- વિનેશ ફોગાટનું દિલ્હી એરપોર્ટ પર પહોંચી
- વિનેશ ફોગાટનું દિલ્હી એરપોર્ટ પર ભવ્ય સ્વાગત
- સાક્ષી-બજરંગને મળ્યા બાદ વિનેશ ફોગાટ થઇ ભાવુક
Paris Olympic 2024 : ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટ (Vinesh Phogat) સ્વદેશ પરત ફરી છે. તેઓ આજે એટલે કે 17 ઓગસ્ટ, શનિવારની સવારે દિલ્હીના IGI એરપોર્ટ પર પહોંચી હતી, જ્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રેસલર બજરંગ પુનિયા અને સાક્ષી મલિક પણ જોવા મળ્યા હતા. બજરંગ અને સાક્ષીને મળ્યા બાદ વિનેશ પોતાના આંસુ કાબુમાં રાખી શકી નહી અને રડવા લાગી હતી. જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.
વિનેશનું દિલ્હીમાં આવતા જ ઉષ્માભર્યું સ્વાગત
પેરિસ ઓલિમ્પિક 2024માં મહિલાઓની 50 કિગ્રા કુસ્તીની ગોલ્ડ મેડલ મેચ પહેલા 100 ગ્રામ વધારે વજન હોવાને કારણે અયોગ્ય જાહેર કરાયેલી ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ (Vinesh Phogat) આજે સવારે દેશ પરત ફરી છે. દિલ્હી એરપોર્ટ (Delhi Airport) થી બહાર આવ્યા બાદ ત્યાં આવેલા ચાહકોએ વિનેશનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. જ્યારે ગોલ્ડ મેડલ મેચ પહેલા વિનેશને ગેરલાયક ઠેરવવામાં આવી ત્યારે ભારતીય ઓલિમ્પિક એસોસિએશને તેની સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો. આ બાબતના સંદર્ભમાં, વિનેશે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટસને પણ વહેંચાયેલ સિલ્વર મેડલ આપવા માટે અપીલ કરી હતી, પરંતુ તેની અરજી 14 ઓગસ્ટની સાંજે CAS દ્વારા ફગાવી દેવામાં આવી હતી.
દેશવાસીઓનો આભાર : વિનેશ ફોગાટ
પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈને વિનેશ ફોગાટ જ્યારે સ્વદેશ પરત આવી ત્યારે તેનું સ્વાગત જોઈને તે ભાવુક થઈ ગઈ હતી, જ્યારે તેણે કહ્યું હતું કે હું તમામ દેશવાસીઓનો આભાર માનું છું અને મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનું છું. વિનેશનું દેશમાં એક ચેમ્પિયનની જેમ સ્વાગત કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે ગોલ્ડ મેડલ મેચ પહેલા અયોગ્ય જાહેર થયા બાદ વિનેશે કુસ્તીમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી.
સ્વદેશ પરત ફરતા ભાવુક થઇ વિનેશ ફોગાટ
દિલ્હી એરપોર્ટની બહાર વિનેશ ફોગાટનું સ્વાગત કરવા માટે બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને અન્ય ઘણા કુસ્તીબાજો પણ ત્યાં હાજર હતા. આ સિવાય વિનેશના પરિવારના સભ્યો પણ હાજર હતા, જેમાં તેના ભાઈ હરિન્દર પુનિયાએ ANIને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, જે લોકો કુસ્તી અને રમતના ચાહક છે તેઓ આજે એરપોર્ટ પર વિનેશનું સ્વાગત કરવા આવ્યા છે. આ ઉપરાંત વિનેશના સ્વાગત માટે ઘરે ઘરે તૈયારીઓ ચાલી રહી છે. તે ભલે ઓલિમ્પિક મેડલ જીતી શકી ન હોય પરંતુ અમે વધુ મહેનત કરીશું જેથી તે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતી શકે. જ્યારે વિનેશ એરપોર્ટની બહાર આવી ત્યારે ચાહકોનું આ પ્રકારનું સ્વાગત જોઈને તે પોતાના આંસુ રોકી શકી નહીં.
પેરિસ ઓલિમ્પિકમાં ભારતને મળ્યા 6 મેડલ
ઉલ્લેખનીય છે કે, ભારતે પેરિસ ઓલિમ્પિકમાં એક સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ સહિત કુલ 6 મેડલ જીત્યા હતા. ભારતને શૂટિંગમાં પહેલો મેડલ મળ્યો હતો, જ્યારે મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ જીત્યો હતો. ત્યારબાદ મનુ ભાકરે મિશ્ર ટીમ ઈવેન્ટમાં બીજો બ્રોન્ઝ મેળવ્યો હતો. તેમની સાથે ટીમમાં સરબજોત સિંહ પણ હતો. સ્વપ્નિલ કુસાલે પુરુષોની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન શૂટિંગમાં ત્રીજો બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ત્યારબાદ મેન્સ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો અને ભાલા ફેંકનાર નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો હતો. આ પછી કુસ્તીબાજ અમન સેહરાવતે પુરુષોની 57 કિગ્રા ફ્રી સ્ટાઇલમાં બ્રોન્ઝ જીત્યો હતો.
આ પણ વાંચો: Vinesh Phogat એ ભાવુક પોસ્ટ કરી પોતાની સંઘર્ષતાની ગાથાનું કર્યું વર્ણન