Monsoon 24 : સૌરાષ્ટ્રમાં મેઘરાજા (Monsoon 24) ની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. પોરબંદરમાં વીતેલા 24 કલાકમાં 14 ઇંચ રાણાવાવમાં 10 ઇંચ અને કુતિયાણામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. પોરબંદર શહેરમાં આ લખાય છે ત્યારે સવારે 7 વાગે પણ ભારે વરસાદ પડી રહ્યો છે. પોરબંદર શહેર જિલ્લો જળબંબાકાર થયો છે અને ખેતરોમાંથી પાણી મકાનોમાં ઘુસી ચુક્યા છે. ઉપરાંત દ્વારકાના કલ્યાણપુરમાં પણ 10 ઇંચ , વેરાવળ સુત્રાપાડામાં 7 ઇંચ અને જૂનાગઢ પંથકમાં પણ છ થી સાત ઇંચ વરસાદ પડી ચૂક્યો છે.
પોરબંદરમાં 14 ઇંચ વરસાદ, દ્વારકાના કલ્યાણપુરમાં 10 ઇંચ
સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. પોરબંદરમાં 14 ઇંચ વરસાદ, દ્વારકાના કલ્યાણપુરમાં 10 ઇંચ વરસાદ, પોરબંદરના રાણાવાવમાં સાડા 7 ઇંચ વરસાદ, ગીરસોમનાથના વેરાવળ-સૂત્રાપાડામાં 7 ઇંચ વરસાદસ જૂનાગઢના વંથલીમાં પોણા 7 ઇંચ વરસાદ , જૂનાગઢના કેશોદ, માણાવદરમાં 6 ઇંચ વરસાદ અને જામનગરના જામજોધપુરમાં 6 ઇંચ વરસાદ પડી ચુક્યો છે. ઉપરાંત પોરબંદરના કુતિયાણામાં પણ 6 ઇંચ વરસાદ વરસ્યો છે.
સર્વત્ર વરસાદ
આ સાથે રાજકોટના ઉપલેટા, ધોરાજીમાં સવા 4 ઇંચ વરસાદ , જૂનાગઢના માળિયા મિયાણા, વિસાવદરમાં 4 ઇંચ વરસાદ જૂનાગઢના માંગરોળ, જામનગરના કાલાવડમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે.
કલ્યાણપુર તાલુકામાં આભા ફાટ્યા જેવી સ્થિતિ
આ તરફ દ્વારકા કલ્યાણપુર તાલુકામાં આભા ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઇ છે. ધોધમાર વરસાદે જન જીવન પ્રભાવિત કર્યું છે. કલ્યાણપુર તાલુકામાં વરસાદે કહેર વર્તાવ્યો છે. ભાટિયામાં ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. ભાટિયા આસપાસ વિસ્તારોમાં બારે મેઘ ખાંગા છે. માત્ર બે કલાકમાં કલ્યાણપુર પંથકના ખાબકેલા 5 ઇંચ વરસાદથી ચારે તરફ પાણી પાણી થઇ ગયું છે.
જામજોધપુરમાં પણ મોડી રાત્રે આભ ફાટ્યું
જામનગર જામજોધપુરમાં પણ મોડી રાત્રે આભ ફાટ્યું છે. ત્યાં છ કલાકમાં છ ઇંચ વરસાદ ખાબક્યો છે. ધ્રોલ અને કાલાવડમાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે. ધ્રોલના સુમરા ગામે વીજળી પડતા ખેત મજુર દંપતીનું મોત થયું છે.
વાડી-ખેતરો બેટમાં ફેરવાયા
પોરબંદરના બરડા પંથકમાં રાત્રીના સમયે અતિભારે વરસાદ પડ્યો છે.ભેટકડી સહિતના આસપાસના વિસ્તારમાં જ્યાં જોવો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ભારે વરસાદને લઈને ભેટકડી ન નયડ સિમ વિસ્તાર સર્વત્ર પાણી પાણી થઇ ગયો છે.વાડી-ખેતરો બેટમાં ફેરવાયા અને ખેડૂતોના ઘર સુધી પાણીનો પ્રવાહ પહોંચ્યો છે.
ભારે વરસાદની સાથે અનેક વૃક્ષો જમીનદોસ્ત
પોરબંદર અતિભારે પવન સાથે ભારે વરસાદની સાથે અનેક વૃક્ષો જમીનદોસ્ત થતાં રસ્તાઓ બ્લોક થયા હતા . પોરબંદરમાં ભારે વરસાદ વચ્ચે વૃક્ષો ધરાશાયી થતાં ફાયર બ્રિગેડ દ્વારા દૂર કરવામાં આવ્યા છે. શહેરમાં ૧૫થી વધુ વૃક્ષો બ્રિગેડ ટીમ દ્વારા દૂર કરી રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા છે. પોરબંદર ભારે વરસાદના પગલે ખેતરો પાણીમાં ગરકાવ મકાનોમાં પાણી ઘૂસતા લોકો લાચાર બન્યા છે.
પોરબંદરના ગ્રામ્ય પંથકમાંથી ૧૧ લોકોના રેસ્ક્યુ કરાયા
પોરબંદરના ગ્રામ્ય પંથકમાંથી ૧૧ લોકોના કરાયા રેસ્ક્યુ કરાયા છે. ભારવાડા ગામના વાડી વિસ્તારમાંથી 7 બગવદર કિંદરખેડા વચ્ચે વાડી વિસ્તાર માંથી 2 , મહેર સમાજ રાણાવાવમાંથી 2 સહિત ટોટલ 11 લોકોનું રેસ્ક્યુ કરાયા છે. પોરબંદર ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તમામ લોકોને રેસ્કયું કરવામાં આવ્યા છે.
રાજ્યમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી
બીજી તરફ હવામાન વિભાગે રાજ્યમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. કેટલાક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસશે તેવું અનુમાન છે. આજે વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, સુરત, તાપી, દમણમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.
22 કલાકમાં 99 તાલુકામાં ભારે વરસાદ
રાજ્યમાં 22 કલાકમાં 99 તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે. 14 તાલુકામાં 3થી સવા 3 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તો અન્ય તાલુકામાં અડધાથી અઢી ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો— સુરતનો ઐતિહાસિક MOTHER INDIA ડેમ છલકાયો; સર્જાયા આહ્લાદક દૃશ્યો