Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સૌથી સફળ બોલર Shami ને કેમ અંતિમ સમયે આપવામાં ન આવી ઓવર? શું રોહિતનો આ નિર્ણય ટીમની હારનું બન્યું કારણ ?

11:06 AM Nov 20, 2023 | Hardik Shah

વર્લ્ડ કપ 2023 ની સૌથી સફળ ટીમ રવિવારે ઓસ્ટ્રેલિયા સામે મળેલી હાર બાદ પૂરી રીતે તૂટી ગઇ હોય તેવું લાગી રહ્યું હતું. ટૂર્નામેન્ટની શરૂઆતથી જે ટીમ પર સૌથી વધુ આશા રાખવામાં આવી રહી હતી કે આ ટીમ આ વખતે વર્લ્ડ કપ જીતીને જ રહેશે તે જ પોતાની અંતિમ ફાઈનલ મેચમાં અસફળ રહી હતી. શું છે તેની પાછળનું કારણ, કેમ હાર બાદ ભારતીય ખેલાડીઓ રડતા જોવા મળ્યા, કેમ ટૂર્નામેન્ટમાં ટીમના સૌથી સફળ રહેલા બોલરને અંતિમ સમયે બોલિંગ ન આપવામાં આવી અને ક્યા રોહિત કરી ગયો ચુક આવો જાણીએ…

ટોસ જીતવું પેટ કમિન્સ માટે ફાયદાકારક રહ્યું

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ 2023 ની ફાઈનલ મેચ રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. બંને ટીમો ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરીને અહી સુધી પહોંચી હતી. એક તરફ ઓસ્ટ્રેલિયા કે જે શરૂઆતની બે મેચ હાર્યા બાદ સતત જીત મેળવી ફાઈનલમાં પહોંચી હતી તો બીજી તરફ ટીમ ઈન્ડિયા કે જેણે ફાઈનલ પહેલા એક પણ મેચ હારી નહોતી. રવિવારે જ્યારે મેચની શરૂઆત થઇ ત્યારે સૌથી પહેલા મેદાનમાં ટોસ થયો જે ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સના પક્ષમાં રહ્યો. તેણે ટોસ જીતી ટીમ ઈન્ડિયાને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. વળી જ્યારે રોહિતને પુછવામાં આવ્યું ત્યારે તેણે પણ કહ્યું કે જો હું ટોસ જીત્યો હોત તો હું પહેલા બેટિંગનું જ વિચારી રહ્યો હતો. આ રીતે જોતા ટીમ ઈન્ડિયાની પહેલા બેટિંગ આવવાનું નિશ્ચિત જ હતું.

રોહિતની વિકેટ પછી ટીમના બેટ્સમેનો જોવા મળ્યા દબાણમાં

ઓપનિંગમાં રોહિત અને ગિલ મેદાનમાં આવ્યા ત્યારે કેપ્ટન શર્માએ ટીમને સારી શરૂઆત અપાવી હતી. હા થોડી જ વારમાં ગિલ આઉટ થઇ ગયો અને કોહલી મેદાનમાં આવ્યો. બીજી તરફ રોહિતે બોલરોની બોલિંગ ધોવાનું ચાલું રાખ્યું. જોકે તોફાની બેટિંગ કરતા રોહિત એક ખરાબ શોટ રમીને આઉટ થઇ ગયો હતો. તે પછી શ્રેયસ ઐયર આવ્યો તે પણ જલ્દી જ આઉટ થઇને પેવેલિયન પરત ફર્યો હતો. ઐયરના આઉટ થયા બાદ મેદાનમાં કે એલ રાહુલ આવ્યો જેણે કોહલી સાથે ધીમે ધીમે ઇનિંગને આગળ વધારી હતી. જ્યારે શરૂઆતમાં રોહિત શર્મા બેટિંગ કરી રહ્યો હતો તે જોતા એવું લાગી રહ્યું હતું કે, આ બેટિંગ પિચ છે અને આજે ટીમ ઈન્ડિયા અમદાવાદમાં પહેલીવાર મોટો સ્કોર કરી શકશે પણ આવું ન બન્યું. અને કોહલી અને રાહુલના આઉટ થયા બાદ ટીમના બેટ્સમેન એક પછી પેવેલિયન પરત થતા ગયા.

શમીને કેમ ન આપી અંતિમ ઓવર ?

