Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

જામનગરમાં સતત ત્રીજી વખત ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વોલ વોર, જાણો ફરી શું લખ્યું?

11:04 PM Apr 14, 2023 | Vipul Pandya

જામનગર શહેરમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સતત ત્રીજી વખત વોલ વોર ઉભું થયું છે. આજે કોંગ્રેસે ભાજપના કમળની બાજુમાં પેટ્રોલપંપનું ચિત્ર બનાવી 55 રૂપિયા લિટરના 105 કરવા વાળા લખતા વળી વિવાદ ઉભો થયો છે. આ અગાઉ પણ શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ પરની દીવાલોમાં ભાજપે ચીતરેલા કમળની બાજુમાં કોંગ્રેસ દ્વારા ગેસનો બાટલો ચિતરવામાં આવ્યો હતો. અને ત્યારબાદ કમળના ચિહ્નની બાજુમાં કોંગ્રેસે તેલના ડબ્બાનું ચિત્ર બનાવીને મોંઘવારી મુદ્દે વિરોધ દર્શાવ્યો હતો. 
પ્રદર્શન મેદાનની સામેના ભાગમાં આવેલી સરકારી દીવાલ પર ભારતીય જનતા પાર્ટી દ્વારા કમળનું સિમ્બોલ દોરવામાં આવ્યું હતું ત્યારે કોંગ્રેસે ગેસના બાટલાનું ચિત્ર બનાવ્યું હતું. બાદમાં આ દીવાલ પર તંત્ર દ્વારા ભાજપ અને કોંગ્રેસના ચિત્રો ભૂંસી નાખવામાં આવ્યા હતા. 
બીજી વખત કોંગ્રેસ દ્વારા રાંધણ ગેસના બાટલાના બદલે આ વખતે તેલના ડબ્બાનો સિમ્બોલ જોડી દેવાયો અને 1250 રૂપિયાવાળા તેલના ડબાના 2750 રૂપિયા કરનાર સાથેનું સૂત્ર  લખ્યું હતું. આજે પેટ્રોલ પંપ દોરીને 55 રૂપિયા લિટરના 105 કરવા વાળા લખ્યું છે. આમ સતત ત્રણ ત્રણ વખત કોગ્રેસે મોંઘવારી મુદ્દે વિરોધ દર્શાવ્યો હતો. 
આ અંગે કોંગ્રેસ શહેર પ્રમુખ દિગુભા જાડેજા દ્વારા તેમ પણ જણાવવામાં આવ્યું હતું કે, જ્યાં સુધી સરકારી દીવાલો પરથી ભાજપના કમળના ચિહ્નો દૂર નહીં થાય ત્યાં સુધી આ વોલ વોર ચાલુ રહેશે. હવે તંત્ર દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહ્યું.