Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પાંચ દિવસની સતત મહેનત, મધ્યપ્રદેશથી ચોરને ઘરેણાં સાથે પકડ્યો

06:11 PM Dec 27, 2023 | Bankim Patel

પોલીસ ચોપડે નોંધાતા અનેક ગુનાઓ વણ ઉકેલાયેલા રહે છે. ગુનાનો ભેદ ઉકેલવો કે આરોપીને શોધી કાઢવો આ તમામ બાબત પોલીસની ઈચ્છા શક્તિને આધિન છે. અમદાવાદ શહેર (Ahmedabad City) ની સોલા પોલીસે (Sola Police) ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી એક ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું છે. 500થી વધુ CCTV કેમેરાના ફૂટેજ અને 20 પોલીસ કર્મચારીઓની ટીમે દિવસ-રાતની મહેનત કરી મધ્યપ્રદેશ (Madhy Pradesh) ખાતેથી એક રિઢા ઘરફોડ ચોરને પકડી પાડ્યો છે.કોના ત્યાં થઈ હતી ઘરફોડ ચોરી : અમદાવાદની જી કે ચોકસી એન્ડ કંપની (G K Choksi & Company) માં વકીલ તરીકે નોકરી કરતા ગુલાબજી ઠાકોર (રહે. 44-45 સન ડિવાઈન-3 બંગલો, ચાણક્યપુરી) ના બંધ મકાનમાં ચોરી થઈ હતી. ગત મંગળવાર અને બુધવારની રાતે બંગલાનું તાળું તોડી બુકાનીધારી તસ્કર મકાનમાં પ્રવેશ્યો હતો અને તિજોરી તોડી લાખેક રૂપિયાના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયો. આ મામલાની જાણ થતાં સોલા પોલીસ સ્ટેશન () ખાતે અજાણ્યા શખ્સ સામે ઘરફોડ ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો હતો.પોલીસ હરકતમાં આવી ગઈ : સોલા પોલીસ સ્ટેશન (Sola Police Station) માં ઘરફોડ ચોરી નોંધાતાની સાથે જ પીઆઈ આર. એચ. સોલંકી (PI R H Solanki) તેમજ પીએસઆઈ કે. ડી. રવિયા (PSI K D Raviya) સહિતનો સ્ટાફ ચોરને શોધવા કામે લાગી ગયો. PSI કે. ડી. રવિયા અને પોલીસના 20 જેટલાં જવાનોએ ઘટનાસ્થળ તેમજ આસપાસના વિસ્તારના રોડ પર લાગેલા 500 જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજ એકઠાં કર્યા અને તેની તપાસ આરંભી. વિશ્વકર્મા બ્રિજ (Vishwakarma Bridge) પાસે ચા પીવા ઉભો રહેલો એક શખ્સ CCTV ફૂટેજમાં જોવા મળ્યો અને સાથે ગોલ્ડન કલરનું ટુ વ્હીલર પણ નજરે ચઢ્યું. કલાકોની મહેનત બાદ જગતપુર (Jagatpur) વિસ્તારમાંથી ગોલ્ડન એક્ટિવા અને તેનો માલિક મળી આવ્યો.ઘરફોડ ચોરની કડી મળી : ગોલ્ડન કલરના એક્ટિવાનો માલિક મળતા તેની પૂછપરછમાં મધ્યપ્રદેશ ગ્વાલિયર (Gwalior Madhya Pradesh) ના અશોક શર્માનું નામ અને મોબાઈલ ફોન નંબર મળી આવ્યો. પકોડી વેચતા એક્ટિવા માલિકને પોલીસે સતત સાથે રાખી અશોક શર્મા સાથે વીડિયો કોલ (Video Call) થી વાત કરાવી જરૂરી માહિતી એકઠી કરી લીધી હતી. બીજી તરફ પીએસઆઈ રવિયાની ટીમ ASI અજયભાઈ કનુજી, કોન્સ્ટેબલ રાહુલભાઈ રમેશભાઈ, જિગ્નેશભાઈ નિલેશભાઈ અને શૈલેષભાઈ ઈશ્વરભાઈ મધ્યપ્રદેશના ગ્વાલિયર પહોંચી ગયા.પોલીસે ફુગ્ગા અને શાકભાજી વેચ્યા : ઘરફોડ ચોરી કરનારો અશોક શર્મા અગાઉ પણ અમદાવાદમાં ચોરીઓ કરી ચૂક્યો હતો. આ શાતિર અપરાધીને પોલીસની જરા સરખી પણ ગંધ આવી જાય તો ખેલ બગડી જાય તેમ હતો અને એટલે જ પીએસઆઈ રવિયાએ પોલીસને ફેરિયા બનાવી દીધા. અશોક શર્માના ઘરની ઓળખ થઈ જતાં તેને પકડવા પોલીસ કર્મચારીઓ ફુગ્ગાવાળા તેમજ શાકભાજીની લારી ઉભી રાખી વોચમાં ઉભા થઈ ગયા. વેશપલ્ટો કરેલી પોલીસને આઠેક કલાક બાદ એક યુવક મળી આવ્યો અને તેના શુઝના આધારે પોલીસ કર્મચારીએ તેને પકડી લીધો. પોલીસે પકડતાની સાથે જ આરોપી અશોક શર્મા બોલ્યો “ગુજરાત પોલીસ” (Gujarat Police) પોલીસની ઝપટમાં આવતાની સાથે જ તેણે ચોરીની કબૂલાત કરી લીધી અને તમામ સોનાના દાગીના પણ પોલીસને સોંપી આપ્યા.

 

આ  પણ  વાંચો –અમદાવાદમાં ગુંડા તત્વો જમીનનો કબજો લેવા પહોંચ્યા, શું થયું જાણો