- સતત બે દિવસથી અવિરત વરસાદ થતાં ભાદર-1 ડેમ ઓવરફ્લો
- ડેમ ઓવરફ્લો થતા ડેમનાં 18 દરવાજા 6 ફૂટ ખોલવામાં આવ્યા
- ડેમ નજીકનાં 22 ગામોને તંત્રે એલર્ટ કર્યા, સાથે જ ખાસ અપીલ પણ કરી
રાજકોટ (Rajkot) સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં (Saurashtra) ભાદરવામાં શરૂ થયેલો વરસાદ સતત બે દિવસથી અવિરત વરસી રહ્યો છે. અવિરત વરસાદના પગલે રાજકોટ શહેર અને જિલ્લાના મોટાભાગના તમામ જળાશયોમાં નવા નીરની નોંધપાત્ર આવક થવા પામી છે, જેથી ભાદર ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં પડી રહેલા વરસાદથી સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ભાદર 1 ડેમ પણ ઓવરફ્લો થતા ડેમનાં 18 દરવાજા 6 ફૂટ ખોલવામાં આવ્યા છે.
ભાદર ડેમનાં 18 દરવાજા ખોલવામાં આવ્યા
ભાદર ડેમમાં (Bhadar Dam) સતત પાણી આવક ચાલુ રહેતા હાલ ડેમની સપાટી છલોછલ જોવા મળી છે. જેતપુર (Jetpur) નજીક આવેલ ભાદર-1 ડેમની સપાટી 34 ફૂટે જોવા મળી છે. આ વર્ષે ભાદર ડેમ છલોછલ થતા રાત્રિનાં સમયે તંત્ર દ્વારા ડેમના 5 દરવાજા 1 ફૂટ ખોલી દેવામાં આવ્યા હતા . હાલ ડેમના 18 દરવાજા ખોલવામાં આવ્યા અને 33018 ક્યુસેક પાણી છોડાવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો – Navratri: અંબાલાલની આ આગાહીથી ખેલૈયાઓ…
તંત્રે 22 ગામોને એલર્ટ કર્યાં
ભાદર ડેમમાંથી પાણી છોડવામાં આવતા તંત્ર દ્વારા ભાદર ડેમ નજીક આવેલ ગામ લીલાખા, મસીતાળા, ભંડારિયા, નવાગામ, ખંભાલિડા, જેતપુરનાં મોણપર, ખીરસરા, જેતપુર દેરડી, નવાગઢ રબારિકા, સરધારપુર, પાંચપીપળા, કેરાળી, લુણાગરા, લુણાગરી, વસાવડા, જામકંડોરણાનાં તરાવડા, ઈશ્વરિયા, ધોરાજીનાં વેગડી, ભૂખી, ઉમરકોટ સહિતનાં 22 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને લોકોને ડેમ કે નદી તરફ કામ વગર ન જવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો – Junagadh માં મેઘ તાંડવ! ભારતી આશ્રમ, ભવનાથ તળેટીમાં પૂરની સ્થિતિ, વાહનો તણાયા, ઘરોમાં પાણી ઘૂસ્યા!
સિચાંઈ માટે ભાદર ડેમ આશીર્વાદ સ્વરૂપ
બીજી તરફ જોઈએ તો ભાદર ડેમ ઓવરફ્લો થતાં રાજકોટ (Rajkot) તેમ જ જેતપુરને આવતા ચોમાસા સુધી પીવાનું પાણી આપી શકાશે. જ્યારે, 11 હજાર હેક્ટરમાં રવી પાકને પાણી આપી શકાશે. ઉલ્લેખનીય છે કે ભાદર ભડ ભાદર એવો આ રસાતાળ ડેમ રાજકોટ (Rajkot) ઉપરાંત જેતપુર અને ગોંડલ (Gondal) પંથકમાં પીવાનાં પાણીની જરૂરિયાતની સાથે ખેતી માટે પણ મુખ્ય આધારસ્તંભ છે. ભાદર ડેમ ભૌગોલિક સ્થિતિએ રકાબી આકારે હોય ભૂસ્તરમાંથી પાણીનો પ્રવાહ ડેમ વિસ્તારમાં કેન્દ્રિત થાય છે, જેના લીધે આસપાસની નદીઓ અહીં ડેમમાં ઠલવાતી હોય છે, માટે સિંચાઇમાં પણ ભાદર ડેમ આશીર્વાદરૂપ માનવામાં છે.
અહેવાલ : હર્ષ, જેતપુર
આ પણ વાંચો – Government Job : સરકારી નોકરીની રાહ જોતા યુવાનો માટે સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય