Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

28 વર્ષીય યુવક બ્રેઇન ડેડ થયા બાદ અંગદાન થકી ચાર વ્યકિતઓેને નવું જીવન આપતો ગયો

04:08 PM Sep 24, 2023 | Vishal Dave

અહેવાલઃ સંજય જોશી, અમદાવાદ 

મુળ ડુંગરપુરના અને લાંબા સમયથી અમદાવાદ વસતા ૨૮ વર્ષીય ભાવેશભાઇને સતત માથું દુખવાની તકલીફ હતી. ૨૦ મી સપ્ટેમ્બરના રોજ સખત માથું દુખ્યું અને પછી એકાએક ખેંચ આવી . જેથી પરિવારજનો તેમને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા. અહીં ઇમરજન્સી કેર માટે દાખલ કર્યા બાદ તેમના રીપોર્ટસ કરાવવાં આવતા બ્રેઇન હેમરેજની જાણ થઇ‌ તબીબોએ ત્રણ દિવસ તનતોડ મહેનત કરીને ભાવેશભાઇ જોષીને બચાવવાના તમામ પ્રયત્નો કર્યા‌. પરંતુ ૨૩ સપ્ટેમ્બરે તબીબો દ્રારા તેઓને બ્રેઇનડેડ જાહેર કરાયા.

બ્રેઇનડેડ જાહેર થતા પરિવારજનોએ અંગદાન માટે સંમતિ દર્શાવી. અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયા હાથ ધરી‌. રીટ્રાઇવલની સમગ્ર પ્રક્રિયાના અંતે હ્રદય, બે કિડની અને એક લીવરનું દાન મેળવવામાં સફળતા મળી.

હ્રદયને ગ્રીન કોરિડોર કરીને ગણતરીની મિનિટોમાં સિમ્સ હોસ્પિટલમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ માટે પહોંચાડવા આવ્યું. જ્યારે બંને કિડની અને લીવરને મેડિસિટીના જ કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયા. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યુ કે,૨૮ વર્ષીય ભાવેશભાઇ જોષીના પરિવારજનો દ્રારા હ્રદયપૂર્વક કરાયેલું અંગદાન આજે ચાર વ્યક્તિઓને નવજીવન આપી ગયું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કુલ ૧૩૩ અંગદાન થયા છે. જેમાં મળેલા ૪૨૯ અંગોએ ૪૧૨ જરૂરિયાતમંદોને નવજીવન બક્ષ્યું છે.