Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગુલઝાર-Warlock of words

12:10 PM Mar 26, 2024 | Kanu Jani

ગુલઝાર નામથી કોઈ અજાણ નથી. મોરા ગોરા અંગ લઈ લે.. લાકડી કી કાઠી કાઠી કા ઘોડા.. જેવાં વૈવિધ્ય ભર્યાં ગીતોનો રચયિતા કવિ,ફિલ્મી ગીતકાર. તાજેતરમાં જ એમને દેશનો સાહિત્ય માટેનો સર્વોચ્ચ એવોર્ડ ‘જ્ઞાનપીઠ પૂરસ્કાર’ મળ્યો. કહી શકાય કે એવોર્ડ પોતે યોગ્ય હાથોમાં જઈ સન્માનિત થયો. 

ગુલઝાર (Warlock of words) ની કરિયરને બે ભાગમાં વહેંચવાનું સાહસ કરવાનું હોય તો  ફિલ્મ ‘સત્યા’ અગાઉનાં રાહુલદેવ બર્મન સાથે ‘મોટેભાગે અનોખાં કલ્પનો સર્જતા કવિ ગુલઝાર’ અને પંચમદાની વિદાય પછીના ‘હિન્દી ફિલ્મોના ટિપિકલ ગીતકાર બનવા જતા ગુલઝાર’ એમ બે વિભાગ પડાય.

આઇટમ સોંગ્સ તરફ ઝૂકવામાં પણ કોઇ છોછ ન જોયો

ગુલઝારના ચાહકોને કદાચ આવું વર્ગીકરણ નહીં ગમે. પરંતુ, ‘સત્યા’નું આ ગીત ‘‘ગોલી માર ભેજે મેં, ભેજા શોર કરતા હૈ…”  જ નહીં, તે જ  ફિલ્મના “સપને મેં મિલતી હૈ…” માં “ સપને મેં મિલતા હૈ… સારા દિન સડકોં પે ખાલી રિક્ષે સા પીછે પીછે ચલતા હૈ…” જેવાં ગીત લખીને ગુલઝારે પોતે માત્ર અવનવી કલ્પનાઓની કવિતાઓ જ કરી શકે છે એવી માન્યતાને દૂર કરવાની કોશીશ કરી હતી. તેઓ હિન્દી ફિલ્મોના ટિપિકલ ગીતકાર જેવાં ગાયનો લખવા પણ સક્ષમ છે, એમ સાબિત કરી આપ્યું. આ ગાયનોની લોકપ્રિયતા પછી તેમણે હિંમતપૂર્વક “બીડી જલાઇ લે જિગર સે પિયા…” અને “કજરારે કજરારે તેરે પ્યારે પ્યારે નૈના…” જેવાં ઓડિયન્સને મઝા પડે અને પડદા ઉપરના ઉત્તેજક ડાન્સને લીધે લોકપ્રિય થાય એવાં આઇટમ સોંગ્સ તરફ ઝૂકવામાં પણ કોઇ છોછ ન જોયો. તે સિનેમાના એક વ્યાવસાયિક ગીતકાર માટે આ સ્વાભાવિક, અને વિશેષ તો જરૂરી પણ, હતું. તેને માટે ખુલાસો શાથી કરવો પડે?

કતરા કતરા મિલતી હૈ, કતરા કતરા જીને દો, જિંદગી

ગુલઝારે એક કરતાં વધુ વખત સામેથી એ સ્પષ્ટતા કરેલી છે કે ‘‘ગોલી માર ભેજે મેં, ભેજા શોર કરતા હૈ…” એવા શબ્દો પોતે એટલા માટે લખ્યા છે કે ‘સત્યા’ની સ્ટોરી ગેંગસ્ટર્સની છે અને એ બધાં પાત્રો કાંઇ ‘ગાલીબ’ની ભાષામાં ન ગાય. એ તો મારધાડની જબાન જ વાપરે. આ તર્ક સામે મુશ્કેલી એ છે કે ગુલઝાર સાહેબે એવું ધ્યાન ‘સત્યા’ અગાઉ ક્યાં રાખ્યું હતું? ‘માસૂમ’ કે ‘કિતાબ’નાં ‘‘લકડી કી કાઠી…” અને “અ આ ઇ ઇ, માસ્ટરજી કી આ ગઈ ચિઠ્ઠી…” જેવાં બાળગીતોને બાદ કરો તો પાત્રની ભાષાના સ્તરનું ધ્યાન ક્યાં રખાયું છે? દાખલા તરીકે, ‘ઇજાઝત’માં રેખાના ફાળે આવેલાં બે ગીતો. રેખા તેમાં એવી ગૃહિણીનું પાત્ર ભજવે છે જે પોતાના પતિની બેનપણીની કવિતાઓને ‘લવલેટર્સ’ સમજવાની ભૂલ કરે છે. આ સ્તરની હાઉસ-વાઇફ “કતરા કતરા મિલતી હૈ, કતરા કતરા જીને દો, જિંદગી…” જેવા શબ્દો અને તેમાં પણ “સપને પે પાંવ પડ ગયા…” એવી અદભૂત કલ્પના કરી શકે? અથવા “ખાલી હાથ શામ આઇ હૈ, ખાલી હાથ લૌટ જાયેગી…” એમ બેનમૂન ઇમેજ સર્જી શકે? (બાત કુછ હજમ નહીં હુઇ!) અહીં એ બેમિસાલ ગીતો અને તેની ભાષા કે ઇમેજરીની વાત નથી. એ અંગત રીતે અત્યંત ગમતાં સર્જનો છે. પરંતુ, પાત્રની જબાનમાં ગીત લખવાનો ગુલઝાર(Warlock of words)નો તર્ક અગાઉ લાગૂ પડતો નહતો એટલું સાબિત કરવાના પ્રયાસમાં આ દાખલા ટાંક્યા છે. શું એ ‘સત્યા’ના સંગીતકાર વિશાલ ભરદ્વાજના સંગનું પરિણામ હશે?