+

Adani : અદાણી જૂથ ગ્રાન્ડમાસ્ટર પ્રજ્ઞાનંધાનને પ્રોત્સાહક પીઠબળ આપશે

વિવિધ રમતગમતોમાં ઉભરતી ભારતીય પ્રતિભાવંત ખેલાડીઓને સર્વાંગી મદદરુપ થવાના અદાણી જૂથ (Adani Group)ના સંકલ્પબધ્ધ અભિગમને અનુરુપ ભારતના સૌથી તેજસ્વી ચેસ પ્રતિભાઓ પૈકીના આગલી હરોળના ગણમાન્ય ખેલાડી એવા ૧૮ વર્ષીય ગ્રાન્ડમાસ્ટર…

વિવિધ રમતગમતોમાં ઉભરતી ભારતીય પ્રતિભાવંત ખેલાડીઓને સર્વાંગી મદદરુપ થવાના અદાણી જૂથ (Adani Group)ના સંકલ્પબધ્ધ અભિગમને અનુરુપ ભારતના સૌથી તેજસ્વી ચેસ પ્રતિભાઓ પૈકીના આગલી હરોળના ગણમાન્ય ખેલાડી એવા ૧૮ વર્ષીય ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનંધાનની કારકિર્દીને આગળ ધપાવવા માટે જરુરી પ્રોત્સાહક પીઠબળ પુરુ પાડશે. રમતગમતમાં ભારતને શિરમોર સ્થાને લઇ જવા માટે તનતોડ મહેનત કરી રહેલા આ ખેલાડીઓ તેમની કારકિર્દીને ઘડવા માટે પૂરેપૂરો અથાક પ્રયાસ કરે છે. તેઓના આ પ્રયાસોને સહયોગ કરવા અદાણી જૂથ (Adani Group) અગ્રેસર રહેતું આવ્યું છે.

અદાણી જૂથ આ રમતવીરોના પ્રગતિના પ્રવાસમાં સમર્થન આપવા માટે પૂર્ણપણે સમર્પિત

ચેસના આ યુવા ખેલાડી સાથેની મુલાકાત બાદ અદાણી ગ્રૂપ (Adani Group)ના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે ચેસની એક તેજસ્વી પ્રતિભા તરીકે ઉભરી રહેલ પ્રજ્ઞાનંધાને સર્વાંગી સમર્થન આપતા અમે અત્યંત ગૌરવ અનુભવીએ છીએ. દેશની આ કિશોરે ચેસની રમતમાં જે ઝડપ અને કાર્યક્ષમતા સાથે પ્રગતિના સોપાનો હાંસલ કરી રહી છે તે નોંધપાત્ર સિધ્ધિથી કમ નથી અને તે વાસ્તવમાં તમામ રમતપ્રેમી ભારતીયો માટે એક દ્રષ્ટાંતરુપ છે. ખેલાડીઓ માટે રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરવા અને ટોચ કક્ષાએ નામ અંકીત કરવાથી વિશેષ ઉમદા સન્માન અન્ય કંઈ નથી.અદાણી જૂથ આ રમતવીરોના પ્રગતિના પ્રવાસમાં સમર્થન આપવા માટે પૂર્ણપણે સમર્પિત છે એમ ઉમેરી તેમણે પ્રજ્ઞાનન્ધાને તેજસ્વી કારકિર્દીની શુભકામના આપી હતી.

અદાણી સમૂહનો આભાર વ્યક્ત કર્યો

પોતાના પ્રતિભાવ આપતા પ્રજ્ઞાનંધાએ કહ્યું હતું કે મારો દેશ રમતગમતના વૈશ્વિક મેદાન ઉપર શ્રેષ્ઠ દેખાવ કરે એ સુનિશ્ચિત કરવા માટે હું અતિ ઉત્સુક છું. જ્યારે પણ હું રમું છું ત્યારે મારો એકમાત્ર ઉદ્દેશ્ય દેશ માટે વધુ નામના હાંસલ કરવાનો હોય છે. એમ જણાવી તેમણે પોતાની ક્ષમતાઓ પર વિશ્વાસ મૂકવા બદલ અદાણી સમૂહનો આભાર વ્યક્ત કર્યો હતો.

આર. પ્રજ્ઞાનંધાન ઉભરતી પ્રતિભા

૨૦૨૨માં વિશ્વનાથન આનંદ પછી આ સિદ્ધિ મેળવનાર તે ૨૦૨૩માં વિશ્વ કપની ફાઇનલમાં પહોંચનાર વિશ્વનો સૌથી યુવા અને માત્ર બીજો ભારતીય ચેસ ખેલાડી બન્યો. શરમાળ અને મૃદુ-ભાષી આ કિશોરે મેગ્નસ કાર્લસનને ઘણી વખત હરાવીને ચેસની દુનિયામાં કાઠું કાઢીને ભારતની પ્રગતિ પર લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. ગણિતને પ્રેમ કરતા ચેન્નાઈ સ્થિતઆર. પ્રજ્ઞાનંધાન અવકાશના સમયે ટીવી જોવાનું કે તમિલ સંગીત સાંભળવાનું પસંદ કરે છે. ૨૦૨૩માં તેણે હાંગઝોઉ એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ પણ જીત્યો હતો.

૧૨ વર્ષની ઉંમરે ભારતના સૌથી નાનો ગ્રાન્ડમાસ્ટર બન્યો

પાંચ વર્ષની કુમળી વયે રમવાનું શરૂ કરનાર આર. પ્રજ્ઞાનંધાન ૨૦૧૮માં ૧૨ વર્ષની ઉંમરે ભારતના સૌથી નાના અને તે સમયે વિશ્વના બીજા સૌથી નાના ગ્રાન્ડમાસ્ટર બન્યા હતા. અભિમન્યુ મિશ્રા, સર્ગેઈ, કરજાકિન, ગુકેશ ડી અને જાવોખિર સિન્દારોવ પછી ગ્રાન્ડમાસ્ટરનું બિરુદ મેળવનાર તે પાંચમો અને સૌથી નાનો ખેલાડી છે.જોગાનુજોગ તેમની મોટી બહેન આર. વૈશાલી પણ ગ્રાન્ડમાસ્ટર છે, જે આ ભાઈ-બહેનને વિશ્વની પ્રથમ ગ્રાન્ડ માસ્ટર ભાઈ-બહેનની જોડી બનાવે છે.

અદાણી જૂથે 28 રમતના તેજસ્વી ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું

અદાણી સમૂહે તેની ફ્લેગશિપ ’ગૌરવ હે પહેલ’ મારફત બોક્ષિંગ, રેસ્ટલિંગ, ટેનિસ, જેવલિન થ્રો, શુટીંગ, રનિંગ, શોટપુલ, બ્રિસ્ક વોકીંગ અને આર્ચરી જેવી રમતોના ૨૮ તેજસ્વી ખેલાડીઓને પ્રોત્સાહક સમર્થન આપ્યું હતું. આ લાભાન્વિત ખેલાડીઓમાં કોમનવેલ્થ ગેમ્સના સુવર્ણ ચંદ્રક વિજેતા કુસ્તીબાજો રવિ કુમાર દહિયા, દીપક પુનિયા અને બોક્સર અમિત પંઘાલનો સમાવેશ થાય છે. દહિયા અને પુનિયાએ ૨૦૨૦ની ટોક્યો ઓલિમ્પિક અને ૨૦૨૩ના એશિયન રમતોત્સવમાં પણ સિલ્વર મેડલ મેળવ્યા હતા.

આ પણ વાંચો—ફરી જોવા મળ્યો GAUTAM ADANI નો ‘પાવર’, મુકેશ અંબાણીને પાછળ મૂકી ભારતના સૌથી અમીર શખ્સ બન્યા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

 

Whatsapp share
facebook twitter