+

India vs England 5th Test : પ્રથમ દિવસ ભારતના નામે, અશ્વિન-કુલદીપ બાદ રોહિત-યશસ્વીએ મચાવ્યું ગદર

India vs England 5th Test : ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની અંતિમ મેચ ધર્મશાલા (Dharamshala) માં રમાઈ રહી છે, જેનો પ્રથમ દિવસ ભારતના નામે…

India vs England 5th Test : ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની અંતિમ મેચ ધર્મશાલા (Dharamshala) માં રમાઈ રહી છે, જેનો પ્રથમ દિવસ ભારતના નામે રહ્યો હતો. જીહા, ટીમ ઈન્ડિયા (Team India) એ પહેલા દિવસે બોલથી અને બાદમાં બેટથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. જણાવી દઇએ કે, ઈંગ્લેન્ડની ટીમે 5મી ટેસ્ટ મેચમાં ટોસ (Toss) જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે તેમના માટે ભારે સાબિત થયો હતો. ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ ઇનિંગ (First Innings) માં માત્ર 218 રન જ બનાવીને ઓલ આઉટ (All Out) થઇ ગઇ હતી. જેના જવાબમાં પ્રથમ દિવસના અંત સુધી ભારતે 1 વિકેટ ગુમાવીને 135 રન બનાવી લીધા છે.

5 મી ટેસ્ટ મેચનો પહેલો દિવસ ભારતના નામે રહ્યો

ટીમ ઈન્ડિયા (Team India) એ ધર્મશાળામાં ઈંગ્લેન્ડની ટીમને પહેલા જ દિવસે બેકફૂટ પર ધકેલી દીધી છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમને કુલદિપ યાદવ (Kuldip Yadav) અને આર. અશ્વિને (R.Ashvin) ભેગા મળીને કમર તોડી દીધી હતી. જે રીતે ઈંગ્લેન્ડની ટીમ રમી રહી હતી તે જોતા એવું લાગી રહ્યું હતું કે, ટીમ એક મોટા સ્કોર તરફ ઝડપથી આગળ વધી રહી છે. પણ કુલદીપ અને અશ્વિન (Kuldeep and Ashvin) ની સ્પીનમાં ઈંગ્લેન્ડના બેટ્સમેનો એવા ફસાયા કે ટીમ માત્ર 218 રન જ બનાવીને ઓલ આઉટ થઇ ગઇ હતી. જે બાદ પ્રથમ દિવસે સ્ટમ્પ થવાના સમયે ભારતીય ટીમે (Team India) તેની પ્રથમ ઇનિંગમાં એક વિકેટે 135 રન બનાવ્યા હતા. રોહિત શર્મા (Rohit Sharma) 52 અને શુભમન ગિલ  (Subhman Gill) 26 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. ભારત હવે પ્રથમ ઇનિંગના આધારે ઈંગ્લેન્ડ કરતાં માત્ર 83 રન પાછળ છે. પહેલા દિવસે ગુરુવારે ભારતીય ક્રિકેટ ટીમે તેની સ્થિતિ મજબૂત કરી દીધી છે. રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા (Team India) એ શ્રેણીની પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ આગામી ત્રણેય મેચ જીતીને 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે અને હવે યજમાનોની નજર 4-1થી શ્રેણીને સમાપ્ત કરવા પર હશે.

India vs England ની 5મી ટેસ્ટ મેચમાં કુલદીપ યાદવના નામે શાનદાર રેકોર્ડ

પ્રથમ ટેસ્ટના પ્રથમ ઇનિંગમાં કુલદીપ યાદવે કેપ્ટન બેન સ્ટોક્સની વિકેટ લેતાની સાથે જ તે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 50 કે તેથી વધુ વિકેટ લેનાર ભારતનો પહેલો ડાબોડી કાંડાનો સ્પિનર ​​બન્યો છે. એટલે કે કુલદીપ યાદવ ટેસ્ટ, T20 અને ODI ક્રિકેટમાં 50 કે તેથી વધુ વિકેટ લેનારો ભારતનો પ્રથમ બોલર બની ગયો છે. કુલદીપ યાદવ પહેલા કોઈ અન્ય ભારતીય લેફ્ટ આર્મ રિસ્ટ સ્પિનર ​​આ કારનામો કરી શક્યો ન હતો. કુલદીપ યાદવે બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ અને જેક ક્રોલીના રૂપમાં મોટી વિકેટ લીધી હતી. ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સને પાંચમી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ખાતું ખોલવાની તક પણ આપવામાં આવી ન હતી.

100મી ટેસ્ટમાં અશ્વિનનું શાનદાર પ્રદર્શન

રવિચંદ્રન અશ્વિને પોતાની 100 મી ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 ટેસ્ટ મેચની શ્રેણીની અંતિમ મેચની પહેલી ઇનિંગમાં અશ્વિને પોતાના સ્પિનના જાદુથી સૌ કોઇનું મનોરંજન કર્યું હતું. રવિચંદ્રન અશ્વિને ઈંગ્લેન્ડના 4 બેટ્સમેનોને પેવેલિયન મોકલી દીધા હતા. કુલદીપ યાદવ અને રવિચંદ્રન અશ્વિનની જોડીએ મળીને 9 વિકેટ ઝડપી હતી. બંનેએ મળીને ઈંગ્લિશ બેટ્સમેનોને શ્વાસ લેવાનો સમય પણ ન આપ્યો અને એક પછી એક વિકેટો લેતા રહ્યા. જેના કારણે ઈંગ્લેન્ડ પ્રથમ ઇનિંગમાં મોટા સ્કોર તરફ આગળ વધી રહ્યું હતું, પરંતુ અશ્વિન અને કુલદીપ યાદવે સાથે મળીને ઈંગ્લેન્ડનું મોટા સ્કોરનું સપનું ચકનાચૂર કરી દીધું હતું.

