VADODARA : વડોદરા ગ્રામ્યમાં (VADODARA RURAL) આવતા અંકોડિયામાં હવે તસ્કરો વાહનોમાંથી પેટ્રોલ ચોરી (PETROL THEFT) કરી રહ્યા હોવાના સીસીટીવી સપાટી પર આવ્યા છે. તસ્કરો હાથમાં મોટું પાત્ર લઇને ખાસ કરીને ટુ વ્હીલરોમાંથી પેટ્રોલ ચાંઉ કરી રહ્યા છે. જેને પગલે વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. અને જો આવુંને આવું રહ્યું તો વાહનોની પેટ્રોલ ટાંકીને અલગથી લોક નંખાવીને મારવું પડે તેવા દિવસો આવે તો નવાઇ નહીં.
વાતનું સમર્થન કરતા સીસીટીવી હાલ સપાટી પર આવ્યા
વડોદરા શહેર અને ગ્રામ્યમાં તસ્કરોનો ભય ભારે તરખાટ મચાવી રહ્યો છે. આજે વડોદરામાં તો તસ્કરોને લોકોએ એ હદે ઢોર માર માર્યો કે, એકનું મોત નિપજ્યું છે. અને અન્યને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. તો બીજી તરફ પોલીસ દ્વારા જરૂરી બંદોબસ્ત અને વ્યવસ્થાઓ કરી દેવામાં આવી હોવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. આ વચ્ચે વડોદરા જિલ્લાના અંકોડિયામાં જાન-માલ નહિં પરંતુ પેટ્રોલની ચોરીના કિસ્સાઓ વધી રહ્યા હોય તેવું સપાટી પર આવી રહ્યું છે. અને આ વાતનું સમર્થન કરતા સીસીટીવી હાલ સપાટી પર આવ્યા છે.
તેઓ બિલ્લી પગે કોમ્પલેક્ષના પાર્કિંગમાં આવી રહ્યા છે
સીસીટીવીમાં જોવા મળ્યા અનુસાર, મોડી રાત્રે અજાણ્યા ઇસમો દ્વારા અંકોડિયા-ખાનપુરની અર્બન રેસીડેન્સીમાં પ્રવેશ કરવામાં આવી રહ્યો છે. તેમના હાથમાં પેટ્રોલ ભરવા માટેનુ પાત્ર સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે. તેઓ બિલ્લી પગે કોમ્પલેક્ષના પાર્કિંગમાં આવી રહ્યા છે, અને ખાસ કરીને બાઇકની ઓથે સંતાઇને તેમના હાથમાં રહેલા પાત્રમાં પેટ્રોલ ભરીને તેની ચોરી કરી રહ્યા છે. સીસીટીવીમાં જોવા મળ્યા અનુસાર, આ ઘટના 18 ઓક્ટોબરના રોજ સવારે 3 – 38 કલાકની છે.
જમીની હકીકત કંઇ અલગ જ હોવાનું સપાટી પર આવ્યું
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેર અને ગ્રામ્ય પોલીસ દ્વારા ગમે તેટલા દાવાઓ કરવામાં આવતા હોય. પરંતુ જમીની હકીકત કંઇ અલગ જ હોવાનું સપાટી પર આવી રહ્યું છે. હવે આ મામલે લોકોનો વિશ્વાસ જીતવા માટે પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. જો તેમ નહીં થાય ત્યાં સુધી આ વિસ્તારના લોકો ભયના ઓથાર હેઠળ જીવવા મજબુર બનશે તે નક્કી છે.
આ પણ વાંચો — VADODARA : કથિત જમીન કૌભાંડના આરોપો મુકનાર સામે BJP MLA એ કોર્ટમાં દાવો માંડ્યો