટખટ, નિર્દોષ, મસ્તીસભર ગાયકીથી ફિલ્મ સંગીતના રસિકોને અને ફિલ્મ પ્રેમીઓને રાજીના રેડ કરી દીધા.

મોહમ્મ્દરફી-મુઠ્ઠીઉંચેરા ગાયક એટલા જ નખશીખ સજ્જન.

મોહમ્મ્દરફી સાહેબ એટલે હિન્દી ફિલ્મ જગતના ગંધર્વ. ખળખળ વહેતું મીઠું ઝરણું. સૂર અને તાલની મજેદાર જુગલબંદી. પહાડી-બુલંદ અવાજ સાથે રેશમી લહેકો.વિશાળ ફલક. મન-હૃદયના તારની સરગમ.ફક્ત પોતાના મીઠા-મધુર અવાજથી  શબ્દચિત્ર સર્જનારા  આલા દરજ્જાના ગાયક.  જેટલા મુઠ્ઠીઉંચેરા ગાયક એટલા જ નખશીખ સજ્જન.

કિશોરકુમાર- બાળકની નટખટ-નિર્દોષ મસ્તી

બીજીબાજુ કિશોર કુમાર એટલે બાળકની નટખટ-નિર્દોષ મસ્તી. પોતાની  ગાયિકી દ્વારા  રમૂજ,  ઉંમંગ, ઉત્સાહ, થનગનાટ,નૃત્ય, પ્રેમની રંગોળી રચનારા. યુવાન હૈયાંનો  પ્રણય રણકાર. ક્યારેક ગંભીર, સંવેદનશીલ તો કોઇક વખત રસતરબોળ. 

સાતમો દશક-હિન્દી ફિલ્મ સંગીતનો સુવર્ણકાળ

સાંઇઠથી સિત્તેરના સમયગાળો  હિન્દી ફિલ્મ સંગીતનો સુવર્ણકાળ ગણાય છે.સંગીત સમ્રાટ નૌશાદ અલી, હુશ્નલાલ-ભગત રામ, જયદેવ, શંકર-જયકિશન, સચિન દેવ બર્મન, ખય્યામ, રવિ, હેમંત કુમાર,    મદન મોહન, કલ્યાણજી-આણંદજી, ઓમકાર પ્રસાદ નય્યર(ઓપી નૈય્યર), લક્ષ્મીકાંત-પ્યારેલાલ વગેરે સૂરીલા સંગીત નિર્દેશકોએ ખળખળ વહેતા ઝરણા જેવી અને કોયલના કર્ણમંજુલ ટહુકા જેવી સંગીત ધૂનોનું અમર સર્જન કર્યું.

સોનામાં સુગંધ ભળે તેમ આ બધા સંગીત નિર્દેશકોની કર્ણપ્રિય સંગીત ધૂનોને Always & Forever એવા અમર ગાયકો મોહમ્મદ રફી,મન્ના ડે,મુકેશ,કિશોર કુમાર,તલત મેહમુદ,નૂરજહાં, સૂરૈયા,ગીતા દત્ત,લતા મંગેશકર, આશા ભોંસલે, સુમન કલ્યાણપુર વગેરે ગાયક-ગાયિકાઓએ  તેમના કર્ણપ્રિય અવાજથી અમર બનાવી દીધી.

નવા યુગનો આરંભ

જોકે સમયના પ્રવાહ સાથે હિન્દી ફિલ્મોના નિર્માણમાં અને ગીત-સંગીતમાં નવા યુગનો આરંભ થયો. પ્રેમ-પ્રણય, નૃત્ય, થનગનાટ, રહસ્ય, કોમેડી, સામાજિક અન્યાય સામે ઝઝુમતો યુવાન (બોલિવુડ જેને એન્ગ્રી યંગ મેન કહે છે) વગેરે વિષય સાથેની ફિલ્મોનો યુગ શરૃ થયો.

