Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNGના ભાવમાં ભડકો

05:20 AM Apr 18, 2023 | Vipul Pandya

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારા બાદ હવે CNGના ભાવમાં પણ વધારો થયો છે. મોંઘવારીએ તાજેતરમાં એવી ઝડપ પકડી છે કે રોજ સામાન્ય નાગરિક તેનો શિકાર બની રહ્યો છે. જીહા, પેટ્રોલ-ડીઝલના લગભગ રોજ ભાવ વધી જ રહ્યા છે ત્યારે હવે CNGના ભાવમાં વધારો થતા રીક્ષા ચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
એક તરફ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ છેલ્લા કેટલાક દિવસોમાં CNGના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. ગઈકાલની સરખામણીમાં આજે દિલ્હીમાં CNGના ભાવમાં પ્રતિ કિલો રૂ. 2.5નો વધારો થયો છે. દિલ્હીમાં આજે CNG 69.11 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યો છે. વળી, નોઇડા, ગ્રેટર નોઇડા અને ગાઝિયાબાદમાં CNG 71.67 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ છે. દિલ્હીમાં ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL)એ છેલ્લા કેટલાક દિવસોમાં CNGના ભાવમાં વધારો કર્યો છે. IGLની જાહેરાત બાદ CNGની નવી કિંમતો આજે સવારે 6 વાગ્યાથી દિલ્હી-NCRમાં લાગુ કરી દેવામાં આવી છે. 
વળી બીજી તરફ અદાણી CNGના ભાવમાં પણ વૃદ્ધિ થઇ છે. તેણે ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે. એક અઠવાડિયામાં CNGમાં કુલ 8 રૂપિયા સુધીનો તોતિંગ વધારો ઝીંકાયો છે. આ પહેલા 6 એપ્રિલ 2022 બુધવારના રોજ પણ CNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. ગેસ સપ્લાય કરતી કંપનીઓએ CNGના ભાવમાં પ્રતિ કિલો રૂ. 2.50નો વધારો કર્યો છે. 1 એપ્રિલે દિલ્હીમાં CNGની કિંમતમાં 80 પૈસા પ્રતિ કિલોનો વધારો કરવામાં આવ્યો હતો. તે દિવસે PNGના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. પાઈપ દ્વારા ઘરોમાં પહોંચાડવામાં આવતા રાંધણ ગેસ (PNG)ની કિંમતમાં 5 રૂપિયા પ્રતિ ક્યુબિક મીટરનો વધારો કરવામાં આવ્યો છે. ત્યારબાદ 4 એપ્રિલે ભાવમાં સીધા અઢી રૂપિયાનો વધારો થયો હતો.
ઉલ્લેખનીય છે કે, મોંઘવારીથી પરેશાન જનતા માટે આ ડબલ ઝટકો છે. જોકે, આટલી મોંઘવારી પર તેનો વિરોધ કરતા લોકો કે પ્રદર્શન કરતા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. કમરતોડ મોંઘવારીના વિરોધ કરતા લોકો ગણતરી કરી શકાય તેટલા જ છે. આ જોતા ચર્ચા તે પણ ચાલી રહી છે કે, લોકોને મોંઘવારી તો નડી જ રહી છે પરંતુ હું કેમ વિરોધ કરું, આ પ્રકારના વિચારો પણ તેઓ કરી રહ્યા છે. આ વચ્ચે હવે ગૃહિણીઓને ઘર ચલાવવામાં ભારે તકલીફો પડી રહી છે. સતત મોંઘવારી વધતા ખિસ્સા પર કાતર ચાલી હોય તેવું પણ સામાન્ય નાગરિકને લાગી રહ્યું છે.