Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

મહિલા સુરક્ષાના દાવા કેટલા પોકળ ?

10:50 AM Apr 29, 2023 | Vipul Pandya

છોડો મહેંદી ખડક સંભાલો,  ખુદ હી અપના ચીર બચા લો, 
સુનો દ્રોપદી શસ્ત્ર ઉઠા લો, અબ ગોવિંદ ના આયેંગે.. 
કબ તક આસ લગાઓગી તુમ અબ ગોવિંદ ન આયેંગે.. 
સતત ચર્ચાઇ રહેલી ઘટના છે તેના વિષે કરવી છે આજે વાત, સુરતમાં સરાજાહેર જે રીતે યુવતીની હત્યાની ઘટના સામે આવી છે, તે ઘટના માત્ર વિચલીત કરનારી નથી, તે ઘટના આપણી માનવતાના મૂલ્યો સામે પ્રશ્નાર્થ ઉભી કરનારી જ માત્ર નથી,  આ ઘટના ખાલીને ખાલી મહિલાઓની સુરક્ષાની સાચી સ્થિતી વર્ણવતી જ નથી, આ ઘટના માણસજાતની પત્થર થઇ જવાની પરાકાષ્ટા જ માત્ર નથી. આ એ ઘટના છે કે, આ પ્રકારની હિચકારી ઘટનાને કારણે આજે માણસજાત શર્મસાર થઇ છે, આ ઘટનાને કારણે મહિલા સુરક્ષીત હોવાના દાવાની પોકળતા છતી થઇ છે, આ ઘટના  જ તો આજે માણસજાત સંવેદનહીન થયાના ફરીએકવાર પુરાવા આપતી પુરવાર થઇ છે. જાહેરમાં એક 21 વર્ષીય યુવતીની હત્યા કરી દેવામાં આવે, કારણ સામે આવે કે, તે યુવક એકતરફી પ્રેમમાં પાગલ હતો, આ એકતરફી પ્રેમ પણ ન કહી શકાય, આને પ્રેમજ ન કહી શકાય. બીજો મુદ્દો એ છે કે, આ યુવક એક વર્ષથી યુવતીને પરેશાન કરતો હતો અને યુવતીના પરિવારજનો તે બાબત જાણતા પણ હતા, તો પછી પરિવારજનોએ કેમ આખા મામલાને ગંભીરતાથી ન લીધો? ત્રીજો મહત્વનો અને વેધક સવાલ એ બને છે કે, મહિલા સુરક્ષાના દાવા કરતું તંત્ર આમાં સાવ ખોટુ પુરવાર થઇ રહ્યું છે ને? ચોથો મુદ્દો એ બને છે કે આપણે કેવા પત્થર બની ગયા છીએ કે આ પ્રકારની હિચકારી ઘટનાને અંજામ અપાઇ રહ્યો હોય અને લોકો તેને રોકવાના પ્રયત્ન કરવાને બદલે તેનો વીડિયો બનાવતા રહે.                                                                               જે આંકડાઓ સામે આવે છે સ્ત્રી અત્યાચારના એ આંકડા તો પોલીસ ચોપડે નોંધાતા માત્ર આંકડા છે. એવી કેટલીય અત્યાચારની ઘટનાઓ બનતી હશે જે પોલીસ સ્ટેશન સુધી પહોંચતી જ નહીં હોય. એવી કેટલીએ ચીસો હશે જે ઘરની ચાર દિવાલોની વચ્ચે નીકળીને ત્યાં જ દફન થઇ જતી હશે? 
જે નોંધાયેલા આંકડા સામે આવે છે તે પણ ખુબ ચોંકાવનારા છે જ વળી, 
  • ભારતમાં દર 16 મિનિટે એક બળાત્કારની ઘટના બને છે.
  • દેશમાં દર 26 મિનિટે એક મહિલા આત્મહત્યા કરે છે.
  • ભારતમાં દર મહિને સરેરાશ બળાત્કારના 2 હજાર 713 કિસ્સા સામે આવે છે.
આ તો થઇ આખા દેશની સ્થિતિ, પણ મહિલા અત્યાચારમાં રાજ્યની સ્થિતી પણ બદતર જ જોવા મળી રહી છે. આ જે આંકડા છે તે રાજ્યની ચિંતાજનક પરિસ્થિતી વર્ણવવા માટે પૂરતા છે. આ જે આંકડા છે તે વર્ષ 2020ના છે. તે પણ આ આંકડા સરકારે સંસદમાં રજૂ કર્યા છે. 
  • ગુજરાતમાં દરરોજ 3 કિશોરીઓ બળાત્કારનો ભોગ બને છે.
  • 2016 થી 2018 સુધીમાં 3 હજાર 743 કિશોરીઓ બળાત્કારનો ભોગ બની હતી. 
આપણે સુરક્ષિત ગુજરાતના દાવા કરીએ છીએ પણ વાસ્તવિકતા તો સાવ વિપરીત જ છે. મહિલાને દેવીનું સ્વરૂપ માનનારા આપણે કેટલા દંભી છીએ તે તો આ પ્રકારની સામે આવતી ઘટનાઓ જ આપણને અરીસો બતાવી દેવા પૂરતી છે. 
