Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

મોંઘવારી વિરુદ્ધ લડાઈમાં વિજેતા કોણ? ભારત, પાકિસ્તાન કે…

06:54 PM Aug 13, 2024 |
  • બાંગ્લાદેશમાં તોફાનો વચ્ચે મોંઘવારી આસમાને
  • મોંઘવારીની લડાઈમાં ભારત આગળ, બાંગ્લાદેશ અને પાકિસ્તાન પાછળ
  • દક્ષિણ એશિયામાં મોંઘવારીની સ્થિતિ, તુલનાત્મક અભ્યાસ

Inflation : બાંગ્લાદેશ હાલમાં રાજકીય અશાંતિ અને મોંઘવારીનો બેવડો માર સહન કરી રહ્યું છે. ઘણા વર્ષો બાદ સૌથી વધુ મોંઘવારી દેશની અર્થવ્યવસ્થા પર ભારે પડી રહી છે. અહીં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનોએ રાજકીય સ્થિતિને અસ્થિર બનાવી દીધી છે.

મોંઘવારીનું સંકટ

જુલાઈ 2024માં બાંગ્લાદેશમાં મોંઘવારી 11.66%ના 12 વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચી હતી. ખાદ્ય ચીજવસ્તુઓની કિંમતોમાં ભારે વધારો થવાને કારણે ખાદ્ય મોંઘવારી 14.10%ના રેકોર્ડ સ્તરે પહોંચી હતી. આનો અર્થ એ છે કે સામાન્ય બાંગ્લાદેશી નાગરિક માટે જીવન જરૂરી વસ્તુઓ ખરીદવી વધુને વધુ મુશ્કેલ બની રહી છે.

રાજકીય અસ્થિરતા

આ મોંઘવારીની સ્થિતિ વચ્ચે જુલાઈ મહિનામાં સરકારી નોકરીઓમાં ક્વોટા સિસ્ટમમાં સુધારાની માંગ સાથે વિદ્યાર્થીઓએ દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો શરૂ કર્યા હતા. સરકારની કાર્યવાહીથી આ વિરોધ વધુ ઉગ્ર બન્યો અને ટૂંક સમયમાં જ વિરોધીઓએ શેખ હસીનાની સરકારના રાજીનામાની માંગણી શરૂ કરી દીધી. આ વિરોધ પ્રદર્શનો દરમિયાન 560થી વધુ લોકોના મોત થયા હતા. હસીના સરકારના પતન બાદ દેશભરમાં હિંસા ફાટી નીકળી હતી. કર્ફ્યુ અને ઇન્ટરનેટ શટડાઉનને કારણે સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ હતી જેના કારણે વ્યવસાયોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

બાંગ્લાદેશમાં ગંભીર આર્થિક અને રાજકીય સંકટ

માસ્ટરકાર્ડ ઇકોનોમિક ઇન્સ્ટિટ્યૂટની આગાહી મુજબ, બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા આગામી વર્ષોમાં સુધરવાની સંભાવના છે. GDP વૃદ્ધિ ઘટીને 5.7% થવાની અને મોંઘવારી ઘટીને 8% થવાની ધારણા છે. જો કે, રાજકીય સ્થિતિ સ્થિર થાય અને મોંઘવારી પર કાબૂ મેળવવા માટે સરકાર કાર્યવાહી કરે તો જ આ શક્ય બનશે. ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશ હાલમાં ગંભીર આર્થિક અને રાજકીય સંકટનો સામનો કરી રહ્યું છે. મોંઘવારી અને રાજકીય અસ્થિરતાએ દેશની પ્રગતિને અવરોધી છે. ભવિષ્યમાં સ્થિતિ સુધરવા માટે સરકારે તાત્કાલિક અને સચોટ પગલાં લેવા જરૂરી છે.

પાકિસ્તાનમાં મોંઘવારીનો દર

ખાસ વાત એ છે કે પાકિસ્તાનમાં પણ મોંઘવારીનો દર ઓછો નથી. આંકડા અનુસાર, પાકિસ્તાનમાં જૂન મહિનામાં મોંઘવારી દર 12.6 ટકા હતો. જુલાઈના આંકડા હજુ જાણવા મળ્યા નથી, પરંતુ થોડા દિવસો પહેલા સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાને ચેતવણી આપી છે કે નાણાકીય વર્ષ 2025માં દેશમાં સરેરાશ મોંઘવારી દર 11.5 ટકા રહી શકે છે. જે ઊર્જાના ભાવમાં વધારાને કારણે 13.5 ટકા સુધી પહોંચી શકે છે.

ભારતમાં છૂટક મોંઘવારી ઘટી

બીજી તરફ, જુલાઈ મહિનામાં ભારતમાં છૂટક મોંઘવારી નોંધપાત્ર રીતે ઘટી છે. સોમવારે જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડા અનુસાર દેશમાં છૂટક મોંઘવારી દર 3.54 ટકા જોવામાં આવ્યો છે. જ્યારે જૂન મહિનામાં આ આંકડો 5 ટકાથી વધુ હતો. આ આંકડાઓ આવ્યા બાદ દેશમાં મોંઘવારી દર 5 વર્ષમાં સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. જો કે, દેશની કેન્દ્રીય બેંક RBIએ ચાલુ નાણાકીય વર્ષમાં મોંઘવારી 4.5 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. શક્ય છે કે RBI ઓક્ટોબરની પોલિસી બેઠકમાં તેના અંદાજમાં સુધારો કરી શકે.

આ પણ વાંચો:  બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ નરસંહાર, સમગ્ર વિશ્વમાં ચિંતા વ્યાપી