Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

SURAT : માંડવી તાલુકામાં રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં ભવ્ય ‘સખી સંમેલન’ યોજાયું

11:42 PM Jan 13, 2024 | Harsh Bhatt

આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં માંડવી તાલુકાના રિવરફ્રન્ટ ખાતે તાલુકા પંચાયત કચેરી-માંડવી દ્વારા ભવ્ય સખી સંમેલન યોજાયું હતું. સાંસદ પ્રભુભાઈ વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા સમારોહનો મુખ્ય ઉદ્દેશ મોટી સંખ્યામાં મહિલાઓને તેમના આર્થિક અને સામાજિક ઉત્કર્ષ માટે મદદરૂપ થતી લખપતિ દીદી પહેલ વિષે માહિતગાર કરવાનો હતો.

રાજ્યમંત્રીએ ગરીબ અને પછાત વર્ગની મહિલાઓના વિકાસ માટે કટિબદ્ધ રાજ્ય સરકારની મહત્વની યોજનાઓ વિષે જણાવ્યું

આ પ્રસંગે આદિજાતિ રાજ્યમંત્રીએ ગરીબ અને પછાત વર્ગની મહિલાઓના વિકાસ માટે કટિબદ્ધ રાજ્ય સરકારની મહત્વની યોજનાઓ વિષે જણાવ્યું હતું. સખી મંડળમાં કાર્યરત બહેનોને વાર્ષિક રૂ.૧ લાખની કમાણી કરવાની તક આપતી પહેલ લખપતિ દીદી અંતર્ગત સી.આર.પી બહેનોને તાલીમ અને આર્થિક સ્વતંત્રતા માટે બિઝનેસ પ્લાન તૈયાર કરવો, નાણાકીય સહાય માટે બેંક લિંકેજની માહિતી આપી હતી.

રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં ‘સખી સંમેલન’ યોજાયું

સાથે જ મંત્રીએ મહિલાઓને પગભર કરતી નમો ડ્રોન દીદીની નવતર યોજના, તેના હેઠળ મળતી તાલીમ અને પ્રમાણપત્રની જાણકારી આપી હતી. તેમજ આ યોજના થકી મહિલાઓ માટે સર્જાતી નવી રોજગારીની તક ઝડપવા પ્રોત્સાહિત કર્યા હતા.

રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ વ્યાપારની બહોળી તકો વિષે વિગતો આપી

મંત્રીએ સરકાર દ્વારા મહિલાઓની સાથોસાથ યુવા વિકાસને અપાતા પ્રાધાન્ય વિષે જણાવી યુવાનો માટે કાર્યરત યોજના અને રોજગારી તેમજ વ્યાપારની બહોળી તકો વિષે વિગતો આપી હતી. તેમણે રાસાયણિક ખેતીથી જમીન અને માનવજાતિને થતા નુકસાન, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદિત અનાજના ફાયદાવિષે સમજાવી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અનુરોધ કર્યો હતો. મહિલા ખેડૂત અને પશુપાલકો માટે કાર્યરત સરકારી યોજનાઓ અંગે જાણકારી આપી મહિલાઓને તેનો મહત્તમ લાભ લઈ આર્થિક સધ્ધર બનવા અનુરોધ કર્યો હતો.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એમ.બી.પ્રજાપતિએ રાષ્ટ્રીય આજીવિકા મિશન હેઠળ ચાલતી વિવિધ યોજનાઓ તેમજ સ્ત્રી સશક્તિકરણના ધ્યેય, મિશન મંગલમ અંતર્ગત મહિલાઓને અપાતી તાલીમ, સહાય અને બેન્ક ફંડ અંગે સમજ આપી માંડવી તાલુકા ખાતે મિશન મંગલમ યોજના સાથે જોડાયેલા જૂથો અને તેઓની કામગીરી વિષે ઉપયોગી જાણકારી આપી હતી.

આદિવાસી મહિલાઓ દ્વારા પારંપરિક નૃત્યની ઝાંખી બતાવાઈ

આ વેળાએ મહાનુભાવોના હસ્તે વિવિધ સખી મંડળોને ચેક તેમજ પ્રમાણપત્રો અર્પણ કરાયા હતા તેમજ ગામની આદિવાસી મહિલાઓ દ્વારા પારંપરિક નૃત્યની ઝાંખી બતાવાઈ હતી. સાથે જ ગ્રામીણ મહિલાઓએ પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવતા નાટકનું નિદર્શન કર્યું હતું.

પ્રસંગે જિ.પં.ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલ, KAPS સાઈટ ડાયરેક્ટર સુનિલકુમાર રોય, સંગઠન પ્રમુખ દિનેશભાઈ પટેલ, તા.પં. પ્રમુખ દિલીપભાઈ ચૌધરી, KAPSના CSR ચેરમેન એન.જે કેવટ, સંગઠનના મંત્રી ભરતભાઈ અને કાર્યકરો, જિલ્લા આરોગ્ય અધિકારી અનિલભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ, તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો, અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં સખી મંડળની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ – ઉદય જાદવ 

આ પણ વાંચો — Ahmedabad Medical Association દ્વારા ઉતરાયણ નિમિત્તે સલામતી માટેની Guidelines જાહેર કરાઈ