+

Rajkot : 12,294 નંગ હીરા અને 8 લાખ રોકડની ચોરી કરનારા 3 ઝડપાયા

અહેવાલ—રહિમ લાખાણી, રાજકોટ રાજકોટના મવડીમાં 39 વર્ષીય મુકેશ દુધાત્રા નામના કારખાનેદારને ત્યાં ગત 2 તારીખના રોજ તિજોરી તોડી 8 લાખ રોકડ અને 55,80,300 રૂ. ની કિંમતના 12,294 નંગ હીરાની ચોરીનો…

અહેવાલ—રહિમ લાખાણી, રાજકોટ

રાજકોટના મવડીમાં 39 વર્ષીય મુકેશ દુધાત્રા નામના કારખાનેદારને ત્યાં ગત 2 તારીખના રોજ તિજોરી તોડી 8 લાખ રોકડ અને 55,80,300 રૂ. ની કિંમતના 12,294 નંગ હીરાની ચોરીનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે રાજકોટ શહેર પોલીસ દ્વારા બકુલ ઉર્ફે બકો ઢોલરીયા (ઉવ.30) રહે. સુરત, પરેશ મુંગલપરા (ઉવ.45) રહે. સુરત અને જીતેશ ઉર્ફે જીતુ રૂપાપરા (ઉવ.46) રહે. રાજકોટની ધરપકડ કરી આરોપીઓ પાસેથી રોકડ 3,37,300 અને હીરા સહિત કુલ 58,56,465 રૂ.નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ત્રણેય આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું સામે આવ્યું છે.

તમામ રેકી કર્યા બાદ રાત્રિના સમયે કારખાનાના તાળું તોડી ચોરી કરતા

એસીપી ક્રાઈમ બ્રાન્ચ ભરત બસીયાના જણાવ્યા પ્રમાણે ત્રણ આરોપીઓ પૈકી બકુલ ઉર્ફે બકો અને પરેશ હીરા ઘસવાનું કામ કરે છે. અલગ અલગ જગ્યાએ જઈ થોડા દિવસ હીરાના કારખાનામાં હીરા ઘસવાનું કામ કરતા હતા. તેમજ કારખાનાની તમામ જગ્યા બરાબર જોઈ કારખાનામાં કઈ જગ્યાએ હીરા તેમજ રોકડ રાખવામાં આવે છે તે બાબતનો નિરીક્ષણ કરતા હતા. તેમજ તમામ રેકી કર્યા બાદ રાત્રિના સમયે કારખાનાના તાળું તોડી પ્રવેશ કરી હેમર ડ્રીલ જેવા હથિયારથી તિજોરી તોડી હીરા તેમજ રોકડ રકમ ચોરીને નાસી જતા હતા.

ઘટનાને અંજામ આપ્યા બાદ 2 જણા સુરત જતા રહ્યા

આરોપી બકુલ ઉર્ફે બકો ફેબ્રુઆરી મહિનામાં વી.પી. ઇનપેક્ષ નામના ડાયમંડના કારખાનામાં 3 – 4 દિવસ હીરા ઘસવા પણ આવ્યો હતો. એજ સમયગાળા દરમિયાન તેણે હીરા કઈ જગ્યાએ રાખવામાં આવે છે. કારખાનું કેટલા વાગે ખુલ્લે છે કેટલા વાગ્યે બંધ થાય છે. તે સહિતની તમામ બાબતો અંગે ભાળ મેળવી હતી. બનાવના 2 દિવસ પૂર્વે બકુલ ઉર્ફે બકો અને મુંગલપરા સુરતથી રાજકોટ આવ્યા હતા. તેમજ રાજકોટ આવ્યા બાદ જીતેશના ઘરે રોકાયા હતા. તેમજ ઘટનાને અંજામ આપ્યા બાદ બકુલ ઉર્ફે બકો અને મુંગલપરા બસના માધ્યમથી સુરત જતા રહ્યા હતા..

આરોપીઓનો ગુનાઇત ભુતકાળ

બકુલ ઉર્ફે બકો ઢોલરીયા વિરુદ્ધ રાજકોટ, ગીર સોમનાથ, નર્મદા, સુરત અને જુનાગઢ તેમજ ગીર સોમનાથ ખાતે પ્રોહિબીશન, ઘરફોડ ચોરી સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. જ્યારે કે પરેશ મૂંગલપરા ભાવનગર, બનાસકાંઠા, અમરેલી, જુનાગઢ, રાજકોટ ગ્રામ્ય ખાતે ઘરફોડ ચોરી તેમજ જુગાર તેમજ જાનથી મારી નાખવાની ધમકી સહિતના છ જેટલા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. જ્યારે કે આરોપી જીતેશ ઉર્ફ જીતુ રૂપાપરા જુનાગઢ ખાતે પ્રોહીબિશનના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. બનાવ સામે આવ્યા બાદ હ્યુમન ઈન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વિલન્સના માધ્યમથી આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ઘટના સ્થળ ની આજુબાજુના સીસીટીવી ફૂટેજ પણ મેળવવામાં આવ્યા હતા. જે અન્વયે જીતેશ ઉર્ફે જીતુને રાજકોટથી જ્યારે કે બાકીના બંને આરોપીઓને સુરતથી પોલીસે ઝડપી પાડ્યા છે.

આ પણ વાંચો—-કોરોના ઇન્ફેક્શન અને કોરોના વેક્સિનને હાર્ટ એટેક કે કાર્ડિયાક એરેસ્ટ સાથે સંબંધ નથી

Whatsapp share
facebook twitter