Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

America : જાહેર કાર્યક્રમમાં ધડાધડ 18 રાઉન્ડ ફાયરિંગ, એક બાળકનું મોત, 8થી વધારે લોકો ઘાયલ

02:38 PM Apr 14, 2024 | KRUTARTH JOSHI

શિકાગો : અમેરિકામાં (America) પણ ફાયરિંગની (Firing) ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં એક પરિવારનાં મેળાવડા પર બહાર ઉભેલા કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ (Firing in America) કરવામાં આવ્યું હતું. શનિવારે રાત્રે એક પરિવાર દ્વારા મકાનના પાછળના વિસ્તારમાં સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. અચાનક બહારથી અંધાધુંધ ફાયરિંગ થયું હતું. જેમાં એક બાળકીનું મોત નિપજ્યું હતું. જ્યારે 3 બાળકો સહિત કુલ 7 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટના રાત્રે 09.30 વાગ્યે 52 મી સ્ટ્રીટ, દામેન એવન્યુ શિકાગો (chicago) નજીક બની હતી.

7 વર્ષના બાળકનું મોત, 3 નાના બાળકો ગંભીર રીતે ઘાયલ

શિકાગો પોલીસના જણાવ્યા અનુસાર બે અજાણ્યા શુટર્સ દ્વારા પારિવારિક કાર્યક્રમ પર અચાનક ફાયરિંગ કરી દીધું હતું. તેઓ પહેલાથી જ ઘરની બહાર ઉભા હતા અને અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ ફાયરિંગની ઘટનામાં 7 વર્ષની એક બાળકીને માથામાં ગોળી વાગી હતી તેનું કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે 1 વર્ષનું એક બાળક અને 7 વર્ષના નાના બાળક સહિત ત્રણેય બાળકો ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે અન્ય 5 લોકો પણ ઘાયલ છે.

અજાણ્યા શૂટર્સે ધડાધડ 18 રાઉન્ડ ફાયર કર્યા

ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ઘાયલોને પ્રાથમિક સારવાર આપીને હોસ્પિટલ વધારે સારવાર માટે ખસેડ્યા હતા. જ્યારે ઘટના સ્થળેથી બુલેટના 18 ખોખા પણ મળી આવ્યા હતા. ઘટનાને નજરે જોનારા લોકોના અનુસાર પગે ચાલીને આવેલા બંન્ને હુમલાખોરોએ ધડાધડ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જો કે પોલીસનુંમાનવું છે કે, આ કોઇ સામાન્ય ફાયરિંગની ઘટના નથી પરંતુ ગેંગવોર પણ હોઇ શકે છે. હાલ તો સમગ્ર મામલે પોલીસ તપાસ ચલાવી રહી છે. અપરાધીઓને પકડવા માટેના ચક્રોગતિમાન કર્યા છે. આ અંગે માહિતી ધરાવતા કોઇ પણ વ્યક્તિને શિકાગો પોલીસનો સંપર્ક કરવા માટે અપીલ પણ કરવામાં આવી છે.