Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ભરૂચ જિલ્લાના વાગરામાં એક સાથે 6 અર્થીઓ ઉઠી,આખું ગામ હિબકે ચઢ્યું

08:39 PM May 20, 2023 | Vishal Dave

અહેવાલઃ ઉદય જાદવ, સુરત 

વાગરાના મુલેર નજીક ગંધારમાં અમાસની મોટી ભરતીમાં દરિયાદેવે 6 લોકોનો ભોગ લીધો. દરિયા કિનારે એક જ કુટુંબના 8 નાના-મોટેરાઓ ફરવા ગયા હતા અને ભરતીએ બધું તારાજ કર્યું હતું પરંતુ આ ઘટનામાં સમયસર સારવાર ન મળવાના કારણે પણ દમ તોડ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. વાગરા મત વિસ્તારમાં અધ્યતન સુવિધા વાળું હોસ્પિટલ અને ફાયર સ્ટેશન ક્યારે બનશે તે પ્રશ્ન ઉભો થઈ ગયો છે.

ભરૂચનાં વાગરા તાલુકાના મુલેર ગામે ગંધારના દરિયાની ભરતીમાં ડૂબી ગયેલા 6 નાના-મોટેરાઓની એક સાથે અંતિમયાત્રા નીકળતા સમગ્ર ગામમાં શોકની ભરતી ફરી વળી હતી. ગોહિલ પરિવારમાં ક્યારેય પુરાઈ નહિ તેવી આવેલી ઓટે પરિજનોને કલ્પાંત કરતા કરી દીધા હતા.શુક્રવારે શનિ જ્યંતી અને અમાસની મોટી ભરતીએ જ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર નજીક ગંધાર પાસે દરિયા કાંઠે ફરવા ગયેલા એક જ પરિવારના બાળકો, મહિલા સહિત 8 લોકો દરિયામાં ડૂબવા લાગ્યા હતા. જે પૈકી 6 હતભાગીઓને દરિયો ભરખી જતા ગમગીની છવાઈ ગઈ હતી.

હોનારતમાં 19 વર્ષીય દશરથ ગોહિલ, 20 વર્ષીય તુલસીબેન બળવંતભાઈ, 5 વર્ષીય જાનવીબેન હેમંતભાઈ, આર્યાબેન રાજેશભાઇ,15 વર્ષીય રીંકલબેન બળવંતભાઈ અને 38 વર્ષીય રાજેશ છત્રસિંહ ગોહિલના મૃત્યુ થયા હતા. જ્યારે 19 વર્ષીય કિંજલબેન બળવતભાઈ ગોહિલ અને 17 વર્ષીય અંકિતાબેન બળવતભાઈ ગોહિલ બચી ગયા હતા.સમગ્ર ઘટનામાં મૃતકોનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ તેમની અંતિમયાત્રા કરવામાં આવી હતી જેમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ગ્રામજનો અને લોકો જોડાયા હતા.એક સાથે 6 મૃતકોની અંતિમયાત્રા નીકળતા આખું ગામ હિબકે ચઢ્યું હતું. અંતિમયાત્રામાં વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણા સહિત અનેક રાજકીય આગેવાનો જોડાયા હતા.