VADODARA : માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ ફેસિલેશન કાઉન્સીલના દ્વિતીય સત્રમાં સુનાવણી કરવામાં આવેલા ૭૬ કેસો પૈકી ૨૪ કેસોમાં સમાધાન કરવામાં સફળતા મળી છે. આ સમાધાન થઇ રૂ. ૬૭ લાખના વિવાદોનો ઉકેલ આવ્યો છે. એમએસઇએફસીની પ્રાદેશિક કાઉન્સીલનું ગઠન થયા બાદ આ બીજા સત્રમાં પણ વેપારીઓ, ઉદ્યમીઓના તેમના બિલોના ચૂકવણીના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું છે.
વિવિધ પ્રતિનિધીઓ હાજર રહ્યા
માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ ફેસિલેશન કાઉન્સીલના અધ્યક્ષ તરીકે નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિ ઉપરાંત સભ્ય તરીકે જિલ્લા સરકારી વકીલ, લીડ બેંક મેનેજર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર, ઉદ્યોગ મંડળના પ્રતિનિધિનો સમાવેશ થયો છે.
અગાઉ ૭૭ કેસોમાં સમાધાન કરાવાયું
આ કાઉન્સીલ દ્વારા લઘુ અને સુક્ષ્મ ઉદ્યોગકારો તેમના બિલોના ચૂકવણીના પરસ્પરના વિવાદોની સુનાવણી કરી ન્યાયસંગત નિર્ણય લેવામાં આવે છે. આ પૂર્વેની કાઉન્સીલની સુનાવણીમાં કુલ ૧૨૨ કેસો પૈકી ૭૭ કેસોમાં સમાધાન કરાવી રૂ. ૩.૪૫ કરોડના નાણાંકીય વિવાદોનો અંત લાવવામાં આવ્યો હતો.
નોટિસ બાદ જો પ્રતિવાદી હાજર ના રહે તો એક પક્ષે નિર્ણય
ડો. પ્રજાપતિની અધ્યક્ષતામાં મળેલી બીજા સત્રમાં કુલ ૭૬ કેસોની સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને તેમાં ૨૪ કેસોમાં સુલેહ થઇ હતી. માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ ફેસિલેશન કાઉન્સીલની નોટિસ બાદ જો પ્રતિવાદી હાજર ના રહે તો એક પક્ષે નિર્ણય લેવામાં આવે છે.
જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, નર્મદા ભવનનો સંપર્ક કરો
વડોદરાની કાઉન્સીલનું કાર્યક્ષેત્ર વડોદરા, આણંદ, છોટાઉદેપુર, દાહોદ, નર્મદા, પંચમહાલ અને મહિસાગર એમ સાત જિલ્લાઓ છે. સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગકારોને તેમને તેમના ગ્રાહકો દ્વારા નાણાંની વિલંબિત ચૂકવણી અંગે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, નર્મદા ભવન, વડોદરાનો સંપર્ક કરી શકે છે.
આ પણ વાંચો — VADODARA : ભાજપના કોર્પોરેટરનો TDO વિરૂદ્ધ મોરચો, પોલીસ ફરિયાદ આપી