ખાસ કરીને પ્રણયરંગી ફિલ્મોમાં દેવ આનંદ, શમ્મી કપૂર, રાજેન્દ્ર કુમાર, ધર્મેન્દ્ર, શશી કપૂર, જોય મુખરજી, વિશ્વજિતથી લઇને રાજેશ ખન્ના વગેેરે હીરોનાં પડદા પરનાં ગીતો માટે મોહમ્મદ રફીનો અવાજ સૌથી વધુ મીઠો અને લોકપ્રિય રહ્યો છે. અમુક  પ્રણયરંગી  ફિલ્મોમાં દિલીપ કુમારનાં ગીતો પણ રફી સાહેબે જ ગાયાં છે.

સાતે ય સૂરોની મીઠાશ- મોહમ્મદ રફી (Always & Forever)

મૂળ અખંડ ભારતના પંજાબના કોટલા સુલતાન સિંહ નામના ગામમાં જન્મેલા મોહમ્મદ રફીના કંઠમાં કુદરતે સાતેય સૂરની મીઠાશ ભરી દીધી હતી.  યુવાન વયે શાસ્ત્રીય સંગીતની તાલીમ  પામેલા મોહમ્મદ રફી  મુંબઇ   નગરીમાં આવીને  હિન્દી ફિલ્મોના મીઠા મધુરા અને સૌથી સફળ ગાયક બની ગયા હતા. એમ  કહો કે  મોહમ્મદ રફીની ગાયિકીનું ગગન બહુ બહુ વિશાળ હતું. ફોડ  પાડીને   કહીએ તો રફી સાહેબે  ભજન, ગઝલ,   શાસ્ત્રીય સંગીતનાં ગીતો, પ્રણય ગીતો, મસ્તીસભર ગીતો,  વિરહ ગીતો, કવ્વાલી, દેશભક્તિનાં ગીતો ગાઇને પોતાની ગાયિકીની પ્રતિભા પુરવાર કરી  દીધી હતી. એટલે જ રફી અને કિશોરકુમાર Always & Forever

*ભજન

મન તડપત હરિ દરસન કો   આજ  :બૈજુ બાવરા , સુખ કે સબ સાથી, દુ:ખ મેં ન કોઇ : ગોપી, ગઝલ

ન કિસી કી આંખ કા નૂર હું : લાલ કિલ્લા,

*પ્રણય ગીતો

જો વાદા કિયા વહ નિભાના પડેગા,પાંવ  છૂ લેને દો,જો બાત  તુઝ મેં હૈ(તાજમહલ). આ ત્રણેય ગીતમાં મોહમ્મદ રફીએ તેમના  કર્ણમંજુલ કંઠનું ખળખળ ઝરણું વહાવ્યું છે. 

યહ મેરા પ્રેમ પત્ર પઢકર : સંગમ, દિલ પુકારે આરે આરે : જ્વેલથીફ, દિલ કા ભંવર કરે પુકાર : તેરે ઘર કે સામને,નિગાહોં નિગાહોં મેં  જાદૂ ચલાના : કશ્મીર કી કલી, બહારો ફૂલ બરસાઓ : સૂરજ, અય ફૂલોં કી રાની બહારોં કી મલીકા : આરઝૂ, ઝીલ મીલ  સિતારોં કા  આંગન હોગા : જીવન મૃત્યુ

*મસ્તીસભર ગીતો

યા…હૂ  … ચાહે કોઇ મુઝે જંગલી કહે : જંગલી, આસમાન સે આયા ફરિસ્તા : એન ઇવનિંગ ઇન પેરીસ, બદન પે સિતારે લપેટે હુએ : પ્રિન્સ, 

*શાસ્ત્રીય સંગીત

મધુબન મેં રાધિકા નાચે રે :  કોહીનૂર, કુહુ  કુહુ બોલે કોયલિયા : સ્વર્ણ સુંદરી,  રાધિકે તુને  બંસરી ચુરાઇ : બેટીબેટે, મન રે  તુ કાહે ના ધીર ધરે : ચિત્રલેખા) 

*વિરહ ગીતો

યાદ ન જાયે બીતે દિનોં કી : દિલ એક મંદિર ,  દિન ઢલ જાયે :  ગાઇડ, યહ દુનિયા યહ મહેફીલ : હીર રાંઝા, બાબુલ કી દુઆએં લેતી જા : નીલ કમલ ,  

*કવ્વાલી

ન તો કારવાં કી તલાશ હૈ : બરસાત કી રાત, રાઝ કી બાત કહે દું :ધર્મા, પરદા હૈ પરદા હૈ : અમર, અકબર, અન્થની.

કહેવાનો અર્થ એ છે કે  મોહમ્મદ રફીની ગાયિકીનું સૌથી મોટું આશ્ચર્ય એ હતું કે તેમણે  શમ્મી કપૂર, દિલીપ કુમાર, રાજેન્દ્ર કુમાર, દેવ આનંદના અવાજને  જાણે કે આત્મસાત કર્યો હોય  તેમ પડદા પર આ કલાકાર પોતે જ ગીત ગાતા હોય તેવો દર્શકોને અહેસાસ  થતો,

મોહમ્મદ રફીના કંઠની કુદરતી શક્તિ અને બખૂબી ઉપયોગ  

‘ઑ દુનિયા કે રાખવાલે’ ભજનના અંતમાં રફી સાહેબે ઉંચા સૂરમાં ગાઇને તેમના કંઠની કુદરતી શક્તિ અને ગાયકીનો પરિચય આપ્યો છે.

‘બાબુલ કી દુઆએં લેતી જા’ ગીતના અંતમાં રફી સાહેબે  તેમના કંઠને રીતસર  રડાવ્યો છે.

‘બદન પે સિતારે લપેટે હુએ’ ગીતમાં ભરપૂર પ્રણય  મસ્તી, ઉમંગ,થનગનાટના પરિચય કરાવ્યો છે.

‘ઝીલ મિલ સિતારોં કા આંગન હોગા’ ગીતમાં પ્રેમના ખળખળ વહેતા ઝરણાનો સાક્ષાત્કાર કરાવ્યો છે.

‘પરદા હૈ પરદા હૈ’ કવ્વાલીમાં પોતાના કંઠની બુલંદી વહાવી છે.

મધુબન મેં રાધિકા નાચે રે ગીતમાં શાસ્ત્રીય સંગીતના ઉસ્તાદ બની ગયા છે.

મોહમદ રફી-સ્વર્ગથી ઊતરેલ ગંધર્વ

હિન્દી ફિલ્મનાં ગીતોમાં આટલી વિશાળ અને છતાં કર્ણપ્રિય રેન્જ  ખરેખર કુદરતી બક્ષીસ, શાસ્ત્રીય સંગીતની ગહન તાલીમ, શિસ્તબદ્ધ -નિયમિત રિયાઝનું જ પરિણામ હોઇ શકે. ખરેખર  મોહમ્મદ રફીને  હૃદયાંજલી અપર્ણ કરવી હોય તો  ફકત  એટલું જ કહી શકાય કે તેઓ સ્વર્ગના ગંધર્વના સ્વરૃપમાં પૃથ્વી પર અવતર્યા હતા.

Always & Forever કીશોરકુમાર- નટખટ, નિર્દોષ, મસ્તીસભર ગાયિકી

બીજી બાજુ કિશોર કુમારે તેમની  નટખટ, નિર્દોષ, મસ્તીસભર ગાયિકીથી  ફિલ્મ સંગીતનાં રસિકોને અને ફિલ્મ પ્રેમીઓને રાજીના રેડ કરી દીધા. આમ તો  એક કલાકાર તરીકે કિશોર કુમાર ગાયક, સંગીત નિર્દેશક, અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા એમ  બહુમુખી પ્રતિભા ધરાવતા કલાકાર હતા.

કિશોરકુમારનો કંઠ એક્સ્પ્રેસિવ

હિન્દી ફિલ્મ  જગતના પ્રતિભાશાળી સંગીત નિર્દેશકોના કહેવા મુજબ કિશોરકુમારનો કંઠ એક્સ્પ્રેસિવ હતો.એટલે કે ગીતનો જે ભાવ હોય તેને પડદા પર અભિનેતાના રૃપમાં વહે. ખાસ કરીને રમૂજ, ઉછળકૂદ,  થનગનાટ, ઉમંગ, ઉત્સાહ, નૃત્ય વગેરે ભાવ કે લાગણીનાં ગીતોમાં કિશોર કુમાર રીતસર ખીલી ઉઠે.

બંને ગાયકોનાં થોડાં નમૂનેદાર ગીત 

*ફિલ્મ હાફ ટિકિટના  ‘ચિલ ચિલ ચિલ્લા કે કજરી સુનાય, ઝૂમ ઝૂમ કૌઆ ભી ઢોલક બજાયે, અરે વાહ વાહ…’ ગીતમાં કિશોર કુમારે છૂક છૂક દોડતી ટ્રેનમાં  ખરેખર જબરી ધમાલ  મચાવી છે. એમ કહો કે  બે ઘડી મોજ આવી જાય.  તો વળી, આ જ ફિલ્મના ‘આ કે સીધી લગી દિલ પે  જૈસે કટારિયા’ ગીતના પહેલા હિસ્સામાં કિશોર કુમારે સ્ત્રીના  અવાજમાં  અને  ‘લે ગઇ મેરા દિલ ઓ ગુજરિયા’ (પ્રાણ)ના હિસ્સામાં પુરુષના અવાજમાં  ગીત ગાઇને ખરેખર કમાલ કરી છે. આવો પ્રયોગ ફક્ત કિશોર કુમાર જ કરી શકે.

* ફિલ્મ પડોસન- ના ઓલ ટાઇમ મોજમસ્તીસભર ગીત : ‘એક ચતુર નાર બડી હોસિયાર,’ ગીતમાં તો કિશોર કુમારે જે જુદા જુદા હાસ્યસભર પ્રસંગોમાં પોતાના કંઠના જબરા રમૂજી પ્રયોગો કર્યા છે.

* આ જ કિશોર કુમારે ફિલ્મ કર્ઝના ગીત ‘મેરી ઉંમર કે નવ જવાનો , દિલ ના લગાના ઓ દિવાનો,’ ‘ઓમ…. શાંતિ ઓમ …. ઓમ… શાંતિ …ઓમ’. માં  રોક ડાન્સનો મજેદાર માહોલ સર્જ્યો છે.

* ફિલ્મ આરાધના ના મીઠા મધુરા ગીત : ‘કોરા કાગઝ થા યહ મન મેરા …’.માં  કિશોર કુમારે રસતરબોળ પ્રણય રસ વહાવ્યો છે. પોતાના ઘેરા અવાજમાં બે પ્રેમીઓની પ્રેમ ગંગા વહાવી છે. આ મીઠંો મધુરું  ગીત કિશોર કુમારની ગાયક તરીકેની કારકિર્દીનું યાદગાર ગીત બની રહ્યું છે.આ ગીતની સુપરહીટ સફળતા બાદ કિશોર કુમાર હિન્દી ફિલ્મ જગતના પહેલા ભાવિ સુપર સ્ટાર  રાજેશ ખન્નાનો અવાજ  બની રહ્યા.

* ફિલ્મ સફરના ગીત :  ‘ઝિંદગી કા સફર, હૈ યહ કૈસા સફર’ માં આ જ કિશોર કુમારે પોતાના ધીર ગંભીર કંઠમાં અભિનેતા રાજેશ ખન્નાના જીવનની પીડા અને સંવેદના વહાવી છે. આ જ  ફિલ્મના  બીજા મનભાવન ગીત ‘જીવન સે ભરી તેરી આંખે, મજબૂર કરે જીને કે લીયે …’.માં પોતાની પ્રેમિકાની સુંદર,ભાવવાહી, પ્રેમાળ આંખોની  એટલા  જ સુંદર ઉપમા,અલંકાર સાથે પ્રસંશા કરી છે.

* અમિતાભ બચ્ચનની સુપરહીટ ફિલ્મ મુકદર કા સિકંદરના એટલા જ સુપરહીટ ગીત:’ઓ  સાથી રે … તેરે બીના ભી ક્યા જીના …. ‘માં  કિશોર કુમારે  પોતાના કંઠમાંથી    પ્રિયતમા પ્રત્યેના વિરહની ઘેરી ,ગહન વેદના વહાવી છે. 

* મેહબુબા ફિલ્મના ‘મેરે  નૈના સાવન ભાદોં  ફિર ભી મેરા મન પ્યાસા …. ‘ગીતમાં આ જ કિશોર કુમારે  તેમના ગાયક તરીકેના જીવનમાં  કદાચ પહેલી જ  વખત શાસ્ત્રીય સંગીતના રાગ –શિવરંજની પર આધારિત ગીત ગાઇને એક ફિલ્મ ગાયક તરીકે  બહુ વિશિષ્ટ પ્રયોગ કર્યો હતો.આ ગીતમાં કિશોર કુમારના કંઠની  ઉંચા સૂરમાં પણ મીઠાશ જળવાઇ રહી છે.

* આ જ કિશોર કુમારે સમય જતાં સુપર સ્ટાર રાજેશ ખન્ના માટે ‘આંખો મેં હમને આપ કે સપને સજાયે હૈં’ અને  ‘હઝાર રાહે મુડકે દેખી …'(ફિલ્મ : થોડી સી બેવફાઇ) ગીતો ગાઇને રાજેશ ખન્નાની  સોનેરી સફળતામાં ઉજળું યોગદાન આપ્યું.

મોહમ્મદ રફી અને કિશોર કુમાર હિન્દી ફિલ્મ સંગીતના ઝળહળતા તારલા

મોહમ્મદ રફી અને કિશોર કુમાર હિન્દી ફિલ્મ સંગીતના ઝળહળતા તારલા છે.

મોહમ્મદ રફીની ગાયકીની વિશિષ્ટતા એ રહી છે કે તેમણે શાસ્ત્રીય સંગીતની ગહન તાલીમ લીધી હોવાથી તેમનાં ગીતોમાં  કંઠની મીઠાશ સાથે સૂર-તાલની મજેદાર જુગલબંદી અનુભવવા મળે છે. આ જ વિશેષતાથી રફી સાહેબ ભજન,ગઝલ, કવ્વાલી,  શાસ્ત્રીય સંગીત,  પ્રણય ગીત, મસ્તીસભર ગીત, વિરહ ગીત બહુ સહજતાથી ગાઇ  શકતા.

કિશોરકુમાર ગીતનો જે ભાવ હોય તેને પડદા પર અભિનેતાના રૃપમાં વહે. ખાસ કરીને રમૂજ, ઉછળકૂદ,  થનગનાટ, ઉમંગ, ઉત્સાહ, નૃત્ય વગેરે ભાવ કે લાગણીનાં ગીતોમાં કિશોર કુમાર રીતસર ખીલી ઉઠે.

ગમે તે કહો, મોહમ્મદ રફી  હિન્દી ફિલ્મ સંગીતના ગંધર્વ છે  તો કિશોર કુમાર રમૂજ, ઉંમંગ, ઉત્સાહ, થનગનાટ, નૃત્યનું પંચામૃત  છે એટલે જ એ મહાન ગાયકો Always & Forever છે

આ પણ વાંચો – Hitler-યે ભી કોઈ હિટલર(Hitler) કા હૈ ચેલા