Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

યુક્રેન યુધ્ધ બાદ જૂનાગઢમાં હીરા ઉદ્યોગ પડી ભાંગ્યો

07:07 PM Jun 03, 2023 | Vipul Pandya
અહેવાલ—સાગર ઠાકર, જૂનાગઢ 
યુક્રેન યુધ્ધ બાદ જૂનાગઢમાં હીરા ઉદ્યોગ પડી ભાંગ્યો
જૂનાગઢમાં એક સમયે 250 કારખાના ધમધમતા હતા
હીરા ઉદ્યોગમાં મંદીના કારણે 40 ટકા કારખાના બંધ
કારખાના બંધ થતાં કારીગરો બેરોજગાર બન્યા
સરકાર હીરા ઉદ્યોગ તરફ ધ્યાન આપે તેવી માંગ
જૂનાગઢમાં હીરા ઉદ્યોગ પડી ભાંગ્યો છે. એક સમયે જૂનાગઢમાં હીરાના કારખાના ધમધમતા હતા ત્યારે આજે આ ઉદ્યોગ પડી ભાંગતાં હજારો લોકો બેરોજગાર બન્યા છે. રશિયા યુક્રેન યુધ્ધ બાદ મંદીમાં સપડાયેલ આ ઉદ્યોગ લેવાલી નીકળે તો જ ફરી બેઠો થઈ શકે તેમ છે અને હવે આ ઉદ્યોગ તરફ સરકાર ધ્યાન આપે તેવી માંગ ઉઠવા પામી છે.

એક સમયે 250 જેટલા હીરાના કારખાના ધમધમતા હતા
જૂનાગઢ શહેરના આંબાવાડી વિસ્તારમાં એક સમયે 250 જેટલા હીરાના કારખાના ધમધમતા હતા પરંતુ છેલ્લા એક વર્ષમાં એક પછી એક કારખાના બંધ થતાં ગયા અને જૂનાગઢમાં હીરાનો ઉદ્યોગ પડી ભાંગ્યો છે. છેલ્લા એક વર્ષમાં 40 ટકા કારખાના બંધ થઈ ગયા અને હાલમાં 150 કારખાના જ ચાલુ છે. એક સમયે જ્યાં 8 થી 10 હજાર લોકો કામ કરતાં હતા ત્યાં આજે માંડ 4 થી 5 હજાર લોકો જ રોજગારી મેળવી રહ્યા છે.

હીરાનો કાચો માલ રશિયાથી આયાત થતો
ભારતમાં હીરાનો કાચો માલ રશિયાથી આયાત થતો. જૂનાગઢ ડાયમંડ માર્કેટમાં સુરત અને મુંબઈ થી માલ આવતો. રશિયા અને યુક્રેન વચ્ચેના યુધ્ધને લઈને હીરાની બજાર પર અસર પડી. કાચો માલ આવતો નથી અને જે માલ છે તેનો જોઈએ તેવો ઉપાડ થતો નથી. જૂનાગઢ ડાયમંડ માર્કેટમાં મોટાભાગે જોબવર્ક થાય છે. ઈમીટેશન જ્વેલરી માટે વપરાતા 3 હજાર થી 45 હજાર રૂપિયા પ્રતિ કેરેટના ભાવ સુધીના હીરાનું કામ અહીંયા થાય છે. જોબવર્કમાં 25 થી 50 રૂપિયા એક હીરા દીઠ મજૂરી લાગતી હોય છે જેમાં રત્ન કલાકારોને એક હીરા દીઠ 7 થી 10 રૂપિયા મળતાં હોય છે. એક કારીગર એક દિવસમાં 400 થી 500 રૂપિયા કમાઈ શકે છે. એટલે કે એક કારીગર મહિનામાં 12 થી 15 હજાર રૂપિયા કમાઈ શકે છે. આમ હીરા ઉદ્યોગ સામાન્ય માણસને રોજગારી આપતો ઉદ્યોગ છે પરંતુ મંદીના કારણે જૂનાગઢમાં હીરા ઉદ્યોગ પડી ભાંગ્યો છે.

હજારો લોકો બેરોજગાર બન્યા
હીરા ઉદ્યોગ થકી રોજગારી મેળવતાં હજારો લોકો બેરોજગાર બન્યા છે અથવા અન્ય રોજગારી તરફ વળ્યા છે ત્યારે આ ઉદ્યોગને ફરી બેઠો કરવા સરકાર દ્વારા પણ પગલાં લેવામાં આવે તેવી રત્ન કલાકારોની માંગ ઉઠવા પામી છે, સુરત અને મુંબઈ હીરા ઉદ્યોગના મોટા બજાર છે અને આ બન્ને જગ્યાથી કોઈ લેવાલી નથી તેથી જૂનાગઢની ડાયમંડ માર્કેટ પર તેની સીધી અસર પડી છે, સુરત અને મુંબઈમાં બજારમાં તેજી આવે તો જૂનાગઢની બજારમાં પણ તેજી આવી શકે તેમ છે ત્યારે જૂનાગઢનો હીરા ઉદ્યોગ ફરી બેઠો થાય અને બજારમાં પણ ફરી હીરા જેવી ચમક આવે તેવી હીરાના વેપારી અપેક્ષા સેવી રહ્યા છે.