Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

જગન્નાથ મંદિરની સુરક્ષામાં લગાવાયા ખાસ કેમેરા, માત્ર 9 સેકન્ડમાં ગુનેગારોને પારખી કરાશે ધરપકડ

04:15 AM Apr 23, 2023 | Vipul Pandya

ભગવાન શ્રી જગન્નાથની 145મી રથયાત્રાને લઈને અમદાવાદમાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમાં પણ ખાસ કરીને બે વર્ષ બાદ રંગેચંગે રથયાત્રા નિકળવાની હોવાથી શહેર પોલીસે સુરક્ષામાં ચુક ન રહી જાય તેની પણ ખાસ તકેદારી રાખી છે.ભગવાન જગન્નાથનાં મંદિરમાં આવતા તમામ ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રથમવાર જગન્નાથ મંદિરમાં ફેસ ડિટેક્શન કેમેરા લગાવવામાં આવ્યા છે. જેમાં મંદિરમાં પ્રવેશતા જ ગણતરીનાં સેકેન્ડમાં ગુનેગારોની સમગ્ર માહિતી પોલીસના હાથમાં મળી જશે અને જે-તે ગુનેગારને અટકાવી શકાશે. 

 ફેસ ડિટેક્શન કેમેરા મંદિર પરિસરમાં કરશે મોનિટરીંગ
અષાઢી બીજનાં દિવસે ગુજરાતની સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં નીકળતી  હોય તેવામાં તે દિવસે મોટી સંખ્યામાં સાધુ સંતો, કેન્દ્રીય ગૃહમંત્રી, મુખ્યમંત્રી સહિતના નેતાઓ ભગવાનનાં દર્શન કરવા માટે પધારતા હોય છે. પ્રથમવખત શહેર પોલીસે જગન્નાથ મંદિરમાં ફેસ રેકોગ્નાઈઝ કેમેરા ફીટ કર્યા છે. મંદિરનાં પ્રવેશદ્વાર પર તેમજ અંદર અલગ અલગ જગ્યાએ આ કેમેરાનાં ઉપયોગથી ભક્તોની ભીડ વચ્ચે કોઈ પણ ગુનેગાર મંદિરમાં પ્રવેશવાનો પ્રયત્ન કરશે તો માત્ર 9 સેકન્ડમાં તેની ઓળખ પોલીસને થઈ જશે અને તેને ઝડપી પોલીસ કાયદો અને વ્યવસ્થાની સ્થિતીને કાબૂમાં રાખશે.

ગુજરાતનાં 50 હજારથી વધુ ગુનેગારોનો પોલીસ પાસે રેકોર્ડ
મહત્વનું છે કે રથયાત્રાની સુરક્ષા માટે આ વખતે ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરાયો છે. સીસીટીવી કેમેરા,પેરા મોટર, બોડી વોર્ન કેમેરા, ટેઝર ગન અને સાથે સાથે આ ફેસ ડિટેક્શન કેમેરા. મંદિરમાં જ આ કેમેરાનો કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે.આ કેમેરાથી એક સાથે અનેક લોકોનાં ચહેરા ઓળખી શકવાની ક્ષમતા હોવાથી પોલીસ માટે પણ ખૂબ સરળ રહેશે.મહત્વનું છે કે પોલીસે ગુજરાતનાં 50 હજારથી વધુ ગુનેગારોનો ડેટા તર્કશ એપ્લીકેશનમાં સેવ કર્યો છે. અને આ કેમેરાનો સર્વર રૂમ સીધે તેની સાથે જોડાયેલો હોવાથી કોઈ પણ ગુનેગાર મંદિરમાં કેમેરામાં કેદ થતા તરત જ કંટ્રોલરૂમમાં તેના તમામ રેકોર્ડ પોલીસની હાથમા આવી જશે.
શ્રધ્ધાળુઓ વચ્ચે ગુનેગારો ન ઘૂસે તે હેતુ
 રથયાત્રાનાં બંદોબસ્તમાં આ વખતે સૈૌથી વધુ 25 હજાર જેટલા પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.તેવામાં આ ચહેરા ઓળખી શકતા કેમેરાથી પોલીસની કામગીરી સરળ બની જશે અને લુખ્ખા તત્વોને પણ શ્રધ્ધાળુઓથી દૂર કરી શકાશે.