આજનો દિવસ સુરતીઓ સહિત સમગ્ર ગુજરાત અને દેશના લોકો માટે ગૌરવ લેવાનો છે. કારણ કે આજના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ડાયમંડ સિટી સુરતમાં (Diamond City Surat) વિશ્વની સૌથી મોટી કોર્પોરેટ બિલ્ડિંગ ‘ડાયમંડ બુર્સ’નું (Diamond Burs) ઉદઘાટન કર્યું. આ બિલ્ડિંગના ઉદઘાટન સાથે વિશ્વની સૌથી મોટી કોર્પોરેટ બિલ્ડિંગ ધરાવતા દેશમાં ભારતનું નામ ટોચ પર પહોંચ્યું છે. જ્યારે આ પહેલા છેલ્લા 80 વર્ષથી વિશ્વની સૌથી મોટી કોર્પોરેટ બિલ્ડિંગનો રેકોર્ડ અમેરિકી રક્ષા મંત્રાલયની ઓફિસ પેન્ટાગોન (Pentagon) પાસે હતો. જો કે, ડાયમંડ બુર્સના ઉદઘાટનને બીજેપી માટે લોકસભા ચૂંટણી 2024 પહેલા ટ્રમ્પ કાર્ડ પૈકી એક માનવામા આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે 22 જાન્યુઆરી, 2024ના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે, જેના માટે પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. લોકસભાની ચૂંટણી પહેલા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને બીજેપીના પક્ષમાં એક મહત્ત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે. ત્યારે હવે સુરતમાં ‘ડાયમંડ બુર્સ’નું ઉદઘાટન પણ બીજેપી માટે લોકસભાની ચૂંટણીમાં ગુજરાત રાજ્યની દક્ષિણની બેઠકો જીતવા માટે મહત્ત્વનું પાસું મનાઈ રહ્યું છે. કેટલાક રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે લોકસભા ચૂંટણી-2024 (Lok Sabha Elections-2024) પહેલા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને ડાયમંડ બુર્સનું ઉદઘાટન બીજેપીને ચૂંટણી જીતવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.
દક્ષિણ ગુજરાતની લોકસભા બેઠકોમાં સુરત કેન્દ્ર બિંદુ!
દક્ષિણ ગુજરાતમાં લોકસભાની બેઠકોમાં સુરત, ભરૂચ, બારડોલી, નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં સુરત એક કેન્દ્ર બિંદુ છે. અહીં નજીકના અન્ય શહેરોમાંથી લોકો રોજગારી માટે આવતા હોય છે. આથી દક્ષિણ ગુજરાતની લોકસભાની બેઠકો જીતવા માટે સુરતની વિકાસગાથાનો પ્રચાર કરવો એ બીજેપીની રણનીતિનો એક ભાગ હોઈ શકે છે. ડાયમંડ બુર્સના ઉદઘાટન કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ પણ બીજેપી સરકારના કાર્યકાળ દરમિયાન સુરતના વિકાસ અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ડાયમંડ બુર્સ અને સુરત એરપોર્ટના નવા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગ થકી સુરતને વિશ્વમાં નવી ઓળખ મળી છે.
ભારત દુનિયાની ટોચની ત્રણ ઇકોનોમીમાં જરૂર સામેલ થશે: PM Modi
પીએમ મોદીએ (PM Modi) સુરતના વિકાસ કામો અંગે વાત કરી હતી. સાથે જ પીએમ મોદીએ ત્યાં હાજર લોકોને સંબોધિત કરતા કહ્યું હતું કે, છેલ્લા 10 વર્ષોમાં ભારત વિશ્વની આર્થિક તાકતોમાં 10માં નંબરેથી 5માં નંબરે પહોંચ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે,’મોદીએ દેશને ગારંટી આપી છે કે પોતાની ત્રીજી પારીમાં ભારત દુનિયાની ટોચની ત્રણ ઇકોનોમીમાં જરૂર સામેલ થશે.’ નોંધનીય છે કે, બીજેપી દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા, એક ભારત શ્રેષ્ઠ ભારત હેઠળ વિવિધ કાર્યક્રમ યોજીને સામાન્ય જનતા સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકારની યોજનાઓને લોકો સુધી પહોંચાડવા માટે પાર્ટી દ્વારા વિવિધ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
શનિવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદ આવ્યા હતા
આગામી વર્ષે માર્ચ, એપ્રિલ મહિના દરમિયાન દેશમાં લોકસભાની ચૂંટણી યોજાય તેવી સંભાવના છે. ત્યારે બીજેપીએ લોકસભાની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાર્ટી હાઇકમાન્ડ દ્વારા બેઠકોનો દોર પણ શરૂ કરાયો છે. તાજેતરમાં યોજાયેલા પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીએ રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં શાનદાર પ્રદર્શન કરીને સત્તા મેળવી છે. ત્યારે હવે પાર્ટીની નજર લોકસભાની ચૂંટણી પર છે. દેશ-દુનિયામાં ગુજરાત રાજ્ય બીજેપી માટે વિકાસનું એક રોલ મોડલ છે. ત્યારે ગુજરાતમાં બીજેપીએ લોકસભાની તમામ બેઠકો જીતવાના ઇરાદે કવાયત હાથ ધરી છે. શનિવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદની મુકાલાત લીધી હતી અને પાલડી ખાતે યોજાયેલા અમદાવાદના મહારાષ્ટ્ર સમાજ શતાબ્દી મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ અનુસાર, લોકસભાની ચૂંટણી 2024 પહેલા અમિત શાહની આ મુલાકાત ખૂબજ મહત્ત્વની માનવામાં આવી રહી છે. દરમિયાન, અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના રાજકીય અગ્રણીઓ સાથે બેઠક પણ કરી હોવાની ચર્ચા છે.
આ પણ વાંચો – Surat Diamond Bourse : સુરતીઓ કામમાં લોચો મારતા નથી અને ખાવામાં લોચો છોડતા નથી – PM મોદી