Code of Conduct Rules : ચૂંટણીની તારીખો જાહેર થતાંની સાથે જ સમગ્ર દેશમાં ચૂંટણી પંચની આદર્શ આચારસંહિતા લાગુ થઈ જાય છે. આ નિયમોનું ફરજિયાતપણે પાલન કરવાનું હોય છે. આ નિયમના અમલ પછી, રાજકારણીઓથી લઈને સામાન્ય જનતા સુધી દરેક પર વિવિધ પ્રકારના નિયંત્રણો લાદવામાં આવે છે અને તેનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને દેશભરમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. તો ચાલો જાણીએ કે આચારસંહિતા શું છે?
જાણો આચારસંહિતા શું છે?
ચૂંટણી પંચ દેશમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે કેટલાક નિયમો બનાવે છે. ચૂંટણી પંચે બનાવેલા આ નિયમોને આચારસંહિતા કહેવામાં આવે છે. લોકસભા/વિધાનસભા ચૂંટણી દરમિયાન આ નિયમોનું પાલન કરવાની જવાબદારી સરકાર, નેતાઓ અને રાજકીય પક્ષોની છે. જો તેમાં કોઈ ચૂક થાય તો કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે.
ક્યારથી લાગુ થાય છે આચારસંહિત?
તમને જણાવી દઈએ કે, ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ આચારસંહિતા લાગું થઈ જાય છે. ભારત લોકશાહી પ્રમાણે ચાલતો દેશ. ભારતમાં દર પાંચ વર્ષે લોકસભાની ચૂંટણી યોજવામાં આવે છે. જો કે, વિધાનસભાની ચૂંટણી જે તે રાજ્યોમાં અલગ અલગ સમયે યોજાતી હોય છે. જ્યારે પણ તે રાજ્યમાં સરકારનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થાય ત્યારે ચૂંટણી યોજવામાં આવે છે. ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી કાર્યક્રમોની જાહેરાત થતાંની સાથે જ આચારસંહિતા લાગુ થઈ જાય છે.
કેટલા સમય સુધી આચારસંહિતા લાગુ રહે છે?
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો પ્રમાણે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યા સુધી આચારસંહિત લાગુ રહે છે. તેમાં કોઈ પણ પ્રકારનું ઉલ્લંઘન કરી શકાય નહીં. ચૂંટણીની તારીખ જાહેર થતાંની સાથે જ દેશમાં આચારસંહિતા લાગુ થઈ જાય છે અને મતગણતરી સુધી ચાલુ રહે છે.
જાણો આચારસંહિતાના નિયમો
આચારસંહિતા લાગુ થતાની સાથે કેટલાક નિયમોનું ફરજિયાત પાલન કરવાનું હોય છે. ખાસ કરીને વાત કરાવમાં આવે તો કોઈ પણ રાજકીય પક્ષ કે રાજકીય નેતા તેનું ઉલ્લંઘન કે અવગણના કરી શકે નહીં. વિગતે વાત કરવામાં આવે તો તેમાં ઘણા નિયમો બનાવવામાં આવ્યાં છે. આચારસંહિતા લાગું થતા જાહેર નાણાનો ઉપયોગ કોઈ ખાસ રાજકીય પક્ષ કે નેતાને લાભ થાય તેવા કામ માટે કરવામાં આવશે નહીં. આ સાથે ચૂંટણી પ્રચાર માટે સરકારી વાહનો, સરકારી વિમાન કે સરકારી બંગલાનો ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવે છે. તેની સાથે સાથે કોઈ પણ સરકારી જાહેરાત, ઉદ્ઘાટન કે શિલાન્યાસ વગેરે થશે શકે નહીં.
ધર્મ કે જાતિના નામે વોટ માંગીં શકાય નહીં
ઉલ્લેખનીય છે કે, આચારસંહિતા લાગુ થયા બાદ તેના નિયમો નેતાઓ અને કાર્યકરો જેવા ચૂંટણી સાથે જોડાયેલા લોકોને લાગુ પડે છે, પરંતુ સામાન્ય જનતા પર અનેક નિયંત્રણો લાદવામાં આવે છે. આ બાબતે વધુ વાત કરીએ તો કોઈપણ રાજકીય પક્ષ, ઉમેદવાર, રાજકારણી કે સમર્થકોએ રેલી યોજતા પહેલા પોલીસ પાસેથી પરવાનગી લેવી પડતી હોય છે. આ સાથે ચૂંટણી પ્રચાર દરમિયાન કોઈપણ ચૂંટણી રેલીમાં ધર્મ કે જાતિના નામે વોટ માંગીં શકાય નહીં. આદર્શ આચાર સંહિતા અમલમાં છે ત્યારે સરકારી વાહનોમાં સાયરન લગાવી શકાશે નહીં. તેની સાથે સાથે સરકારી આવાસમાં વડાપ્રધાન, મુખ્યમંત્રી, મંત્રીઓ અને રાજકીય હસ્તીઓની તસવીરો લટકાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે.
આ બાબતોનું પણ ખાસ ધ્યાન રાખવું
તમને જણાવી દઈએ કે, કોઈપણ વ્યક્તિગત નેતા પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક કે અન્ય માધ્યમોમાં સરકારની સિદ્ધિઓની જાહેરાત કરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે છે. આ સમય દરમિયાન સામાન્ય લોકોએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી વખતે સાવચેત રહેવાની જરૂર છે. તમારી એક ભૂલ તમને જેલમાં પણ મોકલી શકે છે. તમે એવો કોઈ ફોટો કે વીડિયો શેર ના કરી શકો કે જેમાં સરકારની ઉપલબ્ધિઓ ગણાતી હોય અથવા તેમાં સરકારનો પ્રચાર થતો હોય.
50,000 રૂપિયાના સુધીના જ વ્યવહારો થઈ શકે
આચારસંહિતા દરમિયાન જો તમે વધુ પૈસા લઈને જતા હોવ તો ચૂંટણી આચારસંહિતા દરમિયાન તમારી પૂછપરછ કરવામાં આવશે અને તમારે રોકડ અંગેના પુરાવાઓ પણ આપવા પડશે. આથી સામાન્ય લોકો અને વેપારીઓએ તેમની સાથે રોકડ રાખવાના કેટલાક રેકોર્ડ રાખવા જોઈએ. જેમ કે આ પૈસા શા માટે લેવામાં આવે છે અને તેનો સ્ત્રોત શું છે. આ સિવાય મોટા ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર પણ નજર રાખવામાં આવે છે. 50,000 રૂપિયાના વ્યવહારો કોઈપણ UPI આધારિત પેમેન્ટ એપ દ્વારા દરરોજ કરી શકાય છે. આનાથી વધુ પર કાર્યવાહી થઈ શકે છે.
આદર્શ આચારસંહિતાની મુખ્ય વિશેષતાઓ
આદર્શ આચાર સંહિતાના મુખ્ય લક્ષણો સૂચવે છે કે રાજકીય પક્ષો, ચૂંટણીના ઉમેદવારો અને સત્તામાં રહેલા પક્ષોએ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કેવું વર્તન કરવું જોઈએ, એટલે કે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સભાઓ યોજવી, સરઘસો નિકાળવા, મતદાન દિવસની પ્રવૃત્તિઓ અને સત્તામાં રહેલા પક્ષની કામગીરી વગેરે પર તેમનું સામાન્ય વર્તન શું હશે? તે બાબતે ધ્યાન દોરવામાં આવે છે.