Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ત્રીજા વિશ્વ યુદ્ધની ધમકી બાદ રશિયા આક્રમક, NATO બોર્ડર પર જાણો શું કર્યું

12:59 AM Apr 23, 2023 | Vipul Pandya

રશિયા (Russia) અને યુક્રેન (Ukraine) વચ્ચે શાંતિ સ્થાપવાના બદલે સંઘર્ષ વધુ વધી રહ્યો છે. 24 ફેબ્રુઆરીથી શરૂ થયેલું યુદ્ધ હજુ પણ ચાલુ છે.  ક્રિમીયા બ્રિજ પર થયેલા હુમલા બાદ ફરી એકવાર સ્થિતિ વણસી છે. અહેવાલો મળી રહ્યા છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Vladimir Putin) નાટો (NATO) બોર્ડરથી માત્ર 20 માઈલ દૂર 11 પરમાણુ બોમ્બર્સ તૈનાત કર્યા છે.

સેટેલાઇટ ઇમેજમાં શું જોવા મળ્યું
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકન સેટેલાઇટ ઓપરેટર પ્લેનેટ લેબ્સ દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રશિયન TU-160 અને TU-95 સ્ટ્રેટેજિક ન્યુક્લિયર બોમ્બર્સની તૈનાતી નોર્વેજીયન બોર્ડરથી 20 માઈલથી પણ ઓછી વધી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ 11 પરમાણુ બોમ્બર્સ પરમાણુ હથિયાર લઈ જવા માટે સક્ષમ છે.
રિપોર્ટ અનુસાર, આ તસવીરો 7 ઓક્ટોબરે લેવામાં આવી હતી. સેટેલાઇટ ઇમેજમાં 7 Tu-160 બોમ્બર્સ અને 4 Tu-95 એરક્રાફ્ટ કોલ્સ્કી પેનિનસુલા પર રશિયન એરબેઝ ઓલેન્યા પર દેખાય છે. જ્યારે 2 દિવસ પછી તસ્વીરમાં એક Tu-160 બોમ્બર રનવે પર ઉડવા માટે તૈયાર જોવા મળે છે.

Tu-160 જેટ અત્યાર સુધીનું સૌથી મોટું અને ભારે યુદ્ધ વિમાન
Tu-160 જેટ અત્યાર સુધીનું સૌથી મોટું અને ભારે યુદ્ધ વિમાન છે. જે 7,500 માઈલ સુધી નોન-સ્ટોપ ઉડાન ભરવા સક્ષમ છે. આ બોમ્બર્સ 12 શોર્ટ રેન્જ ન્યુક્લિયર મિસાઈલ લઈ જઈ શકે છે. રશિયાની વાયુસેના પાસે કેટલાક સૌથી મોટા એરક્રાફ્ટ પણ છે, જે ક્રુઝ મિસાઈલ અને મોટા પરમાણુ હથિયારો લઈ જવા માટે સક્ષમ છે.
પુતિન સરહદ પર બોમ્બ ધડાકા કરી શકે છે
સંરક્ષણ સૂત્રોનું માનવું છે કે પુતિન પશ્ચિમને મોટો સંદેશ આપવા માટે સરહદ પર બોમ્બમારો કરી શકે છે. કારણ કે ક્રિમીઆ બ્રિજના વિસ્ફોટ બાદ પુતિને ઘણી વખત ચેતવણી આપી છે કે તેઓ આ આતંકી કૃત્ય માટે કિવને જડબાતોડ જવાબ આપશે. પુતિને પણ તાજેતરમાં કહ્યું હતું કે રશિયા દ્વારા કરવામાં આવેલ હુમલો ક્રિમિયા બ્રિજ પર થયેલા વિસ્ફોટ પછીની પ્રતિક્રિયા હતી.

યુક્રેનિયન શહેરો પર 100 થી વધુ હુમલા
આટલું જ નહીં ક્રિમિયા બ્રિજ પર હુમલા બાદ રશિયાએ ત્રીજા વિશ્વ યુદ્ધની ધમકી આપી છે. રશિયાએ યુક્રેનના શહેરો પર 100થી વધુ મિસાઈલોનો વરસાદ કર્યો છે. રશિયન હુમલા વચ્ચે યુક્રેન નાટોમાં સામેલ થવાનો પ્રયાસ કરી રહ્યું છે. 
રશિયાએ વિશ્વ યુદ્ધની ધમકી આપી
રશિયન સુરક્ષા પરિષદના ડેપ્યુટી સેક્રેટરી એલેક્ઝાન્ડર વેનેડિક્ટોવે કહ્યું કે યુક્રેન જાણતું હતું કે જો તે નાટોમાં જોડાશે તો તે યુદ્ધને ત્રીજા વિશ્વ યુદ્ધમાં ફેરવી દેશે. પુતિનના નજીકના કહેવાતા એલેક્ઝાન્ડર વેનેડિક્ટોવે કહ્યું કે નાટોના સભ્યો પોતે આ પ્રકારનું પગલું ભરવાના પરિણામોને સમજે છે.

યુક્રેનનો નાશ કરવાનો રશિયાનો ઉદ્દેશ્ય નથી
એજન્સીના અહેવાલ મુજબ કઝાકની રાજધાની અસ્તાનામાં તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન, તેમને પૂછવામાં આવ્યું કે શું તેમને યુદ્ધ વિશે કોઈ પસ્તાવો છે, જેના પર તેમણે કહ્યું – ના. જોકે, પુતિને એમ પણ કહ્યું કે યુક્રેનને નષ્ટ કરવું એ રશિયાનો ઉદ્દેશ્ય નથી. જો કે તેણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અત્યારે યુક્રેન પર હુમલો કરવાની કોઈ જરૂર નથી.
પુતિન ઘણી વખત પરમાણુ હથિયારોના ઉપયોગની ચેતવણી આપી ચૂક્યા છે
30 સપ્ટેમ્બરના રોજ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ નાટો સભ્ય બનવાની પ્રક્રિયાને ઝડપી બનાવવા હાકલ કરી હતી. રશિયાએ યુક્રેનના 18 ટકા પર ગેરકાયદેસર કબજો જમાવ્યો છે, આવી સ્થિતિમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે યુક્રેનને જલદીથી નાટોનું સભ્ય બનાવવું જોઈએ. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ઘણી વખત પરમાણુ હથિયારોના ઉપયોગની ચેતવણી આપી ચૂક્યા છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે આ ધમકીઓને હળવાશથી ન લેવી જોઈએ.