દિલ્હીમાં 7 વર્ષનો એક છોકરો ઝોમેટોમાં ડિલીવરી બોય તરીકે કામ કરતો મળ્યો છે. પિતાનો અકસ્માત થયા પછી બાળકે તેમની જગ્યા પર કામ કરવાનું શરૂ કર્યું. આ બાળક સ્કુલમાંથી પરત ફર્યા પછી સાંજે 6થી 11 વાગ્યા સુધી સાઈકલ પર જમવાનું મૂકીને ડિલિવરી કરવાનું કામ કરતો હતો.
રાહુલ મિત્તલ નામના એક ઝોમેટો યુઝરે તેનો વીડિયો બનાવીને ટ્વિટર પર શેર કર્યો. 30 સેકન્ડના આ વીડિયોમાં બાળકે ડિલવરી બોય તરીકે કામ કરવાનું કારણ જણાવ્યું. યુઝરે બાળકની હિંમ્મત અને કામની પ્રશંસા કરીને તેને ઘણી બધી ચોકલેટ આપીને મોકલ્યો.
1 ઓગસ્ટે રાત્રે 10 વાગે પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયો અંગે યુઝરે લખ્યું કે આપણે આ બાળકના આ ગુણનો બિરદાવવો જોઈએ અને ઝોમેટોએ તેના પિતાની મદદ માટે આગળ આવવું જોઈએ. વીડિયો બહાર આવ્યા પછી થોડીવારમાં જ ઝોમેટોએ રિપ્લાઈ કરતા યુઝર પાસેથી બાળકના પિતાની વિગતો માંગી હતી.
રાહુલે માહિતી આપતા કહ્યું કે ઝોમેટોએ પિતાના ડિલવરી એકાઉન્ટને ફ્રીઝ કરી દીધું છે, જેથી બાળક તેમની જગ્યાએ કામ ન કરી શકે. ઝોમેટોએ બાળક અને તેના પિતાને શક્ય તેટલી તમામ મદદ પહોંચાડવાની વાત પણ કહી છે.