+

Paris Olympic 2024 : હોકીને અલવિદા… ગોલકીપર શ્રીજેશની મહાન કારકિર્દીનો અંત

શ્રીજેશની ગોલકીપિંગનો અંતિમ મંચ ભારતીય હોકીના શ્રેષ્ઠ ગોલકીપર શ્રીજેશે લીધી નિવૃત્તિ પેરિસમાં બ્રોન્ઝ જીત્યા પછી શ્રીજેશનો હોકીથી વિદાય Paris Olympic 2024 : ભારતીય હોકી ટીમના અનુભવી ગોલકીપર પી.આર. શ્રીજેશે પેરિસ…
  • શ્રીજેશની ગોલકીપિંગનો અંતિમ મંચ
  • ભારતીય હોકીના શ્રેષ્ઠ ગોલકીપર શ્રીજેશે લીધી નિવૃત્તિ
  • પેરિસમાં બ્રોન્ઝ જીત્યા પછી શ્રીજેશનો હોકીથી વિદાય

Paris Olympic 2024 : ભારતીય હોકી ટીમના અનુભવી ગોલકીપર પી.આર. શ્રીજેશે પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ આંતરરાષ્ટ્રીય હોકીને અલવિદા કહ્યું છે. સ્પેનને 2-1થી હરાવીને ભારતે જીતેલા આ મેડલમાં શ્રીજેશનું યોગદાન ખાસ રહ્યું હતું. તેમના શાનદાર પ્રદર્શન બદલ ભારતીય ટીમના ખેલાડીઓએ શ્રીજેશને ઝુકીને સલામ કરીને તેમનું સન્માન કર્યું હતું.

બ્રોન્ઝ જીત્યા પછી શ્રીજેશની નિવૃત્તિની જાહેરાત

શ્રીજેશની ગોલકીપિંગ ક્ષમતાને કારણે ભારતીય હોકી ટીમ સતત બે ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી છે. અગાઉ ટોક્યો ઓલિમ્પિકમાં પણ તેમના શાનદાર પ્રદર્શનથી ભારતે જર્મનીને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 1980 બાદ આ ભારત માટે પ્રથમ ઓલિમ્પિક મેડલ હતો. 1972 પછી આ પ્રથમ વખત હતું જ્યારે ભારતીય હોકી ટીમે ઓલિમ્પિકમાં સતત બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. હવે પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતના નામે કુલ 4 મેડલ છે, જેમાં શૂટિંગમાં 3 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. કેરળના એર્નાકુલમમાં જન્મેલા શ્રીજેશે 2006ની દક્ષિણ એશિયન ગેમ્સમાં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું અને ત્યારથી તે ભારતીય ગોલ પોસ્ટની મજબૂત દિવાલ બનીને રહ્યા હતા.

શ્રીજેશની શાનદાર કારકિર્દીનો વિજયી અંત

તેમણે તેમની સમગ્ર કારકિર્દીમાં 300 થી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમી અને ભારતીય ટીમ સાથે બે વખત એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો. શ્રીજેશ ભારત માટે 4 ઓલિમ્પિક રમતો રમ્યો (લંડન 2012, રિયો 2016, ટોક્યો 2020 અને પેરિસ 2024) જેમાં તેણે બે વખત બ્રોન્ઝ જીત્યો. સતત બે વર્ષ માટે FIH શ્રેષ્ઠ ગોલકીપર રહેલા શ્રીજેશને 2021માં મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ સિવાય તે ત્રણ વખત ભારતના શ્રેષ્ઠ ગોલકીપર ઓફ ધ યરનો એવોર્ડ જીતવામાં સફળ રહ્યો હતો. પદ્મશ્રી અને અર્જુન પુરસ્કાર વિજેતા શ્રીજેશની નિવૃત્તિ બાદ ભારતીય હોકી ટીમ ઘણા વર્ષો સુધી એક મહાન ગોલકીપરની ખોટ અનુભવશે.

પી.આર. શ્રીજેશની કેટલીક મહત્વપૂર્ણ સિદ્ધિઓ:

FIH શ્રેષ્ઠ ગોલકીપર ઓફ ધ યર: 2020-21, 2021-22
હોકી ઈન્ડિયા બલજીત સિંહ એવોર્ડ ફોર ગોલકીપર ઓફ ધ યર: 2014, 2021 અને 2023
મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર: 2021
પદ્મશ્રી એવોર્ડ: 2017
અર્જુન એવોર્ડ: 2015

ઉલ્લેખનીય છે કે, શ્રીજેશની નિવૃત્તિ ભારતીય હોકી માટે એક નવો અધ્યાય ખોલે છે. તેમણે ભારતીય હોકીને નવી ઊંચાઈઓ પર પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે.

આ પણ વાંચો:  Paris Olympic 2024 : હોકીમાં ભારતનો સુવર્ણ યુગ પાછો ફર્યો, 50 વર્ષ પછી જીત્યો બેક ટુ બેક ઓલિમ્પિક મેડલ

Whatsapp share
facebook twitter