Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gujarat: CM ભુપેન્દ્રભાઈ પટેલના સુશાસનથી સફળતાની સિદ્ધિનું એક વર્ષ

12:34 PM Dec 12, 2023 | Hiren Dave

ગુજરાત રાજ્યની કમાન હાથમાં લેનારા દાદાની સરકારનું એક વર્ષ પૂર્ણ થયુ છે. આજથી બરાબર એક વર્ષ પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના વિકાસના વાયદા કર્યા હતા… ત્યારે એક વર્ષ બાદ ગુજરાતને શું સિદ્ધિઓ મળી અને દાદાએ ક્યાં વાયદા પૂરા કર્યા, આવો જોઈએ…

 

1. લોકોના આરોગ્યને પ્રાધાન્ય
બીજી વખત મુખ્યમંત્રી બન્યા પછી ભૂપેન્દ્રભાઈ પટેલે પહેલું કામ કર્યું પ્રધાનમંત્રી જન-આરોગ્ય યોજનામાં વીમા કવચની રકમને 5 લાખથી વધારીને 10 લાખ કરવાનું. તેમના આ એક નિર્ણયથી લાખો પરિવારોને સારામાં સારી સારવાર મળી છે અને એ પણ વિનામૂલ્યે. તો ‘વન નેશન – વન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયેલા 272 ડાયાલિસિસ કેન્દ્રોમાં ગત 6 મહિનામાં 1.5 લાખથી વધુ ડાયાલિસીસ થયાં છે.

2. યુવાનોને મળી સરકારી નોકરી
રાજ્યના યુવાઓને સરકારી નોકરી મળી રહે તે માટે 1 વર્ષમાં નવી 8000 જગ્યાઓ ભરવામાં આવી. આ ઉપરાંત રાજ્યમાં 433 જેટલા ભરતી મેળાઓનું આયોજન કરીને 1 લાખથી વધુ યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગારી પૂરી પાડી. આગામી 2 વર્ષમાં સીધી ભરતીથી પંચાયત વિભાગ દ્વારા કુલ 10 હજાર કર્મયોગીઓની ભરતી કરવાની દિશામાં પણ આગળ વધી રહી છે દાદાની સરકાર.

3. G-20 બેઠકોનું સફળ આયોજન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતને મળેલી G-20 સમિટની અધ્યક્ષતા અને તેના ભાગરૂપે ગુજરાતમાં યોજાયેલી G-20 સમિટની બેઠકોથી ગુજરાતે આંતરરાષ્ટ્રીય ફલક પર વિકાસ મોડલને પ્રસ્થાપિત કર્યું છે. ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આયોજિત G-20 સમિટની બેઠકોથી ગુજરાતના પ્રવાસનને પણ એક નવી ઊંચાઈ પ્રાપ્ત થઈ છે.

4. મહિલા સશક્તિકરણનો નવો અધ્યાય
ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં પહેલીવાર ગુજરાતનું બજેટ 3 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચ્યું અને નારી શક્તિને પ્રાધાન્ય આપવા મહિલા માટે બજેટમાં 1,04,986.70 કરોડ રૂપિયાની ફાળવણી કરી. મહિલા સુરક્ષા સુનિશ્ચિત કરવા નવી 686 મહિલા સુરક્ષા ટુકડી “SHE- ટીમ” કાર્યરત કરવામાં આવી. સાથે જ 660 પોલીસ સ્ટેશનોમાં વુમન હેલ્પ ડેસ્કની શરૂઆત થઈ.

5. લોકોની સુરક્ષા વધી
ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઓળખ મૃદુભાષી મુખ્યમંત્રી તરીકેની છે. પરંતુ તેમના મક્કમ મિજાજથી ડ્રગ્સ માફિયાઓ, ખનન માફિયાઓ અને અસામાજિક તત્વો બરાબર પરિચિત છે. ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ગુજરાતમાં ઘુસતા ડ્રગ્સના દૂષણને ડામવા માટે જે કામગીરી કરી છે તે ઐતિહાસિક છે. એટલું જ નહીં, નકલ માફિયાઓને ડામવા માટે સરકારી ભરતીઓમાં થતી ગેરરીતિ અટકાવવા એવો કડક કાયદો બનાવ્યો છે કે કોઈ પણ પરીક્ષામાં ખોટું કરવાની ભૂલથી પણ કોઈ ભૂલ નહીં કરે. સાથે જ, વ્યાજ માફિયાઓને જડમૂળથી ખતમ કરવા માટે દરેક જિલ્લામાં લોકદરબાર યોજીને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ગરીબોને રક્ષણ પૂરું પાડ્યું છે અને ઘરે બેઠાં વિવિધ યોજનાઓનો લાભ આપ્યો છે.

6. વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ સમિટની પહેલ
ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં પહેલીવાર દરેક જિલ્લામાં વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું અને આ સમિટથી તાલુકા તેમજ જિલ્લા સ્તરે કામ કરતા નાના ઉદ્યોગોને ખૂબ મોટું પ્લેટફોર્મ મળ્યું છે. 45 હજાર કરોડ રૂપિયાથી વધુના MoU થયા અને 2.25 લાખ રોજગારીની નવી તકોનાં દ્વાર ખુલ્યાં છે. આ ઉપરાંત રાજ્ય સરકારની સૌથી મોટી સિદ્ધિ છે સમગ્ર દેશમાં પહેલીવાર ગુજરાતમાં ઉત્પાદન થવા જઈ રહ્યું છે ચીપનું. ગુજરાત સરકાર અને અમેરિકન ચીપ મેકર કંપની માઇક્રોન ટેક્નોલોજી વચ્ચે ઐતિહાસિક MoU-સમજૂતી કરાર થયા છે. સાણંદ આ કંપની પોતાનો પ્લાન્ટ સ્થાપી રહી છે. એટલે કે સેમી કન્ડક્ટર ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં એક માત્ર રાજ્ય તરીકે ઊભરી આવ્યું છે.

