Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

જામનગરમાં ધારાસભ્ય હકુભા જાડેજા આયોજીત ભાગવત સપ્તાહમાં મુખ્યમંત્રીએ હાજરી આપી

11:04 PM Apr 14, 2023 | Vipul Pandya

શહેરમાં ભાજપ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા આયોજીત ભાગવત સપ્તાહનો આજે સાતમો દિવસ છે. રમેશ ઓઝાના મુખેથી ચાલી રહેલી આ ભાગવત સપ્તાહમાં અનેક દિગ્ગજો પણ તબક્કાવાર હાજર આપી હતી. આ ધાર્મિક પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ હાજરી આપી હતી.
મુખ્યમંત્રીએ ભાગવત કથામાં અનાથ બાળકો, ગંગા સ્વરૂપા બહેનો, દલિત સમાજ, દેશની રક્ષા કાજે શહિદ થયેલ સૈનિકોના પરિવારજનો, દિવ્યાંગ તથા પ્રજ્ઞાચક્ષુઓ તેમજ વૃધ્ધાશ્રમના વૃધ્ધો દ્વારા થઇ રહેલી  આરતી  સમાજના વિવિધ વર્ગોને એક તાંતણે જોડવાનું કામ કરે છે તેમ જણાવી તેની સરાહના કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, શ્રીમદ ભાગવત કથા પારાયણ જેવા ધાર્મિક આયોજનો જીવન વ્યવહારમાં માનવીના માનસિક ઉકળાટને શાંતિ પ્રદાન કરવાનું કાર્ય કરે છે. કથાના માધ્યમથી જીવનમાં આવતી મુશ્કેલીઓમાંથી કઈ રીતે બહાર આવી શકાય તેનું વ્યક્તિને માર્ગદર્શન પ્રાપ્ત થાય છે.
મુખ્યમંત્રીએ ઉપસ્થિત ભક્તજનોને સંબોધતા જણાવ્યું હતું કે, સરકાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ છેવાડાના માનવી સુધી દરેક યોજનાઓ કઈ રીતે પહોંચે તે માટે સતત પ્રયત્નશીલ છે.  સરકાર પ્રજાની સાથે રહી નાનામાં નાની મુશ્કેલીમાં પણ હરહંમેશ મદદરૂપ થવા તૈયાર છે. રાજ્યના પ્રત્યેક નાગરિકોને શિક્ષણ, આરોગ્ય, પાણી, મકાન જેવી પાયાની સુવિધાઓ પૂરી પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે એમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. તેમજ આંગણે ભાગવત સપ્તાહના સુંદર આયોજન બદલ ધારાસભ્ય  ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. 
મુખ્યમંત્રીએ વ્યાસપીઠ પર બિરાજેલ પૂજ્ય રમેશભાઇ ઓઝા પાસેથી આશીર્વચન ગ્રહણ કર્યા હતા તેમજ સ્થાનિક આગેવાનો તથા આયોજકોએ મુખ્યમંત્રીનુ પુષ્પગુચ્છ તથા સ્મૃતિચિન્હ એનાયત કરીને સન્માન કર્યું હતું.મુખ્યમંત્રીની મુલાકાત દરમિયાન જૂનાગઢ ગૌરક્ષા આશ્રમના મહંત પૂજ્ય શેરનાથજી બાપુ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, રાજ્યના કેબિનેટ મંત્રી  રાઘવજીભાઈ પટેલ,  અર્જુનસિંહ ચૌહાણ,  પ્રદીપભાઈ પરમાર, પૂર્વ મંત્રી જયેશભાઈ રાદડીયા, પૂર્વ સાંસદ  વલ્લભભાઈ કથિરીયા, ધારાસભ્ય આર.સી. ફળદુ,  શૈલેષભાઈ પરમાર, મેયર  બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશી ચનિયારા, જિલ્લા કલેકટર  ડો.સૌરભ પારઘી, મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી  મિહિર પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક  પ્રેમસુખ ડેલુ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મૂંગરા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા સહિતના વહીવટી તંત્રના અધિકારી કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં સંતો મહંતો અને ભાવિકો ઉપસ્થિત રહ્યાં હતાં.