Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

માતાએ પાંચ માસની દીકરીને નદીમાં ફેંકી મોત નિપજાવ્યું, પોલીસ પૂછપરછમાં જણાવ્યુ આ કારણ

09:06 AM Jul 30, 2023 | Vishal Dave

જૂનાગઢના માળીયા હાટીના તાલુકાના માતરવણીયા ગામે ગઈકાલે વહેલી સવારથી બાળકી ગુમ થતાં પોલીસને જાણ કરાઈ હતી, ઘટનાને લઈને માળીયા હાટીના પોલીસે તપાસ હાથ ધરી હતી અને જરૂર જણાતા ડોગ સ્કોડ અને એફએસએલ ની મદદ લેવાઈ હતી, તપાસ દરમિયાન ગત સાંજે નદી કિનારેથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો આ બનાવની પોલીસે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી અને બાળકીનું પાણીમાં ડૂબી જવાના કારણે મૃત્યું થયાનું સામે આવ્યું હતું અને તપાસમાં માતાએ જ બાળકીને નદીમાં ડૂબાડી દીધી હોવાનું ખુલ્યું હતું, માનસિક ત્રાસથી કંટાળીને મહિલાએ આ પગલું ભર્યું હતું, પોતે ભોગવેલો ત્રાસ દીકરીને ભોગવવો ન પડે તે માટે પોતાની દીકરીને પાણીમાં ડુબાડી દીધી હતી. પોલીસે મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જુનાગઢ જીલ્લાના માળીયા હાટીના તાલુકાના માતરવણીયા ગામેથી એક હચમચાવી નાખનાર ઘટના સામે આવી છે ગઈકાલે માળીયા હાટીના પોલીસ સ્ટેશનમાં એક પિતાએ પોતાની પાંચ માસની બાળકી ગુમ થઈ હોવાની જાણ કરી હતી. પોલીસની શોધખોળ બાદ બાળકીનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો હતો જ્યારે બાળકીના મૃતદેહ પર ઈજાના કોઈ પણ પ્રકારના નિશાન ન હતા, પાંચ મહિનાની બાળકીને માતાએ જ નદીમાં ફેંકી દીધી હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે બાળકીની માતાએ પોતે જ પોલીસ સમક્ષ આ વાતની કબૂલાત કરતા ગંભીર મામલો સામે આવ્યો છે.

અઢી વર્ષ પહેલા આ દંપત્તિના લગ્ન થયા હતા, જેમની એક પાંચ માસની બાળકી હતી ગઈકાલે વહેલી સવારે માતા ઉઠીને ઉંઘી રહેલી બાળકીને ઉપાડે છે અને નજીકમાં આવેલી નદીમાં ફેંકી આવે છે સમગ્ર ઘટનાને અંજામ આપ્યા બાદ બાળકીની માતા કશું જ ન થયું હોય એમ ઘરે આવી જાય છે અને તેના પરિવારજનોને બાળકીને જોઈ છે કે કેમ એ પૂછવા લાગે છે ઘરમાં શોધખોળ કરતા પણ બાળકી જોવા ન મળતા આખરે પરિવારજનોએ બાળકીની આસપાસમાં શોધખોળ હાથ ધરી પરંતુ બાળકીનો ક્યાંય પત્તો ન લાગ્યો, શોધખોળ બાદ પણ બાળકી ન મળતા બાળકીના પિતાએ માળીયા હાટીના પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી સવારે છ વાગ્યાથી ગુમ દીકરીને શોધવા માટે પરિવારજનોની સાથે સાથે પોલીસે પણ પોતાના પ્રયાસો હાથ ધર્યા અને સાથે સાથે આસપાસના લોકોની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી હતી પોલીસે તપાસ દરમિયાન ડોગ સ્ક્વોડ ની મદદ પણ લીધી હતી.

ડોગ સ્ક્વોડ ની મદદથી જ્યારે પોલીસે તપાસ હાથ ધરી તો સ્નેગી ડોગ સૂંઘતા સૂંઘતા પોલીસ જવાનોને બાળકીના ઘરેથી સીધા નદીએ લઈને પહોંચ્યા હતા પોલીસે ત્યાં જઈને જોયું તો નદીમાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો ત્યારે તેના પર ઈજાના કે અન્ય કોઈ પણ પ્રકારના નિશાન જોવા નહીં મળતા પ્રાથમિક ધોરણે બાળકીનું મૃત્યુ ડૂબી જવાથી થયું હોવાનું જાણવા મળ્યું હતું અને મૃતદેહને પીએમ માટે માળીયા હાટીના ખસેડાયો હતો, આ સમગ્ર ઘટનાની તપાસમાં એફએસએલની મદદ પણ લેવાઈ હતી.

પાંચ મહિનાની દીકરી ઘરમાંથી ગુમ થાય અને તેનો મૃતદેહ નદીમાંથી મળી આવે એ વાત પોલીસને ગળે ઉતરે તેવી ન હતી, કારણ કે કોઈ મોટી વ્યક્તિ પોતાની જાતે ક્યાંય જઈ શકે પરંતુ પાંચ મહિનાનું બાળક પોતાની જાતે ક્યાંય જઈ શકે નહીં તેથી બાળકને કોણ ઘરમાંથી નદી સુધી લઈ ગયું તે દિશામાં પોલીસે પૂછપરછ હાથ ધરી હતી, પોલીસે પરિવારજનોની એકી સાથે અને એક પછી એક એમ અલગ અલગ રીતે પુછપરછ કરતાં બાળકીની માતા ભાંગી પડી હતી અને પોતે જ પોતાની બાળકીને નદીમાં ફેંકી દીધાની પોલીસ સમક્ષ કબુલાત આપી હતી. પોલીસની પૂછપરછમાં મહિલાએ તેના પરિવારજનો દ્વારા માનસિક ત્રાસ અપાતો હોવાનું જણાવ્યું હતું પરિવારજનોના મેણાં ટોણાં થી ઘરમાં કંકાસ થતો હતો અને જે રીતે પોતાને માનસિક ત્રાસ ભોગવવો પડે છે તેવો ત્રાસ તેની દીકરીને ભોગવવો ન પડે અને પરિવારના લોકો પોતાની દીકરીને પણ ત્રાસ ન આપે તે માટે થઈને મહિલાએ પોતાની દીકરીને નદીમાં ફેંકી દીધી હતી, માળીયા હાટીના પોલીસે મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે