+

ACB Trap : ભ્રષ્ટાચારના નરેશને બચાવવાનો થયો હતો પ્રયાસ, કોણે બનાવ્યો નિષ્ફળ ?

ACB Trap : પ્રોબેશન પિરિયડ (Probation Period) થી જ ભ્રષ્ટાચાર આચરી રહેલાં સરકારી બાબુઓ માટે Gujarat Government એ લીધેલો નિર્ણય એક મોટી ચેતવણી છે. ACB Trap માં સપડાયેલા કલાસ વન…

ACB Trap : પ્રોબેશન પિરિયડ (Probation Period) થી જ ભ્રષ્ટાચાર આચરી રહેલાં સરકારી બાબુઓ માટે Gujarat Government એ લીધેલો નિર્ણય એક મોટી ચેતવણી છે. ACB Trap માં સપડાયેલા કલાસ વન અધિકારી નરેશ જાનીને સરકારે નોકરીમાંથી હાંકી કાઢ્યો છે. નોકરીના અજમાયશી ગાળામાં નરેશ જાની “ભ્રષ્ટાચારનો નરેશ” બની ગયો હતો. એન્ટી કરપ્શન બ્યૂરોએ નોંધેલા લાંચ કેસ (ACB Trap) નો અહેવાલ સંલગ્ન વિભાગને મોકલવામાં આવતા લાંચિયા નરેશની નોકરી બચાવવા તેના જેવા જ ભ્રષ્ટાચારી ઉચ્ચ અધિકારીઓ મેદાનમાં ઉતર્યા હતા. જો કે, એક મોસ્ટ સિનિયર આઈએએસ અધિકારીની દરમિયાનગીરીએ ભ્રષ્ટાચારી ટોળકીના મનસુબા પર પાણી રેડી દીધું છે. લાંચિયા નરેશને બચાવવા કોણે પ્રયાસ કર્યો અને કોણે CM નું સમગ્ર મામલે દોર્યું ધ્યાન. વાંચો આ અહેવાલમાં…

સરકારનો સંદેશ, લાંચિયાઓ સુધરી જાઓ

ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરો (Anti Corruption Bureau) એ નોંધેલા એક લાંચ કેસમાં ગુજરાત સરકારે વર્ગ 1ના અધિકારીની સેવા સમાપ્ત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગત જૂન મહિનામાં વચેટિયા થકી 2 લાખ રૂપિયાની લાંચ લેવાનો કેસ ખાણ ખનિજ વિભાગ (Mines and Minerals Department) ના મદદનીશ નિયામક-ફલાઈંગ સ્કવૉડ સુરત નરેશ જાની (Naresh Jani) સામે નોંધાયો હતો. વચેટિયા કપીલ પ્રજાપતિની ધરપકડ બાદ ફરાર થઈ ગયેલા નરેશકુમાર માવજીભાઇ જાની ગત 29 જુલાઈના રોજ અદાલત સમક્ષ હાજર થતા સુરત એસીબીએ ધરપકડ કરી હતી. લાંચ કેસની તપાસમાં સામે આવેલી બાબતો અંગે એસીબીએ સરકારના સલંગ્ન વિભાગમાં અહેવાલ પાઠવ્યો હતો અને જેના આધાર પર અજમાયશી કલાસ વન અધિકારી નરેશ જાનીની ફરજ સમાપ્ત કરવાનો નિર્ણય લેવાયો છે.

લાંચ માગવાથી લઈને જેલવાસ સુધીનો ઘટનાક્રમ

સુરતના ભાઠા વિસ્તારમાં રોયલ્ટી પરમિટ આધારે રેતી ખનનનું કામ કરતા ધ સૂર્યપુર લેબર્સ એન્ડ વર્ક કૉ.ઑ. સોસાયટીના મેનેજરે એસીબી (ACB Gujarat) ને ફરિયાદ કરી હતી કે, ખાણ-ખનિજ વિભાગના ફલાઈંગ સ્કવૉડના મદદનીશ નિયામક નરેશ જાની અને વચેટિયો કપિલ પ્રજાપતિ ખનનની કામગીરીમાં હેરાન નહીં કરવા પેટે 2 લાખની લાંચ માગે છે. આ ફરિયાદના આધારે ગત 11 જૂનના રોજ સુરત ખાતે 2 લાખની લાંચ સ્વીકારતા કપીલ પરસોત્તમભાઇ પ્રજાપતિ (રહે. સંસ્કાર વિલા સોસાયટી, સરથાણા જકાતનાકા, સુરત) ને એસીબીની ટીમે રંગે હાથ પકડ્યો હતો. ફરાર થઈ ગયેલા નરેશ જાનીએ સેશન્સ કોર્ટ સુરત અને ત્યારબાદ ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) માં આગોતરા જામીન મેળવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને સફળતા મળી ન હતી. આથી નરેશ જાનીએ ગત 29 જુલાઈના રોજ સેશન્સ કોર્ટ સુરત (Sessions Court Surat) ખાતે આત્મસમર્પણ કરતા એસીબી અધિકારીએ તેની વિધિવત ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થયા બાદ નરેશ જાનીને જેલમાં ધકેલી દેવાયો હતો અને હાલમાં તે જેલવાસ ભોગવી રહ્યો છે. અત્રે નોંધનીય છે કે, નરેશ જાનીનો પગાર એક લાખ રૂપિયા કરતાં વધુ હતો.

આ પણ  વાંચો – Corruption : મહિને 1 કરોડનો હપ્તો ઉઘરાવતા ખાણ-ખનિજ વિભાગના અધિકારી ACB ના શરણે

ઉદ્યોગ-ખાણ વિભાગના ભ્રષ્ટ બાબુઓએ ખેલ ખેલ્યો

ભાવનગર શહેર (Bhavnagar City) માં રહેતા નરેશ માવજીભાઇ જાની (મૂળ ગામ ચુડી, તા. તળાજા, ભાવનગર) એ વર્ષ 2020-21માં GPSC દ્વારા લેવાયેલી સ્પર્ધાત્મક પરિક્ષા પાસ કરી હતી. વર્ષ 2022ના માર્ચ મહિનામાં ઉદ્યોગ અને ખાણ વિભાગે (Industries and Mines Department) નરેશ જાનીને મદદનીશ નિયામક-સુરત ખાતે અજમાયશી ધોરણે નિમણૂક આપી હતી. નરેશ જાની લાંચ કેસમાં સપડાતા ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ કમિશનર (Commissioner of Geology and Minerals) થકી સંબંધિત વિગતો ઉદ્યોગ અને ખાણ વિભાગમાં મોકલવામાં આવી હતી. એસીબીનો અહેવાલ (ACB Report) આવતાની સાથે જ નરેશ જાની પાસેથી પ્રસાદી મેળવનારી ભ્રષ્ટાચારી ટોળકીએ ખાતાકીય તપાસ કરાવવાનો નિર્ણય લીધો હતો. ખાતાકીય તપાસના નામે લાંચિયા નરેશને બચાવી લેવાનો તખ્તો ઘડી કાઢ્યો હતો.

આ પણ  વાંચો –હજારો-લાખો કરોડ દેશની બહાર ગયા પછી Money Mule નો પ્રચાર કરતી RBI

મુખ્ય સચિવે ભ્રષ્ટાચારી ટોળકીના ઈરાદા નાકામ કર્યા

ખાતાકીય તપાસ (Departmental Inquiry) ના નામે નરેશ જાનીની નોકરી બચાવવા કરાયેલી કાર્યવાહીની માહિતી મુખ્ય સચિવ રાજકુમાર (Chief Secretary Raj Kumar) ના ધ્યાને આવી હતી. ઉદ્યોગ અને ખાણ વિભાગમાંથી આવેલી ફાઇલ જોતા જ ભ્રષ્ટાચારીઓનો ઈરાદો મુખ્ય સચિવ પામી જતા સમગ્ર મામલો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel CM) ના ધ્યાને મુક્યો હતો. ગુજરાત સરકારે ACB Trap થઈ તે દિવસથી જ નરેશ જાનીની નોકરી સમાપ્ત કરવાનો હુકમ કરી સ્પષ્ટ Warning Message આપ્યો છે.

Whatsapp share
facebook twitter