+

Morbi bridge collapse : જયસુખ પટેલની માફી કોર્ટે સ્વીકારી, સાથે જ ફટકાર લગાવતા કહ્યું- તમારી ભૂલનાંં કારણે..!

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં (Morbi bridge collapse Case) આજે ગુજરાત હાઈકોર્ટે સુનાવણી હાથ ધરી હતી. ઓરેવા કંપનીના MD જયસુખ પટેલ (Jaysukh Patel) દ્વારા પીડિતોને આર્થિક વળતર સહિત પાંચ બાબતો…

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં (Morbi bridge collapse Case) આજે ગુજરાત હાઈકોર્ટે સુનાવણી હાથ ધરી હતી. ઓરેવા કંપનીના MD જયસુખ પટેલ (Jaysukh Patel) દ્વારા પીડિતોને આર્થિક વળતર સહિત પાંચ બાબતો પર વળતર મામલે સોગંદનામું દાખલ કર્યું હતું, જેમાં અત્યાર સુધી પીડિતોને કુલ 14 કરોડ 62 લાખની ચૂકવણી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court) જયસુખ પટેલની માફી સ્વીકારી હતી અને સાથે જ પીડિતોના વળતર મામલે અસંતોષ પણ વ્યક્ત કર્યો હતો. કોર્ટે ઝાટકણી કાઢતા કહ્યું કે, તમારી ભુલનાં કારણે લોકો હાલાકી ભોગવી રહ્યાં છે. સંતાકૂકડીની રમત બંધ કરો અને નક્કર પગલાં લો.

જયસુખ પટેલે સોગંધનામું કરી કોર્ટની માફી માગી

મોરબીમાં વર્ષ 2022 માં દિવાળી ટાણે ઝૂલતા પુલ દુર્ઘટનામાં (Morbi bridge collapse) બાળકો-મહિલાઓ સહિત 136 નિર્દોષ લોકોના જીવ ગયા હતા. આ મામલે મુખ્ય આરોપી તરીકે ઓરેવા કંપનીના MD જયસુખ પટેલનું (Jaysukh Patel) નામ સામે આવતા તેમની ધરપકડ કરી જેલ ભેગા કરવામાં આવ્યા હતા અને કેસ ચલાવવામાં આવ્યો હતો. આ કેસમાં ગુજરાત હાઇકોર્ટની ફટકાર બાદ પીડિતોને વળતર સહિત 5 બાબતો પર વળતર મામલે જયસુખ પટેલે (Jaysukh Patel) સોગંદનામું દાખલ કર્યું હતું, જેમાં જયસુખ પટેલે અગાઉ સમયસર જવાબ આપી ન શક્યા હોવાથી કોર્ટની માફી માંગી હતી અને હાઇકોર્ટના આદેશોનું પાલન કરવા તેઓ બંધાયેલા છે અને હંમેશા પાલન કરશે તેવું જણાવ્યું હતું.

ઓરેવા કંપનીના MD જયસુખ પટેલ

પીડિતોને કુલ રૂ. 14 કરોડ 62 લાખની ચુકવણી કરાઈ : ઓરેવા કંપની

કોર્ટમાં ઓરેવા કંપનીએ (oreva company) કહ્યું કે, ઘટના બાદ પીડિતો અને મૃતકોના પરિજનોને મળી કુલ રૂ. 14 કરોડ 62 લાખની ચુકવણી કરવામાં આવી છે. કંપનીએ સોગંદનામામાં જણાવ્યું કે, ભવિષ્યમાં આપવામાં આવનાર નાણાકીય વળતરની ચુકવણી માટે જિલ્લા કલેક્ટર સાથે વાટાઘાટો ચાલુ છે. 5 બાબતોને લઈને વળતર મામલે વાતચીત આગળ વધી રહી છે, જેમાં પીડિતોને આપવામાં આવનાર આર્થિક વળતર અને તેની પદ્ધતિ, અત્યાર સુધી આપવામાં આવેલ વળતર અને આગામી વળતર સંબંધિત માહિતી, વૃદ્ઘો, વિધવા, પીડિત, અનાથ અને ઘાયલોને માનસિક સ્વાસ્થ્ય બાબતે ચર્ચા સામેલ છે.

‘મોરબી સહાય સેવા પરિવાર ટ્રસ્ટ’ માટે ડ્રાફ્ટ તૈયાર

કંપનીએ કોર્ટેમાં જણાવ્યું કે, હાઇકોર્ટના આદેશ બાદ ટ્રસ્ટની રચના અંગે વ્યૂહરચના તૈયાર કરાઈ છે. કુલ 7 સભ્યો ધરાવતા “મોરબી સહાય સેવા પરિવાર ટ્રસ્ટ” ની રચનાનો ડ્રાફ્ટ તૈયાર કરાયો છે. 4 ટ્રસ્ટી સરકારની ભલામણ અને 3 ટ્રસ્ટી કંપની ભલામણ મુજબ કાર્યો કરશે. દુર્ઘટના પીડિતોને જ્યારે જરૂર પડશે ત્યારે આ ટ્રસ્ટ તેમની મદદ કરશે. દરેક નાણાકીય વર્ષની શરૂઆતમાં પીડિતોને આપવામાં વળતર સહિતની નાણાકીય સહાય ટ્રસ્ટ મારફતે કરવામાં આવશે અને ટ્રસ્ટનો તમામ ખર્ચ ઓરેવા ઊઠાવશે તેમ જણાવ્યું હતું.

સંતાકૂકડીની રમત બંધ કરો અને વળતર આપવા મામલે નક્કર પગલાં લો : કોર્ટ

બીજી તરફ હાઈકોર્ટે ઓરેવાના MD જયસુખ પટેલની (Jaysukh Patel) માફી સ્વીકારી હતી. સાથે જ પીડિતોને વળતર મામલે અસંતોષ પણ વ્યક્ત કર્યો હતો. કોર્ટે ઝાટકણી કાઢતા કહ્યું કે, જે ટ્રસ્ટ બનાવવાની વાત તમે કરો છો તેમાં ચોક્કસ મુદ્દા હોવા જોઈએ. કોર્ટે આકરા શબ્દોમાં કહ્યું કે, જે જિલ્લાના લોકોએ તમને સફળ બનાવ્યાં તેમને સાચવવાની જવાબદારી તમારી છે. પરંતુ, તમારી ભૂલનાં કારણે લોકો હજી પણ હાલાકી ભોગવી રહ્યા છે. કોર્ટે કહ્યું કે, સંતાકૂકડીની રમત બંધ કરો અને વળતર આપવા મામલે નક્કર પગલાં લો. જણાવી દઈએ કે, જયસુખ પટેલના સોગંદનામા અંગે ગુજરાત હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને વિગતવાર સોગંદનામુ રજૂ કરવા માટે નિર્દેશ આપ્યા હતા. આ મામલે આગળની સુનાવણી 19 જૂનના રોજ હાથ ધરાશે.

 

આ પણ વાંચો – Morbi bridge collapse : ‘MD જેલમાં છે તો શું કંપની પણ અનાથ થઈ ગઈ છે?’ પીડિતોને વળતર મામલે HC આકરાં પાણીએ

આ પણ વાંચો – Morbi : બ્રિજ દુર્ઘટના કેસમાં સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલને આપ્યા જામીન

આ પણ વાંચો – Morbi : જયસુખ પટેલને અન્ય કોઇ જિલ્લા જેલમાં ટ્રાન્સફર કરવા માગ

Whatsapp share
facebook twitter