Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

હાર્દિક પંડ્યા સાથે છેતરપિંડી મામલે આરોપી ભાઇ વૈભવે કર્યો ચોંકાવનારો ખુલાસો

06:52 PM Apr 12, 2024 | KRUTARTH JOSHI

નવી દિલ્હી : હાર્દિક અને કૃણાલ પંડ્યાના પિતરાઇ ભાઇની આર્થિક ગોટાળો કરવા મામલે ધરપકડ થઇ ચુકી છે. સંયુક્ત ભાગીદારીના ધંધામાં હાર્દિક અને કૃણાલ સાથે તેના જ પિતરાઇએ 4 કરોડ રૂપિયાનો ગોટાળો કર્યો હોવાની ફરિયાદ મુંબઇ આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધાઇ હતી. પિતરાઇ વૈભવ પંડ્યાની આ મામલે ધરપકડ પણ થઇ ચુકી છે. આજે તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. જો કે આ મામલે વૈભવે પહેલી વાર બોલતા કોર્ટને જણાવ્યું કે, આ આર્થિક ગોટાળો નહી પરંતુ પારિવારિક ગેરસમજણ છે. જેનો ઉકેલ લાવવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ.

વૈભવના વકીલે સમગ્ર મામલાને પારિવારિક મામલો ગણાવ્યો

વૈભવના વકીલે કોર્ટમાં દલિલ કરી કે, 4 કરોડના ગોટાળાનો આરોપ ખોટો છે. આ કોઇ ગોટાળો નહી પરંતુ પારિવારિક ગેરસમજણની છે. આ ગેરસમજણ ઉકેલવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે, ઇકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા 16 તારીખ સુધીના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી જે કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. જેથી શુક્રવાર સુધી તેને EOW ની કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો.

કોર્ટની બહાર જ સમગ્ર મામલે ઉકેલ આવે તેવો પ્રયાસ

કોર્ટમાં સુનાવણી દરમિયાન વૈભવના વકીલ નિરંજનમુંડાગરીએ કોર્ટને જણાવ્યું કે,”આ એક પારિવારિક મેટર છે, કેટલીક ગેરસમજણોના કારણે આ કેસ દાખલ થયો છે. હાલ અમારા દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે, સમગ્ર મામલો કોર્ટની બહાર જ ઉકેલાઇ જાય. હાલ બંન્ને પરિવારો સંપર્કમાં છે.”

પોલીસે વધારે રિમાન્ડની માંગણી કરી

નિરંજન મુંડારગીએ કોર્ટને જણાવ્યું કે, અસીલ પોલીસને સંપુર્ણ સહયોગ કરી રહ્યા છે. તેઓની રિમાન્ડમાં વધારો થાય તેમાં તેમને કોઇ પણ પ્રકારનો વાંધો વિરોધ નથી. પોલીસે માંગ કરી હતી કે, ધરપકડને 7 દિવસ થઇ ચુક્યા છે તેમ છતા પણ હજી સુધી કેટલાક ડોક્યુમેન્ટ મળી શક્યા નથી. માટે વધારે રિમાન્ડની માંગ કરવામાં આવી હતી.

શું હતો સમગ્ર મામલો?

અત્રે ઉલ્લેખનીય છે કે, વૈભવ, હાર્દિક અને કુણાલ પંડ્યાએ પોલિમરનો બિઝનેસ મુંબઇમાં શરૂ કર્યો હતો. જેમાં હાર્દિક અને કૃણાલનું 40-40 ટકા રોકાણ હતું જ્યારે વૈભવનું 20 ટકા રોકાણ હતું. તે જ પ્રકારે પ્રોફીટ અને લોસ પણ 2:2:1 ના રેશિયો પ્રમાણે ગોઠવાયો હતો. વૈભવે નિયમિત કામગીરી સંભાળવાની હતી.જો કે વૈભવે પોલિમરની પોતાની અલગ જ કંપની સ્થાપીને તેમાં કામ શરૂ કરી દીધું હતું અને આર્થિક ગોટાળા પણ શરૂ કરી દીધા હતા. જેના કારણે હાર્દિક અને કૃણાલની કંપનીને 3 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. જ્યારે વૈભવની કંપનીને 20-33 ટકાનો ફાયદો થયો હતો. જેના પગલે ફરિયાદ દાખલ થઇ હતી.