વર્લ્ડ કપ 2023 માં ટીમ ઈન્ડિયાનો સૌથી સફળ બોલર મોહમ્મદ શમી રહ્યો હતો. જેણે 23 વિકેટ ઝડપી હતી. તેણે ટીમ ઈન્ડિયાને શરૂઆતમાં એક વિકેટ અપાવી હતી. તે પછી જસપ્રીત બુમરાહ બે વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો પિચ પર ચિંગમની જેમ ચીપકી ગયા હતા. તેમણે ત્રણ વિકેટ ગુમાવી તે પછી એવું લાગી રહ્યું હતું કે હવે કાંગારુઓ દબાણમાં આવશે પણ તેવું ન બન્યું. ઓસ્ટ્રેલિયાની ત્રણ વિકેટ પડી ગયા બાદ ટીમ પર આવેલા દબાણને Marnus Labuschagne અને Travis Head એ દૂર કર્યો હતો. ધીમે ધીમે ઇનિંગને આગળ વધારતા ગયા. આ બંને બેટ્સમેનો જ્યારે ટકી ગયા ત્યારે તેમણે સિરાજ અને બે સ્પિનર જાડેજા અને કુલદીપને ધોવાનું શરૂ કર્યું. અંતિમ ઓવરોમાં જ્યારે ટીમને મોહમ્મદ શમીની જરૂર હતી ત્યારે એવું લાગ્યું કે હવે રોહિત શમીને બોલિંગ માટે બોલાવશે અને શમી કોઇ ચમત્કાર કરશે પણ આવું ન બન્યું. રોહિત શર્માએ મોહમ્મદ શમીની ત્રણ ઓવર બાકી હોવા છતા પણ તેને ઓવર ન આપી. રોહિત શર્માએ આ અંતિમ સમયમાં સિરાજ, બુમરાહ, કુલદીપ, જાડેજાને બોલિંગ આપી પણ શમીને ન આપી. આ બોલરો જ્યારે બોલિંગમાં આવતા અને જેવી તેમની ઓવર પૂરી થવા આવે ત્યારે સૌ કોઇ વિચારતા કે હવે શમી આવશે અને ટીમને એક વિકેટ આપશે. પણ શર્માજીના દિમાગમાં કઇંક અલગ જ ચાલી રહ્યું હતું.

ટીમની હાર બાદ ભારતીય ખેલાડીઓ રડતા જોવા મળ્યા

આખી ટૂર્નામેન્ટમાં અજેય રહેલી રોહિત એન્ડ કંપનીને ફાઈનલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે તેનું ત્રીજી વખત ટાઈટલ જીતવાનું સપનું પણ ચકનાચૂર થઈ ગયું. મેચ બાદ આખી ટીમ ઘણી નિરાશ જોવા મળી હતી. આ સમયગાળાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં કેપ્ટન રોહિત શર્મા અને ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ નિરાશ થઈને ચાલતા જોઈ શકાય છે. આ દરમિયાન તેમનું માથું નમેલું જોવા મળ્યું હતું. ઘણા ખેલાડીઓ આ હારથી નિરાશ થઇને રડતા જોવા મળ્યા હતા જેને વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

ટીમ ઈન્ડિયાના કોચે હાર બાદ શું કહ્યું ?

રાહુલ દ્રવિડે કહ્યું, “હા, અલબત્ત, તે (રોહિત શર્મા) નિરાશ છે, જેમ કે ઘણા ખેલાડીઓ ડ્રેસિંગ રૂમમાં નિરાશ છે. એવું નહોતું, ડ્રેસિંગ રૂમમાં લાગણીઓનું પૂર જોવા મળી રહ્યું છે. દરેક વ્યક્તિ અત્યારે નિરાશ છે. એક કોચ તરીકે મારા માટે તે જોવું ખૂબ જ મુશ્કેલ હતું… કારણ કે હું જાણું છું કે આ લોકોએ કેટલી મહેનત કરી છે, તેઓએ શું યોગદાન આપ્યું છે, કેટલું બલિદાન આપ્યું છે. તેથી, તે અઘરું છે. મારો કહેવાનો અર્થ છે કે, કોચ તરીકે જોવું મુશ્કેલ છે, કારણ કે તમે આ લોકોને વ્યક્તિગત રીતે જાણો છો. તમે જોશો કે તેમણે કેટલી મહેનત કરી છે.” રાહુલે આગળ કહ્યું, “અમે છેલ્લા મહિનામાં કેટલી મહેનત કરી છે, અમે કેવું ક્રિકેટ રમ્યું છે. બધાએ જોયું છે… પણ હા, આ એક રમત છે…અને આવી વસ્તુઓ રમતોમાં થાય છે. તે શક્ય બની શકે છે. અને આજે વધુ સારી ટીમ જીતી ગઈ. અને મને ખાતરી છે કે કાલે સવારે સૂર્ય ઉગશે. અમે આમાંથી શીખીશું. અમે પ્રતિબિંબિત કરીશું…અને અમે આગળ વધીશું, જેમ દરેક કરે છે. મારો મતલબ એ છે કે તમે એક ખેલાડી તરીકે શું કરો છો.

આ પણ વાંચો – વર્લ્ડ કપ ફાઇનલની કારમી હાર બાદ PM મોદીએ કર્યું ટ્વીટ

આ પણ વાંચો – IND vs AUS Final: ભારત માટે એકવાર ફરી પનોતિ બન્યો Richard Kettleborough, એક નિર્ણયે પરિણામ ફેરવ્યું

આ પણ વાંચો – World Cup 2023 Prize Money : ઓસ્ટ્રેલિયાને મળ્યા 33 કરોડ રૂપિયા, ભારતે આટલા પૈસાથી માનવો પડ્યો સંતોષ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