યશસ્વી જયસ્વાલે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ

ટેસ્ટ ક્રિકેટમાં યશસ્વી જયસ્વાલના રનની સંખ્યા ત્રણ આંકડાથી વધીને ચાર આંકડા સુધી પહોંચી ગઈ છે. તે ટેસ્ટ ક્રિકેટમાં ઓપનર તરીકે 1000 રન બનાવનાર ખેલાડીઓમાંનો એક બન્યો છે. તે માત્ર 9 ટેસ્ટ મેચમાં ભારત માટે 1000 રનનો આંકડો પાર કરવામાં સફળ રહ્યો છે. તેના કરતા ઓછી ટેસ્ટ મેચોમાં અન્ય કોઈ બેટ્સમેને ભારત માટે 1000 રન પૂરા કર્યા નથી. જયસ્વાલે ચેતેશ્વર પુજારા અને વિનોદ કાંબલીને પણ પાછળ છોડી દીધા છે. પૂજારાએ 11 ટેસ્ટમાં 1000 રન અને વિનોદ કાંબલીએ 12 ટેસ્ટ મેચમાં 1000 રન પૂરા કર્યા હતા. જોકે, ઇનિંગ્સની દૃષ્ટિએ જોવામાં આવે તો વિનોદ કાંબલી યશસ્વી જયસ્વાલ કરતાં આગળ છે. કાંબલીએ 14 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી જ્યારે જયસ્વાલે 16મી ઇનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. આ સાથે જ ચેતેશ્વર પુજારાને 1000 રન કરવા માટે 18 ઇનિંગ્સ સુધી રાહ જોવી પડી હતી.

રોહિત શર્માના નામે મોટો રેકોર્ડ

કેપ્ટન રોહિત શર્મા ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી દરમિયાન શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન તેણે સદી પણ ફટકારી હતી. સિરીઝની પાંચમી મેચ દરમિયાન, રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટન તરીકે પોતાના 1000 રન પૂરા કર્યા હતા. આ સાથે તે એક ખાસ યાદીનો હિસ્સો બની ગયો છે. હવે આ યાદીમાં 6 ખેલાડીઓ છે. આ યાદી એવા ખેલાડીઓની છે જેમણે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન તરીકે 1000 રન બનાવ્યા છે. રોહિત શર્માએ કેપ્ટન તરીકે ત્રણેય ફોર્મેટમાં 1000 રન બનાવ્યા છે. રોહિત શર્મા ઉપરાંત વિરાટ કોહલી, એમએસ ધોની, કેન વિલિયમસન, ફાફ ડુ પ્લેસિસ અને બાબર આઝમે આ સ્થાન હાંસલ કર્યું છે. રોહિત શર્માએ ભારતીય કેપ્ટન તરીકે 114 મેચ રમી છે. જ્યાં તેણે 84 જીત અને 26 હાર નોંધાવી છે. તેણે 2 ડ્રો અને એક અનિર્ણિત મેચમાં પણ ટીમનું નેતૃત્વ કર્યું હતું. ટેસ્ટ ક્રિકેટની વાત કરીએ તો રોહિત શર્માએ કેપ્ટન તરીકે 15 ટેસ્ટ મેચોમાં ભાગ લીધો છે. આ મેચોમાં તેણે 9 માં જીત અને 4 માં હારનો સામનો કરવો પડ્યો છે. રોહિતની જીતની ટકાવારી 69.23 છે. કેપ્ટન તરીકે રોહિત શર્માનો રેકોર્ડ અત્યાર સુધી શાનદાર રહ્યો છે અને જૂન મહિનામાં તે T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની આગેવાની કરતો જોવા મળશે.

ધર્મશાલા ટેસ્ટ માટે ભારતની પ્લેઈંગ-11

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, દેવદત્ત પડિકલ, રવિન્દ્ર જાડેજા, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને જસપ્રિત બુમરાહ.

ધર્મશાલા ટેસ્ટમાં ઈંગ્લેન્ડની પ્લેઈંગ-11

જેક ક્રાઉલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ (કેપ્ટન), બેન ફોક્સ (વિકેટકીપર), ટોમ હાર્ટલી, માર્ક વૂડ, શોએબ બશીર અને જેમ્સ એન્ડરસન.

આ પણ વાંચો – Kane Williamson Run out : ન્યૂઝીલેન્ડના આ ખેલાડીએ 12 વર્ષમાં પહેલીવાર કરી આટલી મોટી ભૂલ, Video

આ પણ વાંચો – શું MS Dhoni નહીં રમે IPL 2024 માં ? જાણો કેમ શરૂ થઇ આ ચર્ચા

આ પણ વાંચો – ICC Test Ranking: ICC માં ટેસ્ટ શ્રેણીના ખેલાડીઓમાં યશસ્વી જયસ્વાલે યાદીમાં ધમાલ મચાવી

Whatsapp share
facebook twitter