+

WORLD CUP 2023 : ક્રિકેટના મહાયુદ્ધમાં પાકિસ્તાન સામે ભારતનો 7 વિકેટે ભવ્ય વિજય

  ભારત અને પાકિસ્તાન જ્યારે પણ વર્લ્ડ કપમાં ટકરાય છે ત્યારે ફક્ત બે દેશના જ નહીં પરંતુ વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓની નજર આ મહા-મુકાબલા ઉપર હોય છે.  અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં…

 

ભારત અને પાકિસ્તાન જ્યારે પણ વર્લ્ડ કપમાં ટકરાય છે ત્યારે ફક્ત બે દેશના જ નહીં પરંતુ વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓની નજર આ મહા-મુકાબલા ઉપર હોય છે.  અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે વર્લ્ડ કપ 2023ની બારમી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. જેમાં ભારતે 7 વિકેટે શાનદાર જીત મેળવીને ઇતિહાસ સર્જ્યો છે. કરોડો ફેન્સની સાથે ઘણા દિગ્ગજ પણ આ મેચની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને નિહાળવા માટે વિશ્વભરમાંથી લાખો ફેન્સ પોતાની મનપસંદ ટીમને સપોર્ટ કરવા માટે પહોંચ્યા હતા. આ ધમાકેદાર જીતની સાથે જ ફેન્સમાં ભારતના વર્લ્ડ કપ જીતવા માટેની આશાએ વેગ પકડ્યો છે.

 

આરંભ હે પ્રચંડ ; ટોસ જીતીને ભારતે મહેમાનોને બેટિંગ માટે કર્યા હતા આમંત્રિત 

ભારતીય ટીમના કપ્તાન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગની પસંદગી કરી હતી. પાકિસ્તાન પહેલા બેટિંગ માટે ઉતર્યું હતું ત્યારે મોહમ્મદ શફીકને ફક્ત 20 રન જેવા નજીવા સ્કોર ઉપર આઉટ કરીને ભારતને પહેલી સફળતા મોહમ્મદ સીરાજે અપાવી હતી. ત્યાર બાદ પાકિસ્તાનના બેટ્સમેન લાંબી પાર્ટનરશીપ બનાવવામાં અસફળ નીવડ્યા હતા. પહેલી વિકેટ બાદ ભારતને બીજી વિકેટ ઇમામુલ હકના સ્વરૂપમાં હાર્દિક પંડ્યા એ અપાવી હતી.

પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ પણ લાંબી ઇનિંગ રમી શક્યા નહિ અને 30 મી ઓવરમાં તે પણ મોહમ્મદ સિરાજનો શિકાર બન્યા હતા. બાબરના આઉટ થયા બાદ પાકિસ્તાન ટીમના ક્રિકેટ ફેન્સની આશા ફક્ત મોહમ્મદ રિઝવાન ઉપર જ નભેલી હતી. પરંતુ 30 મી ઓવર બાદ તો પાકિસ્તાન એક બાદ એક વિકેટ ગુમાવતુ રહ્યું હતું. 

 

મિડલ ઓવરમાં ખોરવાયું પાકિસ્તાન, 42.5 ઓવરમાં જ થઈ ગયા ઓલ આઉટ 

ભારતના ચાઇનામેન બોલર કુલદીપ યાદવે તો પાકિસ્તાનના મિડલ ઓર્ડરની કમર જ તોડી નાખી હતી. કુલદીપે એક જ ઓવરમાં પાકિસ્તાનના બે બેટ્સમેન શકીલ અને પાવર હિટર અહેમદને આઉટ કરીને પાકિસ્તાનના ડ્રેસિંગ રૂમમાં હડકંપ મચાવી દિધો હતો. એક સમયે પાકિસ્તાનનો સ્કોર 155-3 હતો પરંતુ ત્યાર બાદ કોઈ પણ પાકિસ્તાની બેટ્સમેન પીચ ઉપર લાંબો સમય ટકી શક્યા હતા નહિ. મિડલ ઓર્ડરના અસફળ થયા બાદ પાકિસ્તાનનું લોઅર મિડલ ઓર્ડર પણ કંઈ ખાસ કમાલ દેખાડી શક્યું નહીં. પાકિસ્તાન ભારત સામે આ મહા મુકાબલામાં માંડ માંડ 191 સુધી જ પહોંચી શક્યું હતું. 

અમદાવાદના મેદાન ઉપર ગુજરાતી બોલર્સનો જલવો ; જાડેજા , બુમરાહ અને પંડ્યાએ ઝડપી ૬ વિકેટસ્ 

ભારતના બોલિંગ એટેકે આ મેચમાં અદ્ભુત પરફોર્મન્સ દેખાડ્યું હતું. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ અને હાર્દિક પંડ્યા – આ દરેક બોલરે 2-2 વિકેટ ઝડપીને પાકિસ્તાનની પારીને 200 થી પણ નીચે રોકવામાં પોતાનું યોગદાન આપ્યું હતું. 

 

T-20 અંદાજમાં ભારતે કરી લક્ષ્યના પીછો કરવાની શુરુઆત 

ભારતના કપ્તાન રોહીત શર્માએ શાહીન આફ્રિદીના ઈનીંગના પહેલા જ બોલ પર ચોક્કો મારીને જ જતાવી દીધું હતું કે ભારત આ મેચમાં કોઈ પણ રીતે પાકિસ્તાનને  જીતની ઉમ્મીદ આપવા માંગતું નથી. પ્રિન્સ શુભમન ગિલ પણ ક્યાં પાછળ રહેવાના હતા, બીજી ઓવરમાં જ હસન અલી સામે ૩ ચોગ્ગા ફટકારી ગિલે વર્લ્ડ કપમાં પોતાના આગમનનો પરચો દેખાડ્યો હતો, પરંતુ ત્રીજી ઓવરમાં ગિલે તેના U-19ના સમયના જૂના રાયવલ શાહીન આફ્રિદીના ઓવરમાં પોતાની વિકેટ ગુમાવી હતી.

 

મીસ હિટ શોટ લગાવી વિરાટ કોહલીએ ગુમાવી વિકેટ 

રોહિત શર્માએ પહેલી વિકેટ બાદ પણ ચોગ્ગા અને છગ્ગા ફટકારીને સ્કોર બોર્ડને ઝડપથી ચલાવવાનું ચાલુ રાખ્યું હતું. રોહિત અને કોહલી વચ્ચે ૫૦ રનની સોલીડ પાર્ટનરશીપ થઈ હતી, જેને ભારતની જીતને લગભગ નિશ્વિત કરી દીધી હતી. પરંતુ ભારત પાકિસ્તાનની મેચ હોય અને ટ્વીસ્ટ ન આવે એવું બને ? દસમી ઓવરમાં વિરાટ કોહલી હસન અલીની ઓવરમાં એક મીસ હિટ શોટ મારીને 16 રને આઉટ થયા હતા. 

 

રોહિત શર્માએ ફટકારી છગ્ગાની ત્રેવડી સદી, સદીથી ફક્ત 14 રન રહ્યા દુર 

વિરાટ કોહલીના વિકેટ બાદ રોહિત શર્માએ ધૂઆંધાર બેટિંગ ચાલુ જ રાખી હતી. વર્લ્ડ કપ દરમિયાન જ રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર ખેલાડી બન્યો હતો. પાકિસ્તાન સામે રોહિતે 6 જોરદાર છગ્ગા મારી ODI ક્રિકેટમાં 300 છગ્ગા પૂરા કરવાનો વિક્રમ સર્જ્યો હતો. શ્રેયસ સાથે મળીને કપ્તાને 77 રનની પાર્ટનરશીપ કરીને ભારતને મજબૂત સ્થિતિમાં લાવીને મૂક્યું હતું. અંતે રોહિત શર્મા એ સદી થી 14 રન દૂર 6 રને પોતાની વિકેટ ગુમાવી હતી. 

બાઉન્ડ્રી ફટકારી મેળવી જીત, પાકિસ્તાન સામે ભારતનો રેકોર્ડ અકબંધ 8-0

ત્યાર બાદ ભારતને જીત સુધી પહોંચાડવાનું કામ શ્રેયસ ઐયર અને કે એલ રાહુલે કર્યું. શ્રેયસ ઐયરે અંતમાં ચોગ્ગો મારીને પોતાની હાફ સેન્ચ્યુરી પૂરી કરી અને સાથે સાથે ભારતને જીત પણ અપાવી.વર્લ્ડ કપમાં આ વિજયની  સાથે જ ભારતે પાકિસ્તાન સામે પોતાનો વર્લ્ડ કપ રેકોર્ડ 8-0 કર્યો છે અને પાકિસ્તાનની જીતની  આશાઓ ઉપર પાણી ફેરવ્યું છે.

Whatsapp share
facebook twitter