Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : શિક્ષકોએ મેળવેલ પુરસ્કારની ધનરાશી બાળકોના પાઠ્યપુસ્તકો માટે વાપરશે

04:33 PM Sep 04, 2024 |

VADODARA : ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસે મનાવતા શિક્ષક દિને વડોદરા શહેર અને જિલ્લાના આદર્શ શિક્ષકોએ તેમના છાત્રોના હિતમાં પ્રેરણાદાયી પગલું લીધું છે. શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કારથી સન્માનિત થવા જઇ રહેલા આ ગુરુજનો તેમને સન્માન સાથે મળવાની ધનરાશીનો ઉપયોગ શાળાના બાળકોના પુસ્તકો માટે કરશે. ભારે વરસાદના કારણે શાળાના બાળકોના પાઠ્ય પુસ્તકો પલળી જવાના કારણે આ નિર્ણય લીધો છે.

પારિતોષિક મેળવનાર શિક્ષકોના નામો

શિક્ષક દિને વડોદરા વિદ્યુત બોર્ડ વિદ્યાલયના સોનલ જે. ગોસ્વામી, આદર્શ નિવાસી શાળાના પારૂલબેન વસાવા, વેમાર પ્રાથમિક શાળાના ડો. મિહિર ત્રિવેદી, કિયા પ્રાથમિક શાળાના કિંજલ ડી. ગોસાઇ, ધનોરા પ્રાથમિક શાળાના રાજેશભાઇ રબારી, કૈવલનગર પ્રાથમિક શાળાના સંગીતાબેન ચૌહાણ, નવાપુરા પ્રાથમિક શાળાના રાકેશકુમાર પરમાર અને કણજટ પ્રાથમિક શાળાના શીતલ રાયમંગિયાએ જિલ્લા તથા તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનું પારિતોષિક મળ્યું છે.

8 શિક્ષકોને મળનાર રોકડ પુરસ્કાર મળનાર છે

૫ મી સપ્ટેમ્બર શિક્ષક દિને દર વર્ષે જિલ્લા અને તાલુકા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા શિક્ષકોને જિલ્લા કક્ષાએ સન્માન કરી જિલ્લા કક્ષા વિજેતા શિક્ષકોને રૂ. ૧૫,૦૦૦ અને તાલુકા કક્ષા વિજેતા શિક્ષકોને રૂ. ૫,૦૦૦ રોકડ પુરસ્કાર આપવામાં આવે છે.
તાજેતરમાં વડોદરા શહેર અને જિલ્લામાં થયેલ ભારે વરસાદને કારણે શાળાઓના વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તક નોટબુકને પણ ભારે નુકસાન થયું હોવાની સ્થિતિમાં તાલુકા કક્ષા વિજેતા ૪ અને જિલ્લા કક્ષા વિજેતા કુલ ૪ એમ કુલ ૮ શિક્ષકોએ પોતાને મળનાર રોકડ પુરસ્કારની રૂ. ૮૦,૦૦૦ની રકમ શાળાના વિદ્યાર્થીઓની શૈક્ષણિક કીટ માટે વાપરવા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, વડોદરા સમક્ષ લાગણી વ્યક્ત કરી છે.

શિક્ષકોની ઉદ્દાત ભાવનાને બિરદાવી

આ શિક્ષકો પોતાની શાળા અથવા અન્ય શાળાના જે છાત્રોના પાઠ્યપુસ્તકો વરસાદમાં પલળી ગયા છે, તેને નવા પુસ્તકો લેવા મદદ કરશે. જિલ્લા શિક્ષણાધિકારી રાકેશ વ્યાસે આ શિક્ષકોની ઉદ્દાત ભાવનાને બિરદાવી છે.

આ પણ વાંચો — VADODARA : શિક્ષિકા પ્રિયતમાબેન કનીજાને મળશે રાજ્યનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