Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રાજકોટ જિલ્લામાં શીતલહેરની આગાહી સામે વહીવટી તંત્ર આગોતરી તૈયારી સાથે એક્શનમાં

11:04 PM Apr 14, 2023 | Vipul Pandya

સમગ્ર રાજ્યમાં આગામી ચાર-પાંચ દિવસ શીતલહેરની આગાહી છે ત્યારે જિલ્લા કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુના નેતૃત્વમાં વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે એક્શનમાં આવી ગયું છે. નિવાસી અધિક કલેક્ટરશ્રી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને આજે શીતલહેર સામે તકેદારીના પગલાં લેવા તાકીદની બેઠક યોજાઈ હતી. જેમાં શીતલહેર સામે ઝીરો કેઝ્યુઆલિટીની નીતિ સાથે બહુઆયામી એક્શન પ્લાન બનાવીને કાર્ય કરવા સૂચના આપવામાં આવી હતી.
કામગીરીની સમિક્ષા
જિલ્લાના તમામ નાયબ કલેક્ટરો, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ, આરોગ્ય અધિકારીઓ, પાલિકા તેમજ મહાનગર પાલિકાના અધિકારીઓ દ્વારા અત્યાર સુધીમાં લેવાયેલા પગલાંની સમીક્ષા કરી હતી, તેમજ આગામી દિવસોમાં શીતલહેરના પ્રકોપ સામે નાગરિકોને જાગૃત કરીને, તેમની સલામતી માટે સ્થાનિક તંત્ર કેવાં કેવાં પગલાં લેશે તેની પૃચ્છા કરી હતી.
કોલ્ડવેવને લઈને આયોજન
રાજકોટ જિલ્લાના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં રાત્રિડ્રાઈવ કરીને ખુલ્લામાં સૂતા લોકોને રેનબસેરામાં ખસેડવા અને કોઈપણ નાગરિક ખુલ્લામાં ના સૂવે તે જોવા ખાસ સૂચના આપી હતી. જો ગ્રામીણ કે નગર-પાલિકા વિસ્તારોમાં રેનબસેરા ના હોય તો, સ્કૂલ કે સમાજની વાડીઓમાં કામચલાઉ આશ્રય-સ્થાન ઊભા કરવા કહ્યું હતું. વાડી વિસ્તારોમાં ખેતમજૂરો ખુલ્લામાં ના સૂવે અને તેમના માટે નજીકમાં રાત્રિરોકાણની વ્યવસ્થા કરવા સૂચન કર્યું હતું. આ સાથે મેડિકલ ટીમ દ્વારા રેનબસેરામાં રહેતા લોકોના આરોગ્યની સવાર-સાંજ નિયમિત તપાસ કરવા કહ્યું હતું.
તંત્ર સજ્જ
નિવાસી અધિક કલેક્ટરશ્રીએ જિલ્લામાં આરોગ્ય વિભાગની કામગીરીની તૈયારીઓની સમીક્ષા કરી હતી. જેમાં દવાખાનાઓ, સામુદાયિક આરોગ્ય કેન્દ્રોમાં સ્ટાફ તહેનાત રાખવા, પૂરતી દવાઓનો જથ્થો રાખવા, 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ તૈયાર રાખવા જણાવ્યું હતું. ઠંડીમાં બાળકો અને વૃદ્ધોને સૌથી વધુ અસર થતી હોય છે ત્યારે તેઓ બહાર ના નીકળે તે માટે લોકોને જાગૃત કરવા તેમજ શીતલહેર સામે સાવધ કરવા સ્થાનિક સ્તરે તલાટી, સરપંચો, ગ્રામ પંચાયતના સભ્યો, હેલ્થવર્કરો, આશાવર્કરો, આંગણવાડી બહેનો દ્વારા ડોર ટુ ડોર સંપર્ક કરવા કહ્યું હતું.

શાળાનો સમય બદલાશે
શીતલહેરની સ્થિતિ સામાન્ય ના થાય ત્યાં સુધી શાળાઓનો સમય બદલવા અંગે પણ તેમણે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીને જણાવ્યું હતું. પશુઓને પણ ઠંડીમાં તકલીફ ના પડે તે માટે પશુપાલકોને જાગૃત કરીને યોગ્ય વ્યવસ્થા કરવા તેમણે પશુપાલન વિભાગના અધિકારીને જણાવ્યું હતું.
એક્શન પ્લાનનો અમલ
તેમણે તમામ નાયબ કલેક્ટરોને તેમના વિસ્તારના વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓની ટીમ સાથે તત્કાલ બેઠક યોજીને શીતલહેર સામેનો એક્શન પ્લાન (Action Plan) અસરકારક રીતે અમલ કરવા સૂચના આપી હતી. ખાસ કરીને મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ, તાલુકા આરોગ્ય અધિકારીઓને સતત ફીલ્ડ વર્ક તેમજ ટીમ સાથે સંકલનમાં રહીને સાબદા રહેવા જણાવ્યું હતું.
રેનબસેરામાં 1100થી વધુ લોકોના રોકાણની વ્યવસ્થા
રાજકોટ (Rajkot) શહેરમાં 6 રેનબસેરા છે, જેમાં 1100થી વધુ લોકોના રોકાણની વ્યવસ્થા છે. જ્યારે જિલ્લાના નગરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં જરૂર છે, ત્યાં કામચલાઉ રેનબસેરા શરૂ કરી દેવામાં આવ્યા છે. જિલ્લામાં જરૂરી દવાઓનો પૂરતો સ્ટોક છે. ઉપરાંત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ખાનગી તેમજ સેવાભાવી સંસ્થાઓ સાથે સંકલનમાં રહીને ગરીબોને-જરૂરિયાતમંદોને ધાબળા વિતરણ સહિતની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે, તેમ વિવિધ વિસ્તારના અધિકારીઓ દ્વારા જણાવાયું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.