Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ડભોઈમાં હત્યા અને લૂંટના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા 

09:21 PM Apr 14, 2023 | Vipul Pandya
અહેવાલ–પિન્ટુ પટેલ, ડભોઇ
ડભોઈમાં નાદોદી ભાગોળ પાસે આવેલ કોયલી વાવ વિસ્તારમાં વર્ષ ૨૦૨૦માં રૂપિયા બે લાખની લૂંટ કરવાની સાથે મહિલાની હત્યા કરાયાની ચકચારી ઘટના બની હતી. આ ઘટનામાં મૃત્યુ પામનાર રાઝીયા હનીફભાઈ મનસુરીના પરિવારને ન્યાય મળ્યો હતો. આ ઘટનામાં સામેલ આરોપીનો કેસ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં આરોપીને આજીવન કેદની સજા ફટકારતો હુકમ ડભોઈના બીજા એડીશનલ સેસન્સ કોર્ટના વિદ્ધાન ન્યાયમૂર્તિ એચ.જી.વાઘેલા દ્વારા કરવામાં આવ્યો હતો.
મહિલાની હત્યા 
 ડભોઇ ખાતે મજૂરી કામ અર્થે આવેલા માલુભાઈ વેલસિંગભાઈ કનાસિયા  મૃતક મહિલાના ઘરમાં એક ઘરના સભ્ય તરીકે રહી મજૂરી કામ કરતો અને મૃતક મહિલાના ઘરના  ઓટલે જ સૂઈ રહીને જીવન ગુજારતો હતો.  આ યુવાને આ મહિલાનાં ઘરમાં રહેલાં રૂપિયા બે લાખ લૂંટી લીધા હતા અને મહિલાને નિર્દયતાપૂર્વક મારી નાખી હતી. ત્યારબાદ યુવાન ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયો હતો.

પોલીસે હત્યારાને ઝડપી પાડ્યો
 આ ચકચારી બનાવ અંગેની ફરિયાદ ડભોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. ફરિયાદના આધારે ડભોઈ પોલીસ સ્ટેશનનાં તત્કાલીન પી.આઈ. જે.એમ. વાઘેલાના માર્ગદર્શન હેઠળ ડભોઈ પોલીસનાં જવાનોએ વિસ્તૃત તપાસ હાથ ધરી હતી.જેમા ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન રીસોર્સ, એફ.એસ.એલ. રીપોર્ટ, ડોગ સ્વોડ, પી.એમ.રીપોર્ટના આધારે પોલીસે ટૂંકા ગાળામાં જ ગૂનો ડીટેક્ટ કરી આરોપીને ઝડપી લીધો હતો અને આરોપી પાસેથી રૂપિયા ૮૨, ૭૯૦ કબજે લીધાં હતાં.
આજીવન કેદની સજા
  આ સમગ્ર ઘટના અંગેના કેસમાં સામેલ આરોપીને સમાજમાં દાખલારૂપ સજા થાય તે માટે સરકારી વકીલ હિરેન ચૌહાણે કોર્ટમાં ધારદાર દલીલો કરી હતી. આ કેસમાં કોર્ટે ૧૫ સાહેદોને અને ૩૯ જેટલાં સંબંધિત પુરાવાઓ ચકાસ્યા હતાં અને આ પુરાવાઓને ધ્યાનમાં રાખી અદાલતે આરોપીને આજીવન કેદની સજા અને રૂપિયા ૫,૦૦૦ નો દંડ પણ ફટકાર્યો હતો. તેમજ દંડની રકમ ન ભરે તો વધુ છ વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી ડભોઈ સેશન્સ કોર્ટે ગુનામાં સંડોવાયેલા આ આરોપીને આજીવન કેદની સજા કડક સજા ફટકારી હતી.