Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પાદરામાં ઝડપાયેલા ખાતર કૌભાંડમાં 2 આરોપી ઝડપાયા 

05:10 PM May 24, 2023 | Vipul Pandya
અહેવાલ–વિજય માલી, પાદરા
વડોદરાના પાદરા તાલુકાના કરખડી ગામની સીમમાં આવેલી ચોક્સી કલર્સ પ્રાઇવેટ લિમીટેડ કંપનીમાં ખેડૂતોને આપવામાં આવતું સબસિડીવાળા યુરીયા ખાતરનો ઉપયોગ કરીને ઉત્પાદન કરવામાં આવતું હોવાનું ચોંકાવનારું કૌંભાડ બહાર આવ્યું હતું. વડોદરાના નાયબ ખેતી નિયામકે કંપનીના માલિક અને યુરીયાના સપ્લાયર સામે વડુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી જે મામલે વડું પોલીસે બે આરોપીની ધરપકડ કરી આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

કંપની ઉત્પાદન યુનિટ અને ગોડાઉનમાંથી શંકાસ્પદ યુરીયાનો જથ્થો મળ્યો
ચોક્સી કલર્સ પ્રાઇવેટ લિમીટેડ કંપનીમાં નાયબ ખેતી નિયામક વિજયકુમાર ડામોર તેમજ પાદરા અને સાવલીના ખેતી વિભાગના અધિકારીઓની સંયુક્ત ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી તપાસ દરમિયાન કંપની ઉત્પાદન યુનિટ અને ગોડાઉનમાંથી શંકાસ્પદ યુરીયાનો જથ્થો મળી આવ્યો હતો. ખેતી નિયામકની ટીમ દ્વારા શંકાસ્પદ મળી આવેલા યુરીયાના નમૂના લઇ પૃથક્કરણ માટે બારડોલી મોકલી આપ્યા હતા જેમાં યુરીયા એગ્રીકલ્ચરમાં વપરાતું નીમ કોટેડ યુરીયા હોવાનો પોઝેટીવ રિપોર્ટ આવ્યો હતો જેથી ખેતી નિયામક વિજયકુમાર ડામોરે પાદરા તાલુકાના કરખડી ગામની સીમમાં આવેલી ચોક્સી કલર્સ પ્રાઇવેટ લિમીટેડ કંપનીના માલિક પ્રદિપકુમાર મણીલાલ ચોક્સી અને યુરીયા સપ્લાયર ભાર્ગવ એન્ટરપ્રાઇઝના પેઢીના માલિક સામે વડુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
2ની ધરપકડ
વડું પોલીસે પાદરાના કરખડી પાસે આવેલ કંપનીમાં સબસીડી વાળું ખાતર ઔધોગિક એકમોને વેચવાના કૌભાંડ મામલે તપાસ હાથ ધરી ખેડૂતોના હક્કનું સબસીડીવાળા યુરિયા ખાતરનો જથ્થો ઔધોગિક એકમોમાં પોતાના ફાયદા માટે વધુ નફો મેળવવા સપ્લાય કરનાર ભાર્ગવ એન્ટરપ્રાઇઝ ના માલિક ભાર્ગવ રોહિત (રહે.અંકલેશ્વર) તથા અંકિત ત્રિવેદી (રહે.વડોદરા) ની ધરપકડ કરી તેમના રિમાન્ડ મેળવી સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચવાની તજવીજ હાથ ધરી છે.