Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ભારતે શા માટે સંરક્ષણ બજેટ વધુ રાખવું પડે છે?

06:50 PM Apr 18, 2023 | Vipul Pandya

એક કટાક્ષભરી વાર્તાથી આજે વાતની શરુઆત કરીએ.  
ગુરુ અને એના શિષ્ય વચ્ચે સંવાદ ચાલતો હતો. દેશ-દુનિયાની વાતો કરતા હતા. વિશ્વના અનેક દેશો ફરી ચૂકેલા જ્ઞાની ગુરુને અચાનક શિષ્યએ પૂછ્યું, ગુરુજી આખી દુનિયામાં સૌથી શ્રેષ્ઠ દેશ કયો?  
ગુરુજીએ સહેજ મલકાઈને કહ્યું, અમેરિકા. એ દેશની વિશાળતા, વિકાસ, પ્રગતિ, લોકોનો મિજાજ, લોકોનું જીવન બધું જ શ્રેષ્ઠ છે. એ દેશની ધરતી ઉપર ઉતરો એટલે એમ જ થાય કે  આ દેશ વસવા માટે સૌથી સરસ છે. લોકોના મન મોહી લે એવી ધરતી છે અમેરિકાની.  
તો પછી એમાં કંઈ ખામી જ નથી એમ? બીજો સવાલ પૂછ્યો એટલે તરત જ ગુરુએ કહ્યું, છેને…. ત્યાં ટાણે-કટાણે આવતાં ટોર્નેડો, કુદરતી આપત્તિ, આધુનિકતા તરફની દોડમાં સંસ્કારોનું અવમૂલ્યન આવી ખામીઓ પણ છે. 
બીજા નંબરે ક્યો દેશ આવે તો ગુરુજીએ કહ્યું, બ્રિટન. ત્યાંના લોકોની સભ્યતા, આખી દુનિયા પર શાસન કરવાની એમની આવડતથી માંડીને અનેક ખૂબીઓ ત્યાં છે. પણ ઠંડો પ્રદેશ હોવાથી અનેક પીડાઓ સાથે આ દેશ જીવે છે.  
એક પછી એક દેશની ચર્ચા ગુરુજી કરતા રહ્યા. છેલ્લે કહ્યું કે, પણ ભારતનો જોટો ક્યાંય ન જડે. વેદો-ઉપનિષદ, રામાયણ-મહાભારત, ભગવાન શિવ, રામ, શ્રી કૃષ્ણથી માંડીને અનેક મહાન વિભૂતિ જન્મી ચૂકી છે. અહીંનું વાતાવરણ, ઋતુઓથી માંડીને બધું જ શ્રેષ્ઠ છે. ભારતમાં જે આવે એને આ ભૂમિ ઉપર ટાઢક મળે છે. વિદેશી લોકો આખી દુનિયાથી ત્રસ્ત થઈને મોક્ષને પામવા માટે આધ્યાત્મના શરણે ભારત આવે છે.  
તો પછી ભારતને કોઈનાથી તકલીફ કે કંઈ ખામી નથીને?  
ગુરુજીએ કહ્યું, આપણાં દેશના પડોશી જોઈ લે…. 
આપણે મિત્રોને પસંદ કરી શકીએ છીએ પણ પડોશીમાં આપણને પસંદગીનો અવકાશ નથી. નાણાં મંત્રી નિર્મલા સિતારમણે હજુ ત્રણ દિવસ પહેલા જ આ વાત કહી. યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે  રશિયા પાસેથી ભારતના  ઓઈલ ખરીદવાના વિવાદને લઈને નિર્મલા સીતારમણે આ વાત કહી.  
આપણે ભલે એવું કહીએ કે, પહેલો સગો પડોશી. પણ ચીન અને પાકિસ્તાન જેવા પડોશીઓ હોય તો સાવધ રહેવું પડે. ભારત બેસ્ટ દેશ હોવા છતાં એના પડોશીઓ ગમે ત્યારે ખતરો બની શકે એવા છે.  એટલે જ ભારત તેનું સંરક્ષણ વધારી રહ્યું છે. સંરક્ષણ પાછળ ખર્ચ કરવામાં હવે ભારત આખી દુનિયામાં ત્રીજા નંબરે છે. સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રીસર્ચ ઈન્સ્ટીટ્યૂટના એક રિપોર્ટ મુજબ પોતાની સુરક્ષા પાછળ ખર્ચ કરવામાં અમેરિકા, ચીન પછી ત્રીજા નંબરે ભારત આવે છે.  
ઈમાનદારીના સર્વેમાં, ભ્રષ્ટાચારના સર્વેમાં કે પછી ભૂખમરાના સર્વેમાં ભારતનો નંબર બહુ ખરાબ રીતે દર્શાવાતો હોય પણ સુરક્ષાની બાબતમાં આપણે સક્ષમ થયા છીએ એ વાત દેશવાસીઓ માટે નહીં પણ પડોશીઓને ડારામાં રાખવા માટે જરુરી છે. પાકિસ્તાન ગમે ત્યારે ઉધામા કરતું રહે છે. ભારતે જ્યારે પહેલી વખત પરમાણુ પરીક્ષણ કર્યું હતું ત્યારે અમેરિકાએ આપણી ઉપર અનેક પ્રતિબંધો મૂક્યા હતા. પાકિસ્તાને આખી દુનિયામાં કાગારોળ મચાવી હતી. પાકિસ્તાનના તત્કાલીન વડા પ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ કહ્યું હતું કે, અમે ઘાસ ખાઈશું પણ અણુબોંબ બનાવીને રહેશું. પાકિસ્તાન જેવા પડોશી હોય તો આપણે સક્ષમ થવું જ પડે. પુલવામામાં આપણા દેશના  જવાનો ઉપરનો ક્રૂર આતંકવાદી હુમલો અને જૂન, 2019માં ગલવાન ઘાટીમાં ચીન સાથે જે સંઘર્ષ થયો એ પછી ભારત વધુ સક્ષમ અને સાવચેત થયું છે. શસ્ત્રો બનાવવાની બાબતમાં આત્મનિર્ભર બન્યું છે તો સાથોસાથ શસ્ત્રોની ખરીદીમાં વધુ પાવરફુલ બન્યું છે.   
સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રીસર્ચ ઈન્સ્ટીટ્યૂટના આંકડાઓ કહે છે કે, અમેરિકા એના સંરક્ષણ પાછળ 2021ની સાલમાં 801 અબજ ડોલરનો ખર્ચ કર્યો તો ચીને 293 અબજ ડોલર પોતાના સંરક્ષણ પાછળ વાપર્યા છે. ત્રીજા નંબરે ભારતે 2021ની સાલમાં પોતાના સંરક્ષણ પાછળ  76.6 અબજ ડોલર ખર્ચ્યા છે. આ રીસર્ચમાં 68.4 અબર ડોલરના ખર્ચ સાથે ચોથા નંબરે યુનાઈટેડ કિંગ્ડમ અને 65.9 અબજ ડોલર સાથે પાંચમા નંબરે રશિયા આવે છે. એ પછી જર્મની, જાપાન, ઓસ્ટ્રેલિયા, ઈરાન, કતાર, યુક્રેન, નાઈજિરિયા આવે છે. આ લિસ્ટમાં એશિયાના દેશોની તાકાત વધુ છે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. આમાં એક વાત મહત્ત્વની એ પણ છે કે, કોવિડના સમયમાં આખી દુનિયાએ પોતાના સંરક્ષણ પાછળ 2.1 ખરબ ડોલર વાપર્યા છે. 
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ભારત ઉપર એક સ્ટેન્ડ લેવા માટે આખી દુનિયામાંથી દબાણ થઈ રહ્યું છે. ભારતે રશિયાનો સાથ નથી છોડ્યો તો યુક્રેનને પણ મદદ કરી છે. ભારતના તટસ્થ વલણને કારણે અમેરિકાને આપણી સાથે થોડું વાંકુ પડ્યું છે. પણ આપણાં વિદેશ પ્રધાન એસ. જયશંકરે અમેરિકાને સણસણતો જવાબ આપ્યો છે ત્યારથી અમેરિકા શાંત બેઠું છે. આપણો દેશ આઝાદ થયો ત્યારથી માંડીને આજ દિન સુધી રશિયા આપણું નીવડેલું દોસ્ત રહ્યું છે. ભારત પાસે આજની તારીખે 86 ટકાથી વધુ શસ્ત્રો રશિયન બનાવટના છે. વળી, બીજા દેશો પાસેથી શસ્ત્રો કે ઓઈલ ખરીદીની બાબતમાં એક હદથી વધુ અમેરિકા ભારતને પ્રેશરાઈઝ કરી શકે તેમ નથી કેમકે, આખી દુનિયામાં સૌથી વધુ હથિયારોનું ઉત્પાદન અને વેચાણ કરતા અમેરિકા માટે ભારત દેશ મોટો  શસ્ત્રો ખરીદનાર ગ્રાહક છે.  
ભારત પોતે વસુધૈવ કુટુંબકમમાં માને છે. આખી દુનિયા સાથે ભારતને શાંતિપૂર્ણ સંબંધો જોઈએ છે. પણ પડોશીઓ ઉધામા કરે તો એ શાંત રહે અને થોડાં કાબુમાં રહે તે માટે આપણે સંરક્ષણની દ્રષ્ટિએ સક્ષમ તો રહેવું જ પડે. અહિંસાની ફીલોસોફી આપણા દેશને ગળથૂથીમાં મળી છે. એ જ કારણથી આપણે આંતરાષ્ટ્રીય દબાણની સામે આપણું વલણ સ્પષ્ટ કરતા થયાં છીએ.  
દેશના કરદાતાઓનો એક સવાલ એ પણ છે કે, સંરક્ષણ માટે ખર્ચ કરો છો એ કરતાં દેશના વિકાસ અને પ્રગતિ માટે આ બજેટનો ઉપયોગ થાય તો યોગ્ય ગણાય. હકીકત એ છે કે, બે મહત્ત્વના પડોશીઓને આપણે અવગણી શકીએ તેમ નથી. દુનિયામાં ભારતની અનેક ખામીઓની ચર્ચા થતી જ રહેવાની છે. પણ જો આપણે સક્ષમ હોઈશું તો આપણને પરેશાન કરવાની દાનત ધરાવતા દેશો કંઈ કરતા પહેલાં વિચાર તો કરશે જ. ભારતનું મજબૂત બનવું ચીન અને પાકિસ્તાનને કાબુમાં રાખવા માટે જરુરી છે. યુદ્ધના વિચલીત કરી દેતાં દ્રશ્યો જોઈને ભારતના નાગરિકોને એવું થવું જોઈએ કે, કંઈપણ થશે આપણે આપણા દેશમાં સલામત છીએ.