Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રાજ્યના પૂર્વ CM સ્વ.શ્રી ચીમનભાઈ પટેલને 95 મી જન્મજ્યંતિ પ્રસંગે ગાંધીનગર સમાધિ સ્થળ પર પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો

09:50 PM Jun 03, 2023 | Hardik Shah

ગુજરાતના વિકાસના પ્રણેતા, નર્મદા યોજનાના સ્વપ્નદ્રષ્ટ્રા અને ગુજરાતના છોટે સરદાર સ્વ.શ્રી ચીમનભાઈ પટેલને 95 મી જન્મજ્યંતિ પ્રસંગે નર્મદા ઘાટ ગાંધીનગર સમાધિ સ્થળ પર પ્રાર્થના સભા તેમજ ચીમનભાઈ પટેલ પુલના છેડે ચીમનભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો. તેમાં પરિવારના સભ્યો, સામાજીક આગેવાનો, કાર્યક્રરો હાજર રહી હાર્દિક સ્મરણાંજલિ અર્પિ હતી.

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલની આજે 95 મી જન્મ જયંતિ છે. ચીમનભાઈ પટેલનો જન્મ સંખેડા 3 જૂન 1929 સંખેડા તાલુકાના ચિખોદ્રા ગામે થયો હતો. ચીમનભાઈ પટેલની રાજકીય સફર પર નજર કરીએ તો 17 જુલાઈ 1973 માં ઘનશ્યામભાઈ ઓઝાની સરકાર ગબડાવી ચીમનભાઈ પટેલ પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. તે પછી 4 માર્ચ 1990 માં જનતાદળ તેમજ ભારતીય જનતા પાર્ટીની ગઠબંધનવાળી સરકારમાં એકવાર ફરી મુખ્યમંત્રી બન્યા. મુખ્યમંત્રી તરીકેની પોતાની પ્રથમ મુદ્દતમાં ‘સરદાર સરોવર બંધ નર્મદા બંધની પરિકલ્પના કરી હતી અને બીજી મુદ્દતમાં નર્મદા બંધનું અસરકારક બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમનો પાયો ચીમનભાઈ પટેલની સરકારમાં નંખાયો જેનો લાભ આજે ગુજરાતની જનતાને મળી રહ્યો છે. જણાવી દઇએ કે, ચીમનભાઈ પટેલનો જન્મ સામાન્ય ખેડૂત પરિવારમાં થયો હતો. તેમના પિતા જીવાભાઈ અને માતા રેવાબહેનની નજર નીચે ચિખોદરાની પ્રાથમિક શાળામાં શિક્ષણ મેળવ્યા બાદ કોસિન્દ્રાના ટી. વી. વિદ્યાલય તથા વડોદરાની ન્યૂ ઈરા હાઈસ્કૂલમાં તેમણે માધ્યમિક શિક્ષણ લીધું. 1945 પછી વિદ્યાર્થીમંડળની પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લેવાનું શરૂ કર્યું. આ ગાળા દરમિયાન તેમની સંગઠન અને વ્યવસ્થાશક્તિનો વિકાસ થયો. તેમણે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરામાંથી 1951માં અર્થશાસ્ત્ર અને વસ્તીશાસ્ત્ર સાથે સ્નાતક અને 1953માં અનુસ્નાતકની ઉપાધિઓ પ્રાપ્ત કરી. તેમની વિદ્યાકીય કારર્કિદી ઉજ્જ્વળ હતી. અનુસ્નાતક ઉપાધિ પૂર્વે તેઓ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિનયન શાખામાં અર્થશાસ્ત્રના વ્યાખ્યાતા તરીકે કાર્ય કરતા હતા. વિદ્યાકાળ દરમિયાન તેમણે ગુજરાત વિદ્યાર્થી કૉંગ્રેસના મંત્રી તથા મ. સ. યુનિવર્સિટીના વિદ્યાર્થીસંઘના ઉપપ્રમુખ તરીકે કામગીરી સંભાળી હતી. મ. સ. યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓની બરતરફીના મુદ્દે ચીમનભાઈએ વિદ્યાર્થી-હડતાળને સફળ નેતૃત્વ પૂરું પાડ્યું હતું.

દરમિયાન 1948માં તેમણે વૈષ્ણવ વણિક પરિવારની દીકરી ઊર્મિલાબહેન સાથે આંતરજ્ઞાતીય લગ્ન કરીને સામાજિક ક્ષેત્રે પરિવર્તન ઝંખતા પોતાના માનસનો પરિચય પૂરો પાડ્યો. પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત પ્રદેશકક્ષાએ ગુજરાત યુવક કોંગ્રેસની પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લઈને કરી હતી. 1954માં તેઓ ગુજરાત વિદ્યાપીઠમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે જોડાયા અને તે જ અરસામાં ગુજરાત કોંગ્રેસના મંત્રી તરીકે વરણી પામ્યા. 1955માં ભારત વિકાસયાત્રા રૂપે તૈયાર કરેલી ‘ભારતદર્શન’ યોજનાનો તેમણે અસરકારક અમલ કર્યો. ત્યારપછી તેમણે ગુજરાત યુનિવર્સિટીના સેનેટ-સભ્ય તથા એલ.ડી. આર્ટ્સ કોલેજમાં અર્થશાસ્ત્રના અધ્યાપક તરીકે સેવાઓ આપી. 1959માં ડેન્માર્કના આરહુસ ટાપુમાં યોજાયેલ વિશ્વ યુવક પરિષદમાં તેમણે ભાગ લીધો તથા તેના ખુલ્લા અધિવેશનમાં વિકસતા દેશોના અર્થતંત્ર અને યુવકો વિશે પ્રભાવશાળી સંબોધન કર્યું હતું. તેમણે 1955થી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ‘આયોજન અને વિકાસ’ વિભાગનો હવાલો સંભાળ્યો હતો અને તે સાથે ‘કોંગ્રેસ-પત્રિકા’ના સંપાદનમાં પણ સક્રિય રસ લીધો હતો. ગુજરાત યુનિવર્સિટીમાં શિક્ષણના માધ્યમના વિવાદાસ્પદ પ્રશ્ને તેઓ ગુજરાતી માધ્યમના હિમાયતીઓની સાથે રહ્યા તથા આ પ્રશ્ને યુનિવર્સિટીની સેનેટમાં જરૂરી ટેકો મળી રહે તે માટે જહેમત ઉઠાવી હતી. આવી જ રીતે ઉચ્ચશિક્ષણની સેવાઓથી તે સમયે વંચિત ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં સંખ્યાબંધ શૈક્ષણિક ટ્રસ્ટોને ઉચ્ચ શિક્ષણ આપતી કોલેજો શરૂ કરવા માટે પ્રોત્સાહિત કર્યાં. 1960માં તેમણે ગુજરાત કેળવણી ટ્રસ્ટ સ્થાપી અમદાવાદ શહેર વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ આર્ટ્સ કૉલેજની સ્થાપના કરી, જેના 1967 સુધી તેઓ આચાર્ય હતા. 1967માં સંખેડા મતવિસ્તારમાંથી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાતાં તેમણે આચાર્યપદેથી સ્વૈચ્છિક નિવૃત્તિ લધી તથા ગુજરાત સરકારના મંત્રીમંડળમાં રમતગમત, વાહનવ્યવહાર અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો હવાલો સંભાળ્યો.

અગાઉ ડૉ. જીવરાજ મહેતાની સરકારને સત્તા છોડવા માટે વિવાદાસ્પદ રીતે ફરજ પાડવામાં સંગઠન-કક્ષાએ તેમની નિર્ણાયક ભૂમિકા રહી હતી. ચીમનભાઈનો રાજકીય ઉછેર મહદ્અંશે સંગઠન-કક્ષાએ થયો હતો. તેમની સફળ રાજકીય કારકિર્દીનું રહસ્ય સંગઠન-કક્ષાએ તેમની પકડ, રાજકીય કુનેહ, વિરોધીઓને પણ જીતી લેવાની અપાર આત્મશ્રદ્ધા તથા સંપર્કમાં આવનાર માણસોના મહત્ત્વને પિછાનવામાં રહ્યું હતું. સતેજ સ્મૃતિ, કોઠાસૂઝ, ત્વરિત નિર્ણયશક્તિ તથા સતત ક્રિયાશીલ રહેવાની તેમની પ્રકૃતિ તેમની નેતાગીરીની સફળતાના મૂળમાં હતી. જુલાઈ, 1973ના રોજ ગુજરાતના રાજકીય પ્રવાહો અને ઘટનાઓના ફળસ્વરૂપે તે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બન્યા, પરંતુ ટૂંકા ગાળા બાદ ગુજરાતમાં ઊભા થયેલ ‘નવનિર્માણ’ આંદોલનના દબાણ નીચે તેમને મુખ્યમંત્રી-પદ છોડવું પડ્યું. ત્યારપછી તેમણે ‘કિસાન મજદૂર લોક પક્ષ’(કિમલોપ) નામના પ્રાદેશિક પક્ષની રચના કરી. આ પક્ષ અલ્પજીવી રહ્યો. 1977માં તેઓ ‘ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્ સોશિયલ વેલફેર’ના ભારતના પ્રમુખ બન્યા. 1980માં વિધાનસભામાં તેઓ ફરી ચૂંટાયા બાદ તેમણે વિરોધપક્ષના નેતા તરીકે ભૂમિકા અદા કરી. માર્ચ, 1990માં તેઓ ફરી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બન્યા. તેમના નેતૃત્વ હેઠળની આ મિશ્ર સરકાર હતી, જેમાં તેમના પક્ષ સાથે ભારતીય જનતા પક્ષ પણ સરકારમાં સામેલ થયો હતો; પરંતુ થોડા સમય બાદ ભારતીય જનતા પક્ષ આ મિશ્ર સરકારમાંથી નીકળી જતાં ચીમનભાઈએ 1991ના અરસામાં જનતાદળ (ગુજરાત) નામના પક્ષની રચના કરી. 1994 સુધી તેમણે ગુજરાતના વિકાસના પ્રશ્નો અંગે કેન્દ્રમાં સબળ રજૂઆત કરી તથા ખાસ કરીને ‘નર્મદા પરિયોજના’ના પ્રશ્ને ગુજરાતનો વાજબી કેસ સ્વીકારાય તેવા પ્રયાસો હાથ ધર્યા.

આ પણ વાંચો – વડતાલમાં અખિલ ભારતીય સંત સમિતિની કાર્યકારિણી મળી, 500થી વધુ સંતો, મહંતો ઉપસ્થિત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