Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

યુક્રેન પર ત્રીપાંખિયા હુમલાની તૈયારી !

08:18 AM Apr 30, 2023 | Vipul Pandya

વિશ્વશાંતિનો સંદેશો લઇને ઉડતા શ્વેત કબૂતરોને હજુ માનવજાતના નક્શા ઉપર એવું કોઇ વૃક્ષ મળ્યું નથી કે જેની ડાળ પર બેસીને તે લાંબી શાંતિનો શ્વાસ અને વિશ્વાસ પામી શકે.

છેલ્લા એક અઠવાડિયા દરમિયાન યુક્રેનને કેન્દ્રમાં રાખીને રશિયા અને અમેરિકાના ( અને બીજા અનેક દેશોના ) રાજનીતિજ્ઞ વિશ્લેષકોના મત અનુસાર 16 ફેબ્રુઆરી કે તેની આસપાસ રશિયા યુક્રેન પર ત્રીપાંખિયો હુમલો કરે તેવી પૂરેપૂરી સંભાવનાઓ દેખાઇ રહી છે.
છેલ્લા એકજ અઠવાડિયામાં અમેરિકન પ્રમુખ જો બાઇડન અને રશિયાના પુતિન વચ્ચે લાંબી ઓનલાઇન ચર્ચાઓ થઇ પણ કોઇ સકારાત્મક પરિણામ મળ્યું નહીં. છેલ્લે છેલ્લે બન્ને દેેશોના વિદેશ મંત્રીઓએ યુઘ્ઘ ટાળવા લગભગ એક કલાક સુઘીની મંત્રણાઓ પછી પણ કોઇ નક્કર પરિણામ મેળવી શકાયું નથી. કદાચ તેનું કારણ બન્ને દેશોનું અક્કડ વલણ જવાબદાર ગણાય છે. અમેરિકાએ આર્થિક પ્રતિબંધો સહિતના બધા જ ભયસ્થાનો માટે તૈયાર રહેવા રશિયાને ચેતવણી આપી છતાં રશિયા સહેજ પણ ટસથી મસ થયું નથી. અમેરિકા સહિત યુરોપના મોટા ભાગના દેશોએ યુક્રેનમાં રહેલા જે તે દેશના નાગરિકો અને રાજદ્રારી પ્રતિનિધીઓને યુક્રેન છોડી દેવા માટે સજાગ કર્યા છે. એજ બતાવે છે કે, મામલો કેટલો ગંભીર છે. યુક્રેનના મામલે ફ્રાંન્સના પ્રમુખ મેક્રોએ પણ મધ્યસ્થી બનીને પુતીન જોડે મંત્રણાઓનો દોર ચલાવ્યો પણ તેનું કોઇ જ પરિણામ આવ્યું નથી. આમ જોવા જઇએ તો અમેરિકાને નાટો સંગઠન સામે બાથ ભીડવાની રશિયાએ પૂરેપૂરી તૈયારી કરી લીધી હોય તેવો રણકો પુતીનના ઉચ્ચારણમાંથી સંભળાય છે. હજુ ચીન ખોંખારીને બોલ્યું નથી, પણ જો એ પણ જોડાઇ જશે તો બીજા વિશ્વયુધ્ધ પછીના એક વધુ ભીષણ યુધ્ધના ભણકારા સાંભળી શકાય છે.