છેલ્લા કેટલાક દિવસોમાં જ ગુજરાતમાં જે વિવિધ ઘટનાઓ સામે આવી જે મહિલા અત્યાચાર સાથે જોડાયેલી હતી તે આજે આપને જણાવીએ, તમે જ કહો કે શું ગુજરાત સુરક્ષિત છે?  શું ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે?  
વડોદરા, પાદરા
પોતાની સગી દિકરી પાસે એક પિતા તેની સાસરી પક્ષ પાસેથી રૂપિયા મંગાવતો હતો અને તે રૂપિયા ન લાવતા પોતાની સગી દિકરીને બાંધી રાખીને એક બાપ ટોર્ચર કરતો હતો, તેવી હિચકારી ઘટના સામે આવી હતી.                              
અમદાવાદ
અમદાવાદમાં આયેશા નામની એક યુવતીએ આત્મહત્યા કરી હતી, અને તેની આત્મહત્યા પાછળ તેના પતિના આડા સંબંધ જવાબદાર હતા. વળી આયેશાનો પતિ તેના પર દહેજ માટે ત્રાસ પણ ગુજારતો હતો, તેથી કંટાળીને આયેશાએ પોતાનું જીવન ટુંકાવી દીધું હતુ.
આણંદ
આણંદમાં એક પિતાની હેવાનિયતનો કિસ્સો સામે આવ્યો હતો. એક પિતાએ તેની સગી દિકરીને સજા આપવા માટે ચોથા માળેથી નીચે ઉલટી લટકાવી હતી. 
બનાસકાંઠા, દાંતીવાડા
એક મુકબધીર કિશોરી સાથે બનાસકાંઠામાં દુષ્કર્મ કરવામાં આવ્યું હતું અને તેની સાથે બર્બરતા કરવામાં આવી હતી. તેના પર દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા નીપજાવવામાં આવી હતી અને તેનું માથું પણ વાઢી નાખવામાં આવ્યું હતુ.
કચ્છ 
કચ્છના નાયબ મામલતદારનો દિકરો એક કિશોરીની સતત પજવણી કરતો હતો, પરિવારે પોલીસમાં ફરિયાદ કરવાનો પ્રયાસ કર્યો પણ તેમની ફરિયાદ પણ ન લેવામાં આવી. છાકટા યુવકે કિશોરી પર દુષ્કર્મ પણ આચર્યું હતુ અને અંતે તે કિશોરીએ કંટાળીને ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. 
સાયલા
મેલડી માતાજીના મંદિરનો ભૂવો મહિલાઓ પર ત્રાસ ગુજારતો હતો અને મહિલાઓ પાસેથી રૂપિયા પણ ઉઘરાવતો હતો. 
અમદાવાદ, ગોમતીપુર
અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં સાસરિયાએ ભેગા મળી પરિણીતાની હત્યા કરી દેવાની ઘટના સામે આવી હતી. પોલીસ પૂછપરછમાં તેઓએ કારણ આપ્યું હતું કે પરિણીતાના પેટમાં તેના પતિનું બાળક નહોતું. આમ શંકાના આધારે આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. 
વડોદરા
વડોદરાના નવલખી મેદાનમાં એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી હતી તે આજે પણ લોકો ભૂલી શક્યા નથી.
ગાંધીનગર, સાંતેજ
એક સિરીયલ કિલર ઝડપાયો હતો, તે નાની બાળકીઓને ટારગેટ કરતો. 6 વર્ષની અને 3 વર્ષની નાની બાળકીઓને તેણે તેની હવસનો શિકાર બનાવી હતી. આરોપીની પત્નીને 8 માસનો ગર્ભ હતો તેથી તે અન્યત્ર તેની શારીરીક ભૂખ સંતોષતો તેવી વાહિયાત હકીકત પણ સામે આવી હતી. 
સુરત, પાંડેસરા
10 વર્ષની એક માસૂમ બાળકી સાથે દુષ્કર્મ અને ત્યારબાદ તેની હત્યાની ઘટના સામે આવી હતી. 
વડોદરા
પ્રેરણા દુષ્કર્મ કેસ વડોદરામાં ચર્ચાસ્પદ બન્યો હતો. યુવતીનો ટ્રેનમાં લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો અને હજી તેના ગુનેગારો પોલીસની પકડથી દૂર છે. 
આ બધી ઘટનાઓ સૂચવે છે કે, દેશ કેટલી ખરાબ પરિસ્થીતીમાં છે. દાવા અને સત્યતા વચ્ચેની જે ખાઇ છે તે ખુબ મોટી છે, અને જો પ્રતિબધ્ધતાથી તેના માટે કાર્યવાહી નહીં કરવામાં આવે તો સ્થિતી વધુને વધુ બદતર બનશે તે પણ નક્કી છે..