Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

વિકાસને નામે વન વઢાઇ રહ્યા છે, ફળિયામાંથી વૃક્ષો ગાયબ થઇ રહ્યા છે!

08:59 PM Apr 22, 2023 | Vipul Pandya

વિકાસને નામે વન વઢાઇ રહ્યા છે, જંગલો ઝુંટવાઇ રહ્યા છેને આંગણાંમાંથીને ફળિયામાંથી વૃક્ષો ગાયબ થઇ રહ્યા છે. પ્રકૃતિનો સંતુલનનો કાયદો પૂર્ણપણે ખોરવાવા તરફ જઇ રહ્યો છે. આપણને એટલે કે માણસને એની આડ અસરો દેખાવા માંડી છે પણ, પશુપંખીઓ માટે આ સ્થિતી ઘાતક બનવા માંડી છે. 
આઝાદીના ત્રીસ ચાલીસ વર્ષ પછી આ કરૂણ સત્ય સમજાયું તો ખરું એટલે વૃક્ષો અને જંગલોના સંરક્ષણ માટે સરકાર અને સમાજ જાગૃત બન્યા. પશુઓ અને પંખીઓના જીવનરક્ષણ માટે કેટલાક ખાસ વિસ્તારોના બચેલા અરણ્યોને “અભયારણ્ય” ઘોષિત કરાયા એમ કરીને નષ્ટ થતી જતી પશુ પંખીઓની પ્રજાતિઓને બચાવી લેવાનાં પ્રયત્નો થઇ રહ્યા છે. 
ઘણી વખત સમાચારો આવે છે કે અભયારણ્યો માંથી પશુ પંખીઓની તસ્કરી કરનારી ટોળી પકડાઇ. આ અને આવા સમાચારો ઘણા ચિંતાજનક છે અરણ્યો પશુ પંખીઓ માટે અભય હોવા જોઇએ તે આવી ભયાનક તસ્કરીને શિકારીઓ માટે તેમની પ્રવૃત્તિઓને ફુલવા ફાલવા માટેનું મેદાન બને તો “અભયારણ્ય” એક રૂપાળો શબ્દ બનીને રહી જશે. 
વળી આવા અભયારણ્યો સહેલાણીઓ માટે, પ્રવાસીઓે માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. સહેલાણીઓ અને તેમની સાથે જતાં વાહનના ઘોંઘાટનો મર્યાદાભંગ અભયારણ્યને અભયારણ્ય રહેવા દેતું નથી. પશુ પક્ષીઓની પ્રાકૃતિક જીવનશૈલી ખોરવાતા તેઓ અસ્વસ્થ બને છે કે અકાળ મૃત્યુને પણ વરે છે. 
હમણાં હમણાંના સમાચારોમાં વસ્તીમાં આવી ગયેલા વાઘ સિંહ દિપડાઓના સમાચારો માણસ માટે જેટલા ચિંતાજનક છે એટલો જ એ પ્રાણીઓ માટે પણ ચિંતાજનક કહી શકાય. એટલે જ પ્રશ્ન થાય છે કે આપણા અભયારણ્યો અભય રહ્યાં છે ખરા?