Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

મોંઘવારીનો ડબલ ડોઝ, પેટ્રોલ-ડીઝલ બાદ CNGના ભાવમાં પણ ભડકો

08:26 PM May 04, 2023 | Vipul Pandya

દેશમાં વધી રહેલી મોંઘવારી વચ્ચે આજે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. આ સાથે CNGના ભાવમાં પણ વધારો નોંધવામાં આવ્યો છે. દેશમાં છેલ્લા 16 દિવસમાં આ 14મી વખત છે જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. દેશમાં 22 માર્ચથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી, જે આજે પણ ચાલુ રહી અને ફરી એકવાર આવશ્યક ઈંધણના ભાવમાં વધારો થયો છે. વળી ગુજરાત ગેસે પણ CNGના ભાવમાં વધારો કર્યો છે. 
દેશમાં પેટ્રોલ અને ડીઝલની સાથે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG)ના ભાવમાં પણ વધારો થયો છે. દિલ્હીમાં CNGની કિંમતમાં આજથી 2.5 રૂપિયાનો વધારો થયો છે, ત્યારબાદ તે 66.61 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે, જ્યારે દિલ્હીને અડીને આવેલા ઉત્તર પ્રદેશના નોઈડામાં 48 કલાકમાં CNGની કિંમતમાં 5 રૂપિયાનો વધારો થયો છે. જે બાદ હવે દિલ્હી-NCRમાં CNG નવા દરે વેચાઈ રહી છે. અહીં CNGના ભાવમાં પહેલાથી જ બે વખત એટલે કે 4 એપ્રિલના રોજ વધારો કરવામાં આવ્યો હતો. પેટ્રોલ અને ડીઝલ બાદ ગુજરાતમાં હવે CNGનાં ભાવમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. આજે ગુજરાત ગેસે 6.45 રૂપિયાનો વધારો કર્યો છે. જે બાદ હવે CNGનો ભાવ 70.53થી વધીને 76.98 રૂપિયા થઇ ગયો છે.  
ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા બાદ લોકો ધીમે ધીમે CNG તરફ વળ્યા છે પરંતુ હવે તેમા પણ સતત ભાવ વધારો લોકોની આંખમાં પાણી લાવી રહ્યો છે. ખાસ કરીને CNGનો સૌથી વધુ ઉપયોગ રીક્ષા ચાલકો કરતા હોય છે ત્યારે આ ભાવ વધારાના કારણે તેમની સ્થિતિ પણ સતત ખરાબ થઇ રહી છે. એક તરફ ભાડામાં વધારો નહીં અને બીજી તરફ સતત CNGના ભાવમાં વૃદ્ધિ તેમના ખિસ્સાને સતત હળવું કરી રહ્યો છે.