+

બર્થ ડે બોય કોહલીએ ક્રિકેટના ભગવાનની કરી બરાબરી, વિરાટ ઇનિંગની મદદથી ટીમ ઈન્ડિયાએ બનાવ્યા 326 રન

ICC ODI World Cup 2023 ની 37 મી મેચ આજે કોલકતાના ઈડન ગાર્ડન્સમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમાઈ રહી છે. જેમા ટોસ જીતીને ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરતા દક્ષિણ…

ICC ODI World Cup 2023 ની 37 મી મેચ આજે કોલકતાના ઈડન ગાર્ડન્સમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમાઈ રહી છે. જેમા ટોસ જીતીને ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાને 327 રનનો ટાર્ગેટ આપ્યો છે. મેચમાં બર્થ ડે બોય વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરતા 101 રન બનાવ્યા હતા. મેચમાં વિરાટ અંતિમ બોલ સુધી રમીને ટીમને એક મજબુત સ્થિતિએ પહોંચાડવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી છે.

ટીમ ઈન્ડિયાએ 326 રન બનાવ્યા

વર્લ્ડ કપ 2023ની 37મી મેચ રવિવારે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહી છે. ભારતે દક્ષિણ આફ્રિકા સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા વિરાટ કોહલીની સદીની મદદથી 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 326 રન બનાવ્યા હતા. ભારત માટે વિરાટ કોહલીએ સદી અને શ્રેયસ અય્યરે અડધી સદી ફટકારી છે. બર્થડે બોય વિરાટ કોહલીએ ODIમાં તેની 49મી સદી ફટકારીને ODIમાં સૌથી વધુ સદી (49) ફટકારવાના સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. દક્ષિણ આફ્રિકા માટે શમ્સી અને માર્કરામ સિવાય બધાએ વિકેટ લીધી હતી.

ODI ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેનોની યાદી

 • વિરાટ કોહલી – 49 સદી (277 ઇનિંગ્સ)
 • સચિન તેંડુલકર – 49 સદી (452 ​​ઇનિંગ્સ)
 • રોહિત શર્મા – 31 સદી (259 ઇનિંગ્સ)
 • રિકી પોન્ટિંગ – 30 સદી (365 ઇનિંગ્સ)
 • સનથ જયસૂર્યા – 28 સદી (433 ઇનિંગ્સ)

સચિને તેની છેલ્લી સદી બાંગ્લાદેશ સામે ફટકારી હતી

જણાવી દઈએ કે, ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે મીરપુરમાં બાંગ્લાદેશ વિરૂદ્ધ વન-ડે ઈન્ટરનેશનલની 49મી અને છેલ્લી સદી ફટકારી હતી. સચિન તેંડુલકરે આ ઇનિંગમાં 147 બોલ રમીને 114 રન બનાવ્યા હતા. વળી, વિરાટ કોહલીએ 5 નવેમ્બર, રવિવારે દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી મેચમાં 119 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. જણાવી દઈએ કે વિરાટ કોહલીએ વનડે ક્રિકેટમાં શ્રીલંકા સામે સૌથી વધુ 10 સદી ફટકારી છે.

જે ખેલાડીઓએ પોતાના જન્મદિવસ પર સદી ફટકારી હતી

 • વિનોદ કાંબલી 100* vs ઈંગ્લેન્ડ, જયપુર, 1993 (21મો જન્મદિવસ)
 • સચિન તેંડુલકર 134 vs ઓસ્ટ્રેલિયા, શારજાહ, 1998 (25)
 • સનથ જયસૂર્યા 130 vs ભારત, કરાચી, 2008 (39)
 • રોસ ટેલર 131* vs પાકિસ્તાન, પલ્લેકેલે, 2011 (27)
 • ટોમ લેથમ 140* vs નેધરલેન્ડ, હેમિલ્ટન, 2022 (30)
 • મિશેલ માર્શ 121 vs પાકિસ્તાન, બેંગલુરુ, 2023 (32)
 • વિરાટ કોહલી 100* vs દક્ષિણ આફ્રિકા, કોલકાતા, 2023 (35)

જણાવી દઇએ કે, ન્યૂઝીલેન્ડના રોસ ટેલર, ઓસ્ટ્રેલિયાના મિશેલ માર્શ અને ટીમ ઈન્ડિયાના વિરાટ કોહલીની આ સદી વર્લ્ડ કપમાં આવી છે.

વિરાટ કોહલી માટે ખાસ છે આ સદી

વિરાટ કોહલી માટે આ સદી ઘણા કારણોસર ખાસ છે. એક કારણ એ છે કે તેણે કોલકાતામાં જ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. તેણે 24 ડિસેમ્બર 2009ના રોજ શ્રીલંકા સામે આ ઇનિંગ રમી હતી. તે મેચમાં વિરાટ કોહલીએ 107 રનની ઇનિંગ રમી હતી. વનડેમાં પ્રથમ સદીથી 49મી સદી સુધીની સફર વિરાટ કોહલી માટે ઘણી ખાસ રહી. વિરાટ કોહલી આ વર્લ્ડ કપમાં શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યો છે અને ટીમ ઈન્ડિયા માટે સતત રન બનાવી રહ્યો છે. વિરાટ આ સિઝનમાં ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે.

ટીમ ઈન્ડિયાનું બેટિંગમાં પ્રદર્શન

ભારતે શાનદાર શરૂઆત કરી હતી. રોહિત શર્માએ શુભમન ગિલ સાથે મળીને પ્રથમ વિકેટ માટે 5.5 ઓવરમાં 62 રન જોડ્યા હતા. રોહિત ફિફ્ટી ચૂકી ગયો. તેણે 24 બોલમાં 6 ફોર અને 2 સિક્સરની મદદથી 40 રનની ઇનિંગ રમી હતી. 11મી ઓવરમાં ગિલની ઇનિંગનો અંત આવ્યો. તેને કેશવ મહારાજે બોલ્ડ કર્યો હતો. ગિલે 24 બોલમાં 23 રન બનાવ્યા હતા. તેણે ચાર ફોર અને એક સિક્સર ફટકારી હતી. આ પછી કોહલી અને શ્રેયસ અય્યરે સારી રીતે ચાર્જ સંભાળ્યો. બંનેએ ત્રીજી વિકેટ માટે 134 રનની ભાગીદારી કરી હતી. 37મી ઓવરમાં અય્યર આઉટ થયા બાદ આ ભાગીદારી તૂટી હતી. એનગિડીએ અય્યરને માર્કરમના હાથે કેચ કરાવ્યો હતો. તેણે 87 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 77 રન બનાવ્યા હતા. કેએલ રાહુલ સસ્તામાં પેવેલિયન પરત ફર્યો હતો. રાહુલે 17 બોલમાં 8 રન બનાવ્યા હતા. આ પછી સૂર્યકુમારે 14 બોલમાં 22 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 119 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. જાડેજાએ 15 બોલમાં 29 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી.

આ પણ વાંચો – AUS vs ENG : ઓસ્ટ્રેલિયાએ અમદાવાદમાં જીત મેળવી ઈંગ્લેન્ડને કર્યું ટુર્નામેન્ટથી OUT

આ પણ વાંચો – Happy Birthday Virat Kohli: 35 વર્ષ 35 રેકોર્ડ 35 તસવીરોમાં, જુઓ શા માટે વિરાટ કોહલી છે ક્રિકેટનો બાદશાહ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter