Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પશ્ચિમ બંગાળની હોસ્પિટલમાં 24 કલાકમાં 9 નવજાત શિશુના મોત, હોસ્પિટલમાં માતમનો માહોલ

05:04 PM Dec 08, 2023 | Harsh Bhatt

પશ્ચિમ બંગાળની એક હોસ્પિટલમાંથી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘટના એમ છે કે મુર્શિદાબાદ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ખાતે 24 કલાકની અંદર નવ નવજાત શિશુ અને એક બે વર્ષના બાળકનું મોત થયું છે. સમગ્ર બાબત અંગે એક અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું કે, મુર્શિદાબાદ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં શિશુઓના મૃત્યુના કારણની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે.

“બાળકોને બચાવી શક્યા ન હતા કારણ કે તેમાંથી મોટાભાગના કુપોષિત હતા” 

એક અહેવાલ મુજબ, હોસ્પિટલના અધિકારીઓએ ઘટના અંગેની પ્રારંભિક માહિતી આપતા કહ્યું હતું કે – ‘આમાંના મોટાભાગના બાળકો કુપોષિત હતા અને તેમાંથી એકને ગંભીર જન્મજાત હૃદય રોગ હતો.’

રિપોર્ટ અનુસાર, મુર્શિદાબાદ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ કમ વાઈસ પ્રિન્સિપાલ અમિત કુમાર દાહે કહ્યું, ‘અમે કેટલાક બાળકોને બચાવી શક્યા ન હતા કારણ કે તેમાંથી મોટાભાગના કુપોષિત હતા, તેઓ જન્મજાત રોગો ધરાવતા હતા અને ઓછા વજન સાથે જન્મ્યા હતા. જેનું વજન લગભગ 500 ગ્રામ અથવા 600 ગ્રામ હતું”

“અમને એક બેડ પર એક કરતા વધુ દર્દીઓ રાખવાની ફરજ પડી છે”

વધુમાં હોસ્પિટલ અધિકારી દ્વારા માહિતી આપવામાં આવી હતી કે ‘હૉસ્પિટલને બીજી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તે એ છે કે જાંગીપુર હૉસ્પિટલનું નવીનીકરણ ચાલી રહ્યું છે, તેથી ત્યાંના તમામ કેસ અહીં આવે છે. અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ, પરંતુ તેમાંથી મોટાભાગના બાળકો કુપોષિત અથવા ઓછા વજનવાળા છે. એટલા માટે આવા બાળકોને સાચવવા ખૂબ મુશ્કેલ છે. અમને એક બેડ પર એક કરતા વધુ દર્દીઓ રાખવાની ફરજ પડી છે.’

આ પણ વાંચો — કેશ ફૉર ક્વેરી: TMC સાંસદ મહુઆ મોઇત્રાની સંસદ સદસ્યતા રદ, એથિક્સ કમિટિનો રિપોર્ટ મંજૂર થતા નિર્ણય