7. શિક્ષણ ક્ષેત્રે આગળ વધ્યું ગુજરાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે નવી શિક્ષણ નીતિને આ વર્ષથી જ લાગુ કરી દીધી છે. યુનિવર્સિટીઓ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં નવી શિક્ષણ નીતિ પ્રમાણે જ શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે. એટલું જ નહીં, રાજ્ય સરકારના ભગીરથ પ્રયાસોથી આંગણવાડી અને ધોરણ.1માં નાનાં ભૂલકાંઓનો આ વર્ષે રેકોર્ડબ્રેક પ્રવેશ થયો છે. જેમાં આંગણવાડીમાં 9 લાખ 77 હજાર ભૂલકાં અને ધોરણ-1 માં 2.30 લાખ બાળકોએ પ્રવેશ મેળવ્યો. વિદ્યા સહાયકોની રેકોર્ડ બ્રેક ભરતી ઉપરાંત શિક્ષકોની હંગામી ઘટ પૂરી કરવા માટે રાજ્ય સરકારે જ્ઞાન સહાયક યોજના અમલમાં મૂકી છે.

8. કૃષિ-પશુપાલનના વિકાસમાં હરણફાળ
ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં ગુજરાતના ખેડૂતો વધુ સદ્ધર અને મજબૂત બની રહ્યા છે. રાજ્ય સરકારે સફળતાપૂર્વક ‘રવી કૃષિ મહોત્સવ’નું આયોજન કરીને ખેડૂતોને નવી દિશા પૂરી પાડી છે. ખરીફ પાકના વાવેતરમાં 10 લાખ હેક્ટરના વધારા સાથે ખેડૂતોને સિંચાઇ માટે વધારાનું 2.27 મિલિયન એકર ફીટ પાણી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો. રાજ્ય સરકારે 20 લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવાની સાથે 8.5 લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળ્યા છે. પશુપાલનમાં પણ ગુજરાતનું ડેરીક્ષેત્ર ખૂબ પ્રગતિ કરી રહ્યું છે.

9. વંચિતોનો વિકાસ
દાદાની સરકાર દરેક આદિવાસીઓની સુખાકારી માટે કટિબદ્ધતાથી કામ કરી રહી છે. આદિવાસી મહિલાની વ્હારે આવીને ગંભીર એનીમિયા ધરાવતી 10 હજારથી વધુ આદિવાસી માહિલાઓની ઓળખ કરી તેમની જરૂરિયાત મુજબ સારવાર કરીને માતા મૃત્યુ દરમાં ઘટાડો કર્યો છે. તો શ્રમિકો માટે શ્રમિક બસેરા યોજના અમલમાં મૂકી છે. એટલું જ નહીં શ્રમિકોને પોષણક્ષમ ભોજન મળે તે માટે પાંચ રૂપિયામાં ભોજન પૂરું પાડતી શ્રમિક અન્નપૂર્ણા યોજના અમલી બનાવી છે.

10. ગુજરાતી ગરબાને ગ્લોબલ ઓળખ મળી
ભૂપેન્દ્રભાઈ પટેલના શાસનમાં જ ગુજરાતની ઓળખ ગણાતા ગરબાને વિશ્વ ફલક પર સ્થાન મળ્યું છે. ગુજરાતનું ગૌરવ અને સાંસ્કૃતિક વિરાસત સમા ગરબાને ‘અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર’ જાહેર કરીને યુનેસ્કોએ ગરબાને આંતરરાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ આપી છે.

11. ધોરડોની વિશ્વફલક પર નામના
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અથાગ પ્રયાસોથી ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે પણ હરણફાળ ભરી છે. વિદેશી પ્રવાસીઓના મામલે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે આવ્યું છે તો આંતર રાજ્ય પ્રવાસીઓમાં પણ ગુજરાત અગ્રેસર રહ્યું છે. એટલું જ નહીં, કચ્છના ધોરડોને સંયુક્ત રાષ્ટ્રએ વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ તરીકેનું સન્માન આપતાં જ પ્રવાસન ક્ષેત્રને વધુ એક નવી ઊંચાઈ પ્રાપ્ત થઈ છે.

12. અયોધ્યામાં ગુજરાતી ભવનનું નિર્માણ
જેની લોકો વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. તે અયોધ્યા નગરીનું સ્વપ્ન પૂર્ણ થવાના આરે છે. કોઈ પણ ગુજરાતી શ્રદ્ધાળુ અયોધ્યા જાય ત્યારે ભગવાન શ્રી રામની નગરીમાં તે પરિવાર સાથે રોકાઈ શકે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે અયોધ્યામાં વિશાળ અને અદ્યતન ગુજરાતી ભવનના નિર્માણનું કામ શરૂ કરાવ્યું છે.

 

 

 

આ પણ વાંચો-પ્રાથમિક શિક્ષણ નિયામક કચરીએ અમદાવાદની ચાર શાળાઓની માન્યતા રદ કરી