Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

યુવતી સાથે મિત્રતા કેળવી 4.76 લાખ પડાવી લેનાર ઝડપાયો 

06:54 PM Jun 06, 2023 | Vipul Pandya
અહેવાલ—પ્રદિપ કચીયા, અમદાવાદ
અમદાવાદના ખોખરામાં રહેતા શખ્સે યુવતી સાથે મિત્રતા કેળવીને પોતે ધંધો કરવા માંગે છે પરંતુ રૂપિયા નથી તેવું કહીને યુવતી પાસેથી સોનાની ચેઇન સહિત કુલ રૂ. 4.76 લાખ રૂપિયા લીધા હતા.થોડા સમય બાદ યુવતીએ રૂપિયા અને દાગીના માંગતા યુવક ગલ્લા તાલા કરીને બહાના આપવા લાગ્યો હતો. આ અંગે યુવતીએ મિત્ર સામે પોલીસ સ્ટેશનમાં ઠગાઇની ફરિયાદ નોધાવી હતી.
સોનાની ચેઇન અને રોકડ સહિત કુલ રૂ. 4.76 લાખ આકાશને આપ્યા હતા
આઇ ડીવીઝન ACP ક્રુણાલ દેસાઈએ જણાવ્યુ હતું કે ખોખરામાં 19 વર્ષીય નંદીનીબેન ભાવસાર પરિવાર સાથે રહે છે અને કોલેજમાં અભ્યાસ કરે છે. ગત જૂન 2022માં તે બરોડા એક્સપ્રેસ હાઇવે સામે પાર્કિંગમા ઉભી હતી. ત્યારે આકાશ નામનો યુવક તેની પાસે આવ્યો હતો.અને યુવતી સાથે વાતચીત કરવા લાગ્યો હતો.તે બાદ બંને વચ્ચે મિત્રતા થઇ હતી. બાદ બંને જોડે ફરવા પણ જતા હતા.થોડાક દિવસો બાદ આકાશે ધંધો કરવા માટે નંદીની પાસે રૂપિયા માંગ્યા હતા.અને થોડા સમયમાં પાછા આપી દઈશ તેવું કહ્યુ હતુ.જેથી યુવતીએ ઘરમાંથી સોનાની ચેઇન અને રોકડ સહિત કુલ રૂ. 4.76 લાખ આકાશને આપ્યા હતા.બાદમાં યુવતીએ આકાશ પાસે રૂપિયા માંગ્યા ત્યારે આકાશ વાયદા કરવા લાગ્યો હતો અને રૂપિયા પાછા આપતો ન હતો.

ઠગાઇની ફરિયાદ
રૂપિયા પરત ના આપતા આખરે યુવતીએ પરિવારજનોને સમગ્ર હકીકત જણાવી હતી.જેથી પરિવારજનોએ આકાશને ફોન કરીને રૂપિયાની ઉઘરાણી કરતા તેને રૂપિયા અને સોનાની ચેઇન આપવાની ઇનકાર કર્યો હતો તેથી આ અંગે યુવતીએ આકાશ સામે ખોખરા પોલીસ સ્ટેશનમાં ઠગાઇની ફરિયાદ નોધાવી હતી.
પોલીસે તપાસ શરુ કરી
ખોખરા પોલીસે આરોપી આકાશની ધરપકડ કરીને કયા ધંધા માટે રૂપિયા લીધા હતા અને ક્યા રોકાણ કર્યા હતા તે અંગે વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.