Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રિચા ઘોષ વનડેમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનારી ભારતીય મહિલા ખેલાડી બની

03:58 PM Apr 28, 2023 | Vipul Pandya

ભારતની પુરુષ ક્રિકેટ ટીમ હાલમાં ફૂલ ફોર્મમાં દેખાઇ રહી છે. ત્યારે આપણી મહિલા ટીમ પણ ક્યા પાછી રહેવાની છે. જણાવી દઇએ કે, ન્યૂઝીલેન્ડ સામે રમાઈ રહેલી ODI સીરિઝમાં ભારતીય મહિલા ક્રિકેટર રિચા ઘોષે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં વિકેટકીપરની જવાબદારી નિભાવનારી 18 વર્ષની રિચા વનડેમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનારી ભારતીય મહિલા ખેલાડી બની ગઈ છે. ન્યૂઝીલેન્ડ સામે રમાઈ રહેલી ચોથી ODI મેચ દરમિયાન રિચાએ આ રેકોર્ડ બનાવ્યો.
રિચાએ જોરદાર બેટિંગ કરી અને માત્ર 26 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. રિચાએ ભારતીય મહિલા ખેલાડી વેદા કૃષ્ણમૂર્તિનો રેકોર્ડ તોડ્યો છે, જેણે 32 બોલમાં પોતાની શાનદાર અડધી સદી પૂરી કરી હતી. જોકે, રિચાની જોરદાર બેટિંગ છતાં ભારતીય ટીમ આ મેચમાં હાર ટાળી શકી નથી. ન્યૂઝીલેન્ડની ટીમે આ મેચ 63 રને જીતી લીધી હતી. આ સાથે ન્યૂઝીલેન્ડે ભારત સામે 4-0ની લીડ મેળવી લીધી છે.
રિચાએ મેદાન પર ઉતરતાની સાથે જ ન્યૂઝીલેન્ડના બોલરોનું મનોબળ તોડવાનું શરૂ કરી દીધું છે. તેણે મેદાનની ચારે બાજુ દમદાર શોર્ટ્સ રમ્યા હતા. તેણે 4 ચોક્કા અને 4 છક્કા ફટકારીને ન્યૂઝીલેન્ડના બોલરોને બેક ફૂટ પર ધકેલી દીધા હતા. આ ઝડપી બેટિંગના કારણે તે માત્ર 26 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરવામાં સફળ રહી. જોકે, પોતાની અડધી સદી પૂરી કર્યા બાદ તે વધુ સમય સુધી પિચ પર ટકી શકી નહોતી. તે ન્યૂઝીલેન્ડના બોલર જેન્સને એમેલિયાના હાથે કેચ આઉટ થઇ હતી.

ઉલ્લેખનીય છે કે, ચોથી વનડે મેચ વરસાદના કારણે 20-20 ઓવરમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને આવી સ્થિતિમાં ન્યૂઝીલેન્ડની મહિલા ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 191 રન બનાવ્યા હતા. વ્હાઈટ ફર્ન્સ તરફથી એમિલિયા કેરે 33 બોલમાં 68 રન બનાવ્યા, જ્યારે સુઝી બેટ્સના બેટમાંથી 26 બોલમાં 41 રન આવ્યા હતા. 32-32 રન સોફી ડિવાઇન અને એમી સૈથર્ટવેટે બનાવ્યા હતા.