Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ચીનમાં ફેલાઈ રહેલા નવા વાયરસને લઈ ભારતના 6 રાજ્યોમાં એલર્ટ

09:53 PM Nov 29, 2023 | Hiren Dave

ચીનમાં બાળકોમાં વધી રહેલા શ્વાસ સંબંધી રોગને જોતા ભારતના 6 રાજ્યો એલર્ટ મોડ પર છે. પાડોશી દેશમાં વધી રહેલા રોગને જોતા કેન્દ્રએ તૈયારીઓની સમીક્ષા કરવા સૂચના આપી હતી. જેના પગલે ગુજરાત, રાજસ્થાન, કર્ણાટક, ઉત્તરાખંડ, હરિયાણા અને તમિલનાડુએ હોસ્પિટલો અને આરોગ્ય કર્મચારીઓને શ્વાસની સમસ્યાની ફરિયાદ કરતા દર્દીઓની સારવાર કરવા માટે સજ્જતા સુનિશ્ચિત કરવા જણાવ્યું છે.

કર્ણાટકના તમામ રહેવાસીઓને મોસમી ફ્લૂ વિશે જાગૃત રહેવા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત લોકોને સિઝનલ ફ્લૂના લક્ષણો તેમજ આ સમયગાળા દરમિયાન શું કરવું અને શું ન કરવું તે વિશે પણ જણાવવામાં આવ્યું છે. લોકોને ખાંસી કે છીંકતા સમયે મોઢું અને નાક ઢાંકવુ, સમયાંતરે હાથ ધોવા, ચહેરાને અડવુ નહી અને ભીડવાળી જગ્યાઓ પર માસ્ક પહેરવા સલાહ આપવામાં આવી છે.

હાલમાં ચિંતાનો વિષય નથી આ રોગ

સ્થાનિક અહેવાલો અનુસાર રાજસ્થાનમાં હાલ સ્થિતિ ચિંતાજનક નથી. રાજસ્થાન આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે પરિસ્થિતિ “હાલમાં ચિંતાનો વિષય નથી” પરંતુ તબીબી કર્મચારીઓએ પરિસ્થિતિનું નિરીક્ષણ કરવાનું ચાલુ રાખવું જોઈએ અને ચેપી રોગોના ફેલાવાને રોકવા જોઈએ. તેમજ રાજસ્થાન આરોગ્ય વિભાગે ચાઇલ્ડ રોગ યુનિટ અને મેડિસિન વિભાગમાં સંપૂર્ણ વ્યવસ્થા જાળવવા સૂચના આપી છે. બીજી તરફ, ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે કોવિડ-19 રોગચાળા દરમિયાન બનાવવામાં આવેલ હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ચીનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલા તરીકે મજબૂત કરવામાં આવી રહ્યું છે. સરકારે અધિકારીઓને તેમની તૈયારીઓની સમીક્ષા કરવા જણાવ્યું છે.

મામલાઓ તાત્કાલિક સરકારને રિપોર્ટ કરવાનો આદેશ

ઉત્તરાખંડના આરોગ્ય અધિકારીઓને શ્વસન રોગોના મામલાઓની દેખરેખ વધારવા માટે સૂચના આપવામાં આવી છે. ઉત્તરાખંડના ત્રણ જિલ્લા – ચમોલી, ઉત્તરકાશી અને પિથોરાગઢ ચીન સાથે સરહદો વહેંચે છે. તેના કારણે તેમને વધારે કાળજી લેવા આદેશ આપવામાં આવ્યા છે. હરિયાણાના આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે જાહેર અથવા ખાનગી હોસ્પિટલોમાં કોઈપણ “અસામાન્ય શ્વસન બિમારીના ક્લસ્ટર”ની તાત્કાલિક સરકારને જાણ કરવામાં આવે.

ન્યૂમોનિયાના લઈ ચિંતિત  

તમિલનાડુમાં પણ શ્વસન સંબંધી રોગો માટે સજ્જતા મજબૂત કરવા પગલાં લેવામાં આવી રહ્યા છે. અહી પણ સરકારી અને ખાનગી દવાખાનાઓમાં શ્વાસ સંબંધી રોગ જણાય તો તાત્કાલિક જાણ કરવા સૂચના આપવામાં આવી છે. રાજ્યના આરોગ્ય વિભાગે સાવચેતીના ભાગરૂપે બાળકોમાં ન્યૂમોનિયાની ફરિયાદ પર નજર રાખવા જણાવ્યું છે. જો કે હજુ સુધી બાળકોમાં આવી કોઈ ફરિયાદ જોવા મળી નથી. કેન્દ્રએ 24 નવેમ્બરના રોજ કહ્યું હતું કે ભારત ચીનમાં વર્તમાન ઈન્ફલ્યુએન્ઝાની સ્થિતિને કારણે ઊભી થતી કોઈપણ કટોકટી માટે તૈયાર છે.

આ  પણ  વાંચો – ચીનમાં ફેલાતા નવા વાયરસથી ભારતમાં કેટલો ખતરો !, જાણો આવા 5 પ્રશ્નોના જવાબ