+

IND W vs AUS W : ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ઓસ્ટ્રેલિયાએ કર્યા સુપડા સાફ

IND W vs AUS W : ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે રમાયેલી ત્રીજી ODI મેચમાં ભારતીય ટીમનો 190 રનથી પરાજય થયો છે. ઓસ્ટ્રેલિયાએ ભારતીય મહિલા…

IND W vs AUS W : ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે રમાયેલી ત્રીજી ODI મેચમાં ભારતીય ટીમનો 190 રનથી પરાજય થયો છે. ઓસ્ટ્રેલિયાએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના સુપડા સાફ કરી દીધા છે. ટીમ ઈન્ડિયા માટે સફેદ જર્સીમાં છેલ્લા 15 દિવસ શાનદાર રહ્યા. પરંતુ હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની આ ટીમ વાદળી જર્સીમાં આવતાની સાથે જ નબળી જોવા મળી. ઓસ્ટ્રેલિયાએ મંગળવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી વનડેમાં 190 રનથી જીત નોંધાવી છે.

339 રનના જવાબમાં ભારતીય ટીમ 148 રનમાં સમેટાઈ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ઓસ્ટ્રેલિયા (IND W vs AUS W) વિરુદ્ધ કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આજે વાનખેડેમાં રમાયેલી ત્રીજી વનડે મેચમાં ભારતીય ટીમને 190 રને પરાજયનો સ્વાદ ચાંખવો પડ્યો છે. બંને ટીમો વચ્ચેના પ્રવાસની શરૂઆત ટેસ્ટ મેચથી થઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાનો વિજય થયો હતો. પરંતુ ભારતીય મહિલા ટીમને વનડે શ્રેણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને વનડે શ્રેણીમાં 3-0થી હરાવ્યું છે. ઓસ્ટ્રેલિયાએ નિર્ધારિત 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 338 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ઇનિંગ 32.4 ઓવરમાં 148 રનમાં સમેટાઈ ગઇ હતી.

ટીમનું પ્રદર્શન રહ્યું કંગાળ

ભારતના છ ખેલાડીઓ બે આંકડાને સ્પર્શી શક્યા પણ ન હોતા. સ્મૃતિ મંધાનાએ 29 રન અને જેમિમાહ રોડ્રિગ્સે 25 રનનું યોગદાન આપ્યું હતું. દીપ્તિ શર્મા 25 રન બનાવીને અણનમ રહી હતી. કાંગારૂ ટીમ માટે જ્યોર્જિયા વેરહેમે 3 જ્યારે મેગન શુટ, એનાબેલ સધરલેન્ડ અને અલાના કિંગે 2-2 વિકેટ લીધી હતી. વળી ઓસ્ટ્રેલિયા તરફથી ઓપનર ફોબી લિચફિલ્ડે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 125 બોલમાં 16 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 119 રન બનાવ્યા હતા. કેપ્ટન એલિસા હીલીએ 85 બોલમાં 82 રનની ઇનિંગ રમી હતી. તેણે 4 ફોર અને 3 સિક્સર ફટકારી હતી.

ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સમાં બન્યા આ રેકોર્ડ
  • 338 રન એ ભારતીય મહિલા ટીમ સામે ODIમાં કોઈપણ ટીમ દ્વારા બનાવેલ સર્વોચ્ચ સ્કોર છે.
  • ઓસ્ટ્રેલિયાએ પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. આ પહેલા વર્ષ 2018માં તેણે ભારતીય ટીમ સામે 332 રન બનાવ્યા હતા.
  • ઓપનિંગ બેટ્સમેન તરીકે લિચફિલ્ડ અને હીલીએ ભારત સામે ODIમાં સૌથી મોટી ભાગીદારી (189 રન) કરી છે. અગાઉનો રેકોર્ડ દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમની લિઝેલ લી અને લૌરા વોલ્વાર્ડ (169 રન)ના નામે હતો.
હાર બાદ હરમનપ્રીત કૌરે શું કહ્યું?

આ હાર બાદ ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે કહ્યું, ‘મને લાગે છે કે વનડે સીરીઝ સારી ન રહી. અમે અમારું શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કર્યો. કેટલાકે સારું પ્રદર્શન કર્યું અને કેટલાકે હવે વિચારવું પડશે કે તેઓ વધુ સારું કેવી રીતે કરી શકે. જ્યારે આપણે લાલ બોલથી ક્રિકેટ રમીએ છીએ ત્યારે આપણી પાસે ઘણો સમય હોય છે. પરંતુ સફેદ બોલમાં તમારી પાસે એટલો સમય નહીં હોય. અમે ખૂબ મહેનત કરી રહ્યા છીએ પરંતુ હવે અમારે T20 પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.’ હવે બંને ટીમો વચ્ચે 5 થી 9 જાન્યુઆરી દરમિયાન ત્રણ મેચની T20 શ્રેણી રમાશે.

આ પણ વાંચો – David Warner : PAK સાથે ટેસ્ટ મેચ પહેલા વોર્નરની કિંમતી વસ્તુ ખોવાઈ, Video પોસ્ટ કરી કહી આ વાત